WRમાં આવતીકાલથી હાલાકી વધશેઃ રોજની 300થી વધુ લોકલ ટ્રેન રદ રહેશે
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવની વચ્ચે આઠ કિલોમીટરની નવી લાઈનના નિર્માણ કાર્ય માટે સાતમી ઓક્ટોબરથી લઈને પાંચમી નવેમ્બર સુધી કામકાજ હાથ ધર્યું છે. આ કામકાજ પૈકી ગયા શુક્રવારથી રોજની 250થી વધુ લોકલ ટ્રેન રદ કરવામાં આવતી હતી, પરંતુ આવતીકાલથી વધુ ટ્રેનો રદ થશે. આવતીકાલે સોમવારથી ટ્રેનોમાં વધુ ભીડ સાથે ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને ટ્રેનના વિકલ્પ સિવાય અન્ય પરિવહનમાં ટ્રાવેલ કરવાનું હિતાવહ રહી શકે છે.
સોમવારે એટલે આતવીકાલથી 316 જેટલી ટ્રેન રદ રહેશે, જેમાં સૌથી વધુ ટ્રેન બોરીવલી, અંધેરીનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેમાં રોજની 1,300થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, જેમાં સોમવારથી શુક્રવાર સુધીમાં રોજ 316થી વધુ ટ્રેન રદ રહેવાને કારણે સૌથી ગીચ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને અવરજવર કરવા તથા ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં વધુ ગીચતાનો અનુભવ થઈ શકે છે.
આ મુદ્દે પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે આ બ્લોકના સમયગાળા દરમિયાન અંધેરી અને જોગેશ્વરી સ્ટેશને મહત્ત્વની કામગીરી કરવામાં આવશે. ભીડને નિયંત્રણ કરવા માટે વિશેષ પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવી છે, જેથી કોઈ અણબનાવ બને નહીં, એમ આરપીએફના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ-બોરીવલી સેક્શનમાં ગોરેગાંવ અને રામ મંદિર સ્ટેશનની વચ્ચે નવા ટ્રેક, રેલવે લાઈન, સિગ્નલિંગ સહિત અન્ય એન્જિનયિંરગનું કામકાજ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બ્લોક અન્વયે અંધેરીમાં સિગ્નલ અને વાયરિંગનું કામકાજ કરવામાં આવશે, જે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સાથે સંકળાયેલ છે, જે કામકાજ પાર પાડવામાં આવ્યા પછી ટ્રેનની ઓપરેશન સિસ્ટમ પણ સ્મૂથ બની શકે છે, જ્યારે સિગ્નલિંગ સિસ્ટમમાં પણ એલઈડી લાઈટ્સ લગાવવાને કારણે ટેક્નિકલ સમસ્યાનું નિર્માણ થવાનું ઘટી શકે છે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
આવતીકાલની રદ્દ થનારી ટ્રેનોની યાદી