સ્પોર્ટસ

રિષભ પંતના એક ઇનિંગ્સમાં છ છગ્ગા, ઇંગ્લૅન્ડમાં નવો વિક્રમ…

લીડ્સ: ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ સિરીઝ રમવા આવેલા વાઇસ કેપ્ટન રિષભ પંતે વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે શનિવારે મહેન્દ્રસિંહ ધોનીનો છ ટેસ્ટ સેન્ચુરીનો ભારતીય રેકોર્ડ તોડ્યો એ ઉપરાંત તેણે બીજા પણ કેટલાક વિક્રમ કર્યા હતા. ઇંગ્લૅન્ડમાં પ્રવાસી ટીમના બૅટ્સમેનોમાં એક ટેસ્ટ ઈનિંગ્સમાં સૌથી વધુ છ સિક્સર ફટકારવાનો વિક્રમ હવે રિષભ પંત (RISHABH PANT)ના નામે થઈ ગયો છે. તેણે અહીં લીડ્સમાં ઇંગ્લૅન્ડ (England) સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં જે 134 રન કર્યા હતા એમાં બાર ફોર ઉપરાંત છ સિક્સર સામેલ હતી.

આ પહેલાં, ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ રમી ચૂકેલા વિદેશી ખેલાડીઓમાંથી કોઈએ પણ એક ટેસ્ટ દાવમાં પાંચથી વધુ સિક્સર (SIXERS) નહોતી ફટકારી.

આ અગાઉ ઇંગ્લૅન્ડમાં ચાર વિદેશી ખેલાડીઓએ એક ઇનિંગ્સમાં પાંચ સિક્સર ફટકારી હતી. એમાં ઑસ્ટ્રેલિયાના સૅમ લૉકસ્ટન (1948), માઇકલ હોલ્ડિંગ (1984), ઍડમ ગિલક્રિસ્ટ (2001) અને રૉસ ટેલર (2008)નો સમાવેશ હતો. એ જોતાં રિષભ પંતે છઠ્ઠી સિક્સર ફટકારીને (2008ની સાલનો ટેલરનો) 17 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો હતો.

પંત હવે ભારતની બહારના દેશોમાં એક ટેસ્ટ (Test) ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ભારતીયોમાં હાર્દિક પંડ્યા (2017માં શ્રીલંકામાં એક દાવમાં સાત છગ્ગા) પછી બીજા નંબરે છે.

રિષભ પંતે ઇંગ્લૅન્ડ સામે ત્રીજી વખત સિક્સરથી ટેસ્ટ સેન્ચુરી પૂરી કરી. આ પહેલાં, તેણે 2021માં અમદાવાદમાં અને 2018માં ઓવલમાં છગ્ગા સાથે સદી પૂરી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button