
અમદાવાદ: રાજ્યમાં એક દિવસની વરાપ બાદ ફરીથી સમગ્ર રાજ્યમાં મેઘ મહેરનો પ્રારંભ થયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર 21 જૂન સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 126 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે 15 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લામાં પડ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસામાં 4.02 ઇંચ, મેઘરજમાં 3.9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રાજ્યના 126 તાલુકાઓમાં વરસાદ
સુરત જિલ્લાના ઉમરપાડામાં 3.11 ઇંચ, નર્મદા જિલ્લાના સાગબારામાં 2.2 ઇંચ, છોટા ઉદેપુર જિલ્લાના કવાંટમાં 1.89 ઇંચ અને નસવાડીમાં 1.46 ઇંચ, આણંદના પેટલાદમાં 1.69 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.34 ઇંચ, મહીસાગરના ખાનપુર અને ખેડાના મહેમદાવાદમાં 1.18 ઇંચ, સાબરકાંઠાના તલોદ અને અરવલ્લીના માલપુરમાં 1.1 ઇંચ, અમદાવાદના ધોલેરા અને તાપીના કુકરમુંડામાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત , વલ્લભીપુર, વસો, માણસા, હાલોલ, સાવલી, નડિયાદ, તારાપુર, નસવાડી, નેત્રંગ, માંગરોળ, કઠલાલ, સોજિત્રા, વિજાપુર, જંબુસર, કડી, ભરૂચ, ખંભાત, પોશીના, નાંદોદ સહિત 110 તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
આપણ વાંચો: જરાતમાં મેઘ મહેર, સિઝનની શરૂઆતમાં સરદાર સરોવરની સપાટી 120 મીટરે પહોંચી
રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આપણ વાંચો: ગુજરાતમાં મેઘ મહેર: ૨ કલાકમાં 72 તાલુકામાં વરસાદ, બોટાદમાં ઇકો કાર તણાતા 6 લાપતા…
તે ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ અને તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.