મનોરંજન

Sitare Zamin per review: ફિલ્મમાં ઘણી ખામીઓ પણ મિ. પરફેક્શનિસ્ટ ઈઝ પરફેક્ટ

શુક્રવારે થિયેટરમાં ફિલ્મ આવે તે પહેલા જોરદાર માર્કેટિંગનો ટ્રેન્ડ ચાલ્યો છે. આ ટ્રેન્ડમાં ઘણાને ફાયદો થાય છે, પણ ઘણી ફિલ્મ ફસાઈ જાય છે. સિતારે ઝમીન પર સાથે અમુક અંશે એમ જ થયું કારણ કે આમિર ખાનના અમુક ઈન્ટરવ્યુ અને અગાઉ તેણે કરેલી કૉમેન્ટ્સને લીધે તેની નેગેટિવ પબ્લિસિટી પણ થઈ. વળી, ટ્રેલર લૉંચ થતાં જ લોકોને તે ઓરિજલ અંગ્રેજી અને ફ્રેન્ચ ફિલ્મ ચેમ્પિયનની ફિલ્મોની કૉપી લાગી, જોકે તે ચેમ્પિયનનું ઓફિશિયલ અડોપ્શન છે તે પછીથી જાહેર થયું. પણ ફિલ્મ રિલિઝ થયા બાદ લાગે છે કે આ બધાને પછાડી દેવા માટે જે સારો પ્લોટ જોઈએ તે અને પર્ફોમન્સ બન્ને આ ફિલ્મમાં છે અને ફિલ્મ ચમકશે.

શું છે ફિલ્મની સ્ટોરી

સ્ટોરી અમે રિવિલ કરતા નથી, પણ ટ્રેલરે અડધી સ્ટોરી તો કહી દીધી છે તે રીતે આમિર ખાન એક બાસ્કેટબોલ કૉચ છે અને સજાના ભાગરૂપે માનસિક દિવ્યાંગ કે ન્યૂપોડાર્વર્ઝેટ ખેલાડીઓની ટીમના કૉચિંગનું કામ તેને મળે છે. ગુલશન અરોરા તરીકે અતડો એવો કૉચ આ કામમાં કઈ રીતે ઈન્વોલ્વ થાય છે અને અંતે તેનું પોતાનું કૉચિંગ કઈ રીતે થાય છે તે જોવાનું છે. ફિલ્મમાં આમિર સાથે જેનેલિયા ડિસોઝા તેની પત્ની સુનીતા તરીકે અને બાકીના ખેલાડીઓ તમને હસાવશે, રડાવશે, થોડા સમય માટે ખામોશ કરી દેશે. પણ થિયેટરમાંથી નીકળીને એક સારી ફિલ્મ જોયાનો આનંદ તો આપશે જ.
હા, ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને થોડો બોરિંગ લાગી શકે છે. આમિર અને જેનેલિયાના સંબંધોને બતાવાવમાં અને માહોલ સેટ કરવામાં સમય કાઢી નાખ્યો છે. ઈન્ટરવલ પડે ત્યાં સુધીમાં તમને બે ચાર વાર તમારો મોબાઈલ ચેક કરવાનુ મન થશે, પણ ઈન્ટરવલ બાદ ફિલ્મ તમને ઝકડી રાખશે અને તમે એક ઈમોશનલ જર્નીમાંથી પસાર થશો.

કેવી છે એક્ટિંગ ને કેવું છે ડિરેક્શન

એક્ટિંગ અને ડિરેક્શનની વાત કરતા પહેલા વાત કરીએ પ્લોટની અને રાઈટિંગની. જ્યારે પણ આ પ્રકારે અન્ડરડોગ્સ પ્લે કરતી ફિલ્મો બને ત્યારે પાત્રો માટે સહાનુભૂતિ ઉપજે છે, પરંતુ દાદ દેવી પડે દિવ્ય નિધિ શર્માની કે તેણે એકપણ પાત્રને દયામણું નથી બતાવ્યું. ઉલ્ટાનું તેમને જોઈને આપણને સમજાય છે કે નોર્મલ કોને કહેવાય. જોકે ફિલ્મ હજુ વધારે હેપનિંગ અને ફ્રેશ બનાવી શકાય હોત, પરંતુ ઘણી જગ્યાએ લેખન સ્ટીરિયોટાઈપ લાગે છે.

વાત કરીએ ડિરેક્શનની તો આર.એસ.પ્રસન્ના માટે આ આસાન ન હતું. એક તો આમિર જેવો જબરો કલાકાર અને બીજી બાજુ વાસ્તવમાં વિવિધ ન્યૂરો લિમિટેશન્સ ધરાવતા ઓરિજિનલ પ્લેયર્સ. તેમના પાસેથી તેમણે જે કામ લીધું છે તે કાબિલે દાદ છે. રહી વાત આમિરની તો આ ફિલ્મ તેની માટે સુપરડુપર કમબેક ફિલ્મ સાબિત થશે. લાલસિંહ ચઢ્ઢા બાદ આમિર જાણે એક્ટિંગ ભૂલી ગયો હોય તેમ લાગતું હતું, પરંતુ તેણે એક એક સિન, ઈમોશનને બખૂબી નિભાવ્યો છે.

એકાદ બે સિન્સ બાદ કરીએ તો આમિરે એકદમ નેચરલ અને પાવરફૂલ પરફોર્મન્સ આપ્યું છે. ફિલ્મની તમામ નબળાઈઓ સામે તે એકલો જ લડી ગયો છે અને ફિલ્મને જોવાજેવી, માણવાજેવી બનાવી છે. જેનેલિયાએ પણ પોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. બાકીના કલાકારો પણ પોતપોતાના પાત્રમાં ફીટ બેઠા છે. તારે ઝમીન પરની સ્પિરિચ્યુઅલ સિક્વલ ગણાતી આ ફિલ્મ તેના કરતા અલગ છે. ફિલ્મના સંગીતે નિરાશ કર્યા છે. શંકર અહેસાન લોય, રામ સંપટ બધા જ કોઈ જાદુ કરી શક્યા નથી. ખીર બધી જ રીતે સારી બની હોય, પણ થોડી ખાંડ ઓછી હોય તો ફિક્કી લાગે તેવું મ્યુઝિકની બાબતમાં થયું છે.
ખૈર, ફિલ્મ એકંદરે ફ્રેશ કરે છે પેક્ડ થિયેટરમાં આ ઈમોશનલ જર્ની જોવાની મજા આવશે, તો વિકએન્ડમાં જવાનું તમે વિચારી શકો.

મુંબઈ સમાચાર સ્ટારઃ 3.5

આ પણ વાંચો…શું છે 12Aનું રેટિંગ, જે બ્રિટિશ સેન્સર બોર્ડે સિતારે ઝમીન પર ફિલ્મને આપ્યું છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button