
જુનાગઢ: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં બે બુથ પર ૨૧ જૂનના રોજ ફરીથી મતદાન યોજાયું હતું. વિસાવદર વિધાનસભા બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ બુથ કેપ્ચરિંગની ફરિયાદ કરી હતી, ત્યારબાદ ચૂંટણી પંચે આ બંને બુથ પર મતદાન રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. વિસાવદર વિધાનસભા મતવિસ્તારના માલીડા ગામના બુથ નંબર 86 અને નવા વાઘણીયા ગામના બુથ નંબર 111 પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સાંજે 7 વાગ્યા સુધીમાં માલીડામાં ૮૦.૪૧ અને વાઘણીયામાં ૮૨.૫૯ ટકા મતદાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર 19 જૂને મતદાન થયું હતું. વિસાવદર અને કડી વિધાનસભા મતવિસ્તારોમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. વિસાવદર બેઠક પર સાંજે 6 વાગ્યા સુધીમાં 56.89 ટકા મતદાન થયું હતું. જો કે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવેલી બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ બે મતદાન મથકનું મતદાન ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવ્યું હતું અને ૨૧ જૂનના રોજ વિસાવદર વિધાનસભાનાં માલીડાનાં બુથ નંબર ૮૬ અને નવા વાઘણીયાનાં બુથ નંબર ૧૧૧ પર પુનઃ મતદાનની જાહેરાત કરવામાં આવી હતી.
ગોપાલ ઇટાલિયાએ કર્યા હતા આક્ષેપ
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને ચૂંટણી પંચને વિસાવદરમાં છેલ્લા એક કલાકથી પોલિંગ બૂથના સીસીટીવીનું લાઇવ ફૂટેજ બંધ કરી દીધું હોવાનો આક્ષેપ કર્યો હતો. લાઇવ સ્ટ્રીમિંગ બંધ થયા બાદ વાઘણીયા બૂથ પર ભાજપના કાર્યકરોને નકલી વોટ નાખતા રોકવા બદલ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીસકર્મીઓ સાથે મારપીટ કરવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો…વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં 2 મતદાન મથક પર ફરી મતદાન યોજાયું, સવારે 07 વાગ્યાથી લાગી લાઈનો…