સ્પોર્ટસ

યશસ્વી-ગિલની સેન્ચુરી સાથે ટીમ ઇન્ડિયાનો નવા ટેસ્ટ યુગમાં પ્રવેશ…

જયસ્વાલનો વર્લ્ડ રેકૉર્ડ, કેપ્ટનની અપ્રતિમ સિદ્ધિ : ભારતનો સ્કોર 3/359

લીડ્સઃ શુભમન ગિલ (Shubhman Gill)ના સુકાનમાં ભારતની યુવા ટેસ્ટ ટીમે શુક્રવારે અહીં યજમાન ઇંગ્લૅન્ડને પાંચ મૅચવાળી સિરીઝની પ્રથમ ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી લાઈવ)ના પહેલા જ દિવસે પરચો બતાવી દીધો હતો અને રમતના અંત સુધીમાં ત્રણ વિકેટે 359 રન કર્યા હતા.

ભારતનો ઇંગ્લૅન્ડમાં નવો રેકોર્ડ
ટીમ ઇન્ડિયાએ શુક્રવારે ઇંગ્લૅન્ડમાં 3/359નો જે સ્કોર નોંધાવ્યો એ ઇંગ્લૅન્ડમાં ભારતીયોએ અત્યાર સુધીમાં રમેલી ટેસ્ટ મૅચો (Test match)ના પ્રથમ દિવસનો હાઈએસ્ટ સ્કોર છે. ભારતીય બૅટ્સમેનોએ ત્રણ વર્ષ જૂનો રેકોર્ડ (2022માં 7/338) તોડી નાખ્યો છે.

AP

યશસ્વીનો અનોખો વિશ્વવિક્રમ
યશસ્વી જયસ્વાલ (101 રન, 159 બૉલ, એક સિક્સર, સોળ ફોર) ત્રણ મોટા દેશમાં રમેલી પોતાની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. આ પહેલાં તેણે વેસ્ટ ઇન્ડીઝમાં (2021માં 171 રન) અને ઑસ્ટ્રેલિયામાં (2024માં 161 રન) પોતાની પ્રથમ ટેસ્ટમાં સેન્ચુરી નોંધાવી હતી. યશસ્વી વેસ્ટ ઈન્ડિઝ, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડમાં રમેલી કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારનાર વિશ્વનો પહેલો જ ખેલાડી બન્યો છે.

કૅપ્ટન શુભમન ગિલે (127 નોટઆઉટ, 175 બૉલ, એક સિક્સર, સોળ ફોર) પણ સદી ફટકારી હતી. ગિલ કૅપ્ટન તરીકેની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો પાંચમો સુકાની બન્યો છે. તે વિજય હઝારે, સુનીલ ગાવસકર, દિલીપ વેન્ગસરકર અને વિરાટ કોહલીની હરોળમાં થઈ ગયો હતો.

Reuters

કૅપ્ટન ગિલ સાથે વાઇસ-કૅપ્ટન રિષભ પંત (65 નોટઆઉટ, 102 બૉલ, બે સિક્સર, છ ફોર) રમી રહ્યો હતો.
શુભમન ગિલની આ છઠ્ઠી અને એશિયાની બહાર પ્રથમ સદી હતી. આ પહેલાં એશિયાની બહાર તેનો હાઇએસ્ટ સ્કોર 91 રન હતો જે રન તેણે 2021માં ઑસ્ટ્રેલિયામાં કર્યા હતા.

ગિલ-પંત વચ્ચે 138 રનની અતૂટ ભાગીદારી
ગિલ અને યશસ્વી (Yashasvi) વચ્ચે ત્રીજી વિકેટ માટે 129 રનની તોતિંગ ભાગીદારી થઈ હતી. ગિલ-પંત વચ્ચે રમતના અંત સુધીમાં 138 રનની અતૂટ ભાગીદારી થઈ ચૂકી હતી. ભારતને બૅટિંગ મળ્યા બાદ યશસ્વી અને સાથી ઓપનર કેએલ રાહુલે (42 રન, 78 બૉલ, આઠ ફોર)ની જોડીએ 91 રનની પાર્ટનરશિપ થઈ હતી. પહેલો એક કલાક અને 54 મિનિટ ભારતના હતા, પરંતુ લંચ પહેલાંની છેલ્લી ક્ષણો ઇંગ્લૅન્ડની હતી જેમાં ભારતે રાહુલ તેમ જ નવા બૅટ્સમૅન સાઇ સુદર્શન (0)ની વિકેટ ગુમાવી હતી.

બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવનઃ

ભારતઃ શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

ઇંગ્લૅન્ડઃ બેન સ્ટૉક્સ (કૅપ્ટન), જૅમી સ્મિથ (વિકેટકીપર), જૅક ક્રૉવ્લી, બેન ડકેટ, ઑલી પોપ (વાઇસ-કૅપ્ટન), જૉ રૂટ, હૅરી બ્રૂક, ક્રિસ વૉક્સ, બ્રાયડન કાર્સ, જૉશ ટન્ગ અને શોએબ બશીર.

આપણ વાંચો : સુદર્શન ભારતનો 317મો ટેસ્ટ ખેલાડી બન્યો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button