બૂટના મોજાંને લીધે ગિલ સામે શિસ્તભંગ બદલ પગલું ભરાશે? આ વળી કેવું…

લીડ્સઃ શુભમન ગિલે ભારતીય ટેસ્ટ ટીમને નવા યુગમાં ધમાકેદાર પ્રવેશ અપાવ્યો છે, તે કૅપ્ટન તરીકેની ડેબ્યૂ મૅચમાં ભારતીય વિક્રમ કર્યો છે અને ભારતીય ટીમને ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં તોતિંગ સ્કોર તરફ મોકલવામાં સૌથી મોટું યોગદાન આપ્યું છે, પરંતુ એક વિચિત્ર કારણસર આઇસીસી (ICC) તેને પેનલ્ટી કરી શકે એવો અહેવાલ શુક્રવારે વાઇરલ થયો હતો.
વાત એવી છે કે શુક્રવારે લીડ્સમાં ટેસ્ટના પ્રથમ દિવસે ગિલ (SHUBHMAN GILL) કાળા રંગના મોજાં (BLACK SOCKS)પહેરીને રમ્યો હતો. સામાન્ય રીતે ખેલાડીઓ ટેસ્ટના સફેદ ડ્રેસ સાથે ખેલાડીએ સફેદ રંગના જ મોજાં પહેરતા હોય છે, પણ ગિલે બ્લૅક સૉક્સ પહેર્યાં હતા.
આપણ વાંચો: શુભમન ગિલે કેમ પિતાથી મહત્ત્વની વાત છુપાવી હતી?
ગિલે આઇસીસીના ક્લોધિંગ ઍન્ડ ઇક્વિપમેન્ટ રુલ્સનો ભંગ કર્યો હોવાનું મનાય છે. આ નિયમ ક્રિકેટના કાયદાના ઘડતી મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ બનાવ્યો છે.
2023ની સાલથી અમલમાં આવેલી આઇસીસીની કલમ 19.45 મુજબ ટેસ્ટ ખેલાડી માત્ર સફેદ, ક્રીમ અથવા લાઇટ ગે્ર કલરના જ મોજાં પહેરી શકે છે. મર્યાદિત ઓવર્સની મૅચોમાં રમતા ખેલાડીઓ જે ડ્રેસ પહેરીને રમે એના ટ્રાઉઝરના બેઝ કલરને બંધબેસે એવા જ રંગના મોજાં પહેરી શકે છે.
વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ બૅટ્સમૅન રિચી રિચર્ડસન આ ટેસ્ટના મૅચ-રેફરી છે અને તેઓ ગિલ સામે પગલું ભરશે કે નહીં એ તેમના પર નિર્ભર છે. જો ગિલે લેવલ-1 પ્રકારનો ભંગ કર્યો હશે તો તેની મૅચ ફીમાંથી 10થી 20 ટકા હિસ્સો કપાઈ શકે. જોકે ગિલે નિયમ મુજબના રંગના મોજાં ઉપલબ્દ ન હોવાથી કે ફિટ ન હોવાને કારણે નહીં પહેર્યાં હોય તો મૅચ રેફરી તેને માફ પણ કરી શકે છે.