ઓડિશાના આ ડ્રાઈવરને સલામઃ પોતે જીવ ગુમાવ્યો પણ…
ડ્રાઈવિંગનું કામ સતત સતર્કતા અને એકાગ્રતા માગી લે છે. ડ્રાઈવરની એક ભૂલ કે તેની એક ઝપકીએ કેટલાય મુસાફરોના જીવ ગયા છે. રોડ અકસ્માતના કારણોમાં ડ્રાઈવરની બેદરકારી કે ભૂલ જ મોટે બાગે જવાબદાર હોય છે ત્યારે ત્યારે તમે બસમાં 50 જેટલા પ્રવાસીઓને લઈને જતા હોય ત્યારે તમારી જવાબદારી અનેકગણી વધી જાય છે. આ જવાબદારીનું ભાન ઓડિશાના ડ્રાઈવરમને હતું અને તેથી જ તેણે પોતાનો જીવ જાય તે પહેલા બસમાં સવાર 48 મુસાફરોના જીવ સુરક્ષિત કરી લીધા હતા.
ઓડિશાના આ ડ્રાઈવરની ઓળખ સના પ્રધાન તરીકે થઈ છે. તેને ચાલુ બસમાં હાર્ટએટેક આવી ગયો હતો. છાતીમાં દુઃખાવાની શરૂઆત થતાં જ બસ ડ્રાઈવરને આભાસ થઈ ગયો હતો કે તેને હાર્ટએટેક આવવાની સંભાવના છે એટલે તેણે તાત્કાલિક બસને એક દીવાલ સાથે અથડાવી દીધી. જેના લીધે બસ અટકી ગઈ અને 48 યાત્રીઓના જીવ બચી ગયા.
એક અહેવાલ દ્વારા મળતી માહિતી અનુસાર આ બસ ઓડિશાના ભુવનેશ્વર જઈ રહી હતી અને તેમાં 48 મુસાફરો સવાર હતા. જોકે ડ્રાઈવરે અંતિમ શ્વાસ લેતાં પહેલાં બસને સફળતાપૂર્વક રોકી દીધી હતી. ઘટના કંધમાલ જિલ્લાના પાબુરિયા ગામ નજીક બની હતી. ડ્રાઈવરની ઓળખ સના પ્રધાન તરીકે થઇ છે.
ટિકાબાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર કલ્યાણમધી સેંધાએ કહ્યું કે ડ્રાઈવરને ખબર પડી ગઈ હતી કે તે હવે ગાડી નહીં ચલાવી શકે એટલા માટે તેમણે બસને કિનારે આવેલી દીવાલમાં ઠોકી દીધી જેનાથી બસ અટકી ગઇ અને યાત્રીઓનો જીવ બચી ગયો.
પોલીસે જણાવ્યું કે આ એક ખાનગી બસ હતી. મા લક્ષ્મી નામની આ બસ દરરોજ રાતે સામાન્ય રીતે કંધમાલના સારંગઢથી ઉદયગિરી થઇને ભુવનેશ્વર જતી હતી. ઘટના બાદ ડ્રાઈવરને નજીકની હોસ્પિટલે લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ ડ્રાઇવરને મૃત જાહેર કર્યો હતો.
ડ્રાઈવરનું મોત અકસ્માત નહીં પણ હાર્ટએટેકને કારણે થયું હોવાની માહિતી ડૉક્ટરોએ આપી હતી. જો ડ્રાઈવર બસ ચલાવ્યે રાખ્યો હતો અને અચાનકથી ફસડાઈ પડ્યો હોત તો આ તમામ પ્રવાસીઓના જીવનું જોખમ ઊભું થયુ હોત, પણ તેણે સમયસૂચકા વાપરી આવી સ્થિતિમાં પણ બસ રોકી દીધી હતી. કમનસીબે 48ના જીવ બચાવનારે પોતાનો જીવ ગુમાવ્યો હતો.