રિષભ પંત ટી-20ના મિજાજમાં રમ્યો, ભારતનો દાવ 471 રન પર સમેટાયો
ત્રણ સેન્ચુરિયનનું કુલ 382 રનનું યોગદાન, બીજા પાંચ બૅટ્સમેને બનાવ્યા ફક્ત 54 રન

લીડ્સઃ ભારતે અહીં આજે પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં બીજા દિવસે પણ સારી શરૂઆત કર્યા બાદ લંચ પહેલાં ધબડકો જોયો હતો અને લંચ બાદ દાવ 471 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. ત્યાર બાદ વરસાદને કારણે ઇંગ્લૅન્ડનો પ્રથમ દાવ સમયસર શરૂ નહોતો થઈ શક્યો. શુક્રવારના પહેલા દિવસના અંત સુધીના 3/359ના સ્કોર પરથી ટીમ ઇન્ડિયાએ શનિવારે રમવાનું શરૂ કર્યું હતું અને ફરી દિવસની સારી શરૂઆત કર્યા બાદ ધબડકો જોવો પડ્યો હતો. જોકે રિષભ પંત (134 રન, 178 બૉલ, છ સિક્સર, બાર ફોર) લંચ પહેલાંના સત્રનો સ્ટાર-અટ્રૅક્શન હતો. તે ટેસ્ટ મૅચમાં ટી-20 મોડમાં રમ્યો હતો અને તેણે કેટલાક વિક્રમો રચ્યા હતા.
ભારતનો સ્કોર એક તબક્કે ત્રણ વિકેટે 430 રન હતો, પણ બીજા 41 રનમાં બાકીની સાતેય વિકેટ પડી ગઈ હતી. ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સે 66 રનમાં ચાર અને બીજા પેસ બોલર જૉશ ટન્ગે 86 રનમાં ચાર વિકેટ લીધી હતી.
ભારતના ત્રણ સેન્ચુરિયનો (યશસ્વી જયસ્વાલ-101 રન, શુભમન ગિલ-147 રન અને રિષભ પંત-134 રન)એ કુલ મળીને 382 રન કર્યા હતા, પરંતુ જેમના પર બૅટિંગમાં મોટો મદાર હતો એ પાંચ બૅટ્સમેનો (કેએલ રાહુલ, સાઇ સુદર્શન, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર)એ કુલ મળીને ફક્ત 54 રન કરી શક્યા હતા.
રાહુલે શુક્રવારે 42 રનનું સાધારણ યોગદાન આપ્યું હતું, પરંતુ સુદર્શન (0), કરુણ નાયર (0), જાડેજા (11) અને શાર્દુલ (1)એ નિરાશ કર્યા હતા. સુદર્શનની આ પહેલી જ ટેસ્ટ છે અને કરુણ નાયર સાત વર્ષે ફરી ભારતીય ટીમમાં આવ્યો છે. જોકે તેઓ શૂન્યમાં આઉટ થયા હતા.
બુમરાહ શૂન્યમાં આઉટ થયો હતો, જ્યારે મોહમ્મદ સિરાજના નામે અણનમ ત્રણ રન હતા અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક રન કર્યો હતો. ટીમ ઇન્ડિયાને 31 રન એક્સ્ટ્રા તરીકે મળ્યા હતા જેમાં પાંચ રન પેનલ્ટીના હતા. શુક્રવારે વિકેટકીપરની પાછળ રાખવામાં આવેલી ફીલ્ડર્સની બે હેલ્મેટને બૉલ લાગતાં ભારતને વધારાના એ પાંચ રન મળ્યા હતા.
આ પણ વાંચો… ગિલ કૅપ્ટન્સીના ડેબ્યૂમાં જ સદી ફટકારનાર પાંચમો ભારતીય સુકાની…