આ કારણે ભાજપ-આરએસએસ કરે છે અંગ્રેજીનો વિરોધઃ રાહુલ ગાંધીનો પલટવાર…

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અંગ્રેજી ભાષા મામલે આરએસએસ અને ભાજપની ટીકા કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે પુસ્તક વિમોચનના એક કાર્યક્રમમાં હિન્દી સહિતની ભારતીય ભાષાઓના ગૂણગાન ગાયા હતા અને અંગ્રેજી બોલનારાઓને શરમ આવશે, તેવું નિવેદન આપ્યું હતું. તેના બીજે જ દિવસે એટલે કે આજે રાહુલ ગાંધીએ અંગ્રેજી ભાષા શિખવાડવાની તરફેણ કરતી એક પોસ્ટ ટ્વિટર પર મૂકી છે અને સાથે ભાજપ અને આરએસએસ નથી ઈચ્છતું કે ગરીબના છોકરાઓ અંગ્રેજીમાં શિક્ષણ લે તેવો આક્ષેપ કર્યો છે.
રાહુલ ગાંધીએ લખ્યું છે કે અંગ્રેજી શક્તિનું પ્રતીક છે, શરમનું નહીં. ભારતની તમામ ભાષાઓ સહિત તમામ બાળકોને અંગ્રેજી ભાષા શિખવાનો પણ એટલો જ અવસર મળવો જોઈએ, તેમ પણ ગાંધીએ કહ્યું છે. ગઈકાલે જ 56માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકેલા રાહુલ ગાંધીએ ભાજપ-આરએસએસ પર શાબ્દિક હુમલો કર્યો હતો અને તેઓ ગરીબ બાળકોને સમાંતર શિક્ષણ નથી આપતા કારણ કે તેઓ ઈચ્છે છે કે તઓ સવાલ ન પૂછે, આગળ ન વધે અને શ્રીમંત બાળકો સાથે બરાબરી ન કરે.
રાહુલ ગાંધીએ અંગ્રેજી ભાષાનું મહત્વ સમજાવવા લખ્યું કે અંગ્રેજી બંધ (ડેમ) નથી, પુલ છે, શરમ નથી શક્તિ છે. સાંકડ નથી, સાંકડો તોડવાનું હથિયાર છે. આજના સમયમાં જેટલી જરૂરી માતૃભાષા શિખવી છે તેટલું જ જરૂરી અંગ્રેજી શિખવું છે કારણ કે તે રોજગાર આપે છે અને સાથે આત્મવિશ્વાસ પણ આપે છે. ગાંધીએ સાથે સાથે એમ પણ કહ્યું કે આપણી દરેક ભારતીય ભાષામાં આત્મા છે, સંસ્કાર છે, જ્ઞાન છે, તેનું જતન આપણે કરવાનું છે. પણ આ સાથે દરેક બાળકને અંગ્રેજી ભાષા શિખવાનો સમાન મોકો મળવો જોઈએ તો જ તેઓ વૈશ્વિક મંચ પર ઊભા રહી શકશે.
શું છે રાહુલે પોસ્ટ કરેલા વીડિયોમાં
રાહુલે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે કહે છે કે મોહન ભાગવત (આરએસએસ વડા) કહે છે કે અંગ્રેજી ન બોલો. ભાજપ-આરએસએસ કહે છે કે અંગ્રેજી ન બોલો, પણ તેમના નેતાઓના સંતાનો વિદેશોમાં ભણે છે. તેઓ નથી ઈચ્છતા કે ગરીબ અને વંચિતના સંતાનો ઊંચા હોદ્દા પર બેસે, તેઓ સમાન હકો ભોગવે. તેમણે બાળકોને અંગ્રેજી શિખવા-શિખવાડવા પર ભાર મૂક્યો હતો.
આપણ વાંચો : ભારતીય ભાષાઓ જ આપણી ઓળખ, અંગ્રેજી બોલનારા શરમાશે: અમિત શાહ