આણંદ કલેકટર કચેરીની રેકર્ડ શાખામાંથી ફાઇલ ગુમ થવાના ગુનામાં પૂર્વ નાયબ મામલતદારની ધરપકડ…

આણંદઃ આણંદ કલેકટર કચેરીના રેકર્ડ શાખમાંથી ફાઇલ ગુમ થઈ જવાના ગુનામાં કચેરીમાં તત્કાલીન ફરજ બજાવતાં નાયબ મામલતદાર જે.ડી.પટેલ (હાલ ફરજ મોકુફ)ની આણંદ એલસીબી પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગત પ્રમાણે, બોરસદમાં જમીન નવી શરતની હોવા છતાં બિનખેતી કરીને સરકારના પ્રિમિયમનું નુકશાન કરવામાં આવ્યું હતું. કોઈ કર્મચારીએ સંબધિત ફાઈલ રેકર્ડ શાખામાંથી મેળવી ફાઈલ મુવમેન્ટ રજિસ્ટરમાં જાણી જોઈને ઈરાદાપૂર્વક અગર ખોટી રીતે સહી કરી ફાઈલ મેળવી હતી. ત્યારબાદ આ ફાઈલ રેકર્ડ શાખામાં પરત નહીં કરી પુરાવાનો નાશ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ કલેકટર કચેરી આણંદની રેકર્ડ શાખાના નાયબ મામલતદાર દ્વારા નોંધાવવામાં આવી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી.જસાણી દ્વારા આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તેની તપાસ આણંદ એલસીબી પી.આઈ એચ.આર.બ્રહ્મભટ્ટને સોપવામાં આવી હતી. આ ગુનાની તપાસ દરમ્યાન કલેકટરની કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદનો લઇ જરૂરી રેકર્ડ કબ્જે લેવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન આ ફાઇલ જે તે વખતે કલેકટર કચેરીમાં ફરજ બજાવતાં નાયબ મામલતદાર જે.ડી.પટેલ ઉર્ફે જયેશભાઇ દેસાઇભાઇ પટેલ (હાલ ફરજ મોકુફ નાયબ મામલતદાર)એ મંગાવી હોવાનું જણાઈ આવ્યું હતું. જે બાબતે જે. ડી. પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જે ડી પટેલ અગાઉ કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરા મૂકવાના પ્રકરણમાં ઝડપાયો હતો. જેણે તત્કાલીન અધિક કલેક્ટર કેતકી વ્યાસના કહેવાથી આમ કર્યું હતું. ત્યારબાદ તે બાબતે અગાઉના કલેકટરની એક મહિલા સાથેની વીડિયો ક્લિપ બનાવી વાયરલ કરી હતી. આ પ્રકરણ એ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચાવી હતી.