આમચી મુંબઈ

થાણેમાં માર્ગ અકસ્માત બાદ ટોળાએ કરેલા હુમલામાં પોલીસ કર્મચારીઓ ઘાયલ

થાણે: થાણે જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ અને બે જણ ઘાયલ થયા બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને તેમના વાહનોની પણ નુકસાન પહોંચાડ્યું હતું. જિલ્લા ગ્રામીણ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે રાતે આ ઘટના બની હતી, જેમાં મહિલા સહિત કેટલાક પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા અને તેમના વાહનોને પણ નુકસાન થયું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર કેટલાક લોકો માલશેજ ઘાટ પિકનિક પર જવા કારમાં નીકળ્યા હતા. તેમની કાર મુરબાડ વિસ્તારમાં ટોકાવડે ખાતે અવલાચા પાડાથી જઇ રહી હતી ત્યારે મોટરસાઇકલ સાથે ભટકાઇ હતી. મોટરસાઇકલ પર ત્રણ જણ હતા. અકસ્માતની જાણ થતાં કેટલાક ગામવાસીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને કારમાં હાજર લોકોને પકડી પાડીને તેમની મારપીટ કરી હતી.

દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ ત્યાં દોડી આવી હતી અને કારમાંના લોકોને છોડાવ્યા હતા અને તેને પોલીસ જીપમાં બેસાડ્યા હતા. પોલીસ જીપ પોલીસ સ્ટેશન જવા નીકળી ત્યારે ઉશ્કેરાયેલા ગામવાસીઓએ પોલીસ વાહનો પર હુમલો કર્યો હતો. પોલીસે બાદમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને કારમાં સવાર લોકોને ટોળાથી બચાવ્યા હતા.

ગામવાસીઓએ કરેલા હુમલામાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવ બાદ ઘટનાસ્થળે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન કાર અને મોટરસાઇકલ વચ્ચે થયેલી ટક્કરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.ટોકાવડે પોલીસે અકસ્માતમાં સામેલ કારચાલક વિરુદ્ધ અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં સામેલ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
(પીટીઆઇ)

આ પણ વાંચો…આઠ-આઠ કલાક પૉર્ન જોઈને બાળકી સાથે આચરી વિકૃતિ: યુગલની ધરપકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button