સ્પોર્ટસ

મહિલાઓના ટી-20 વર્લ્ડ કપનું પણ શેડ્યૂલ જાહેર કરાયું, ભારત-પાકિસ્તાનનો મુકાબલો આ તારીખે થશે

દુબઈઃ ગયા મહિને ભારતે પાકિસ્તાનને રણમેદાનમાં ત્રણ જ દિવસમાં જોરદાર પછડાટ આપી ત્યાર પછી હવે ક્રિકેટના મેદાન પરના બન્ને કટ્ટર દેશ વચ્ચેની મૅચ પર સૌ કોઈની નજર રહેશે અને એ વિશે સૌથી પહેલાં મહિલા ક્રિકેટરોના એક પછી એક બે આઇસીસી વર્લ્ડ કપની તારીખો જાહેર કરાઈ છે જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર ક્યારે થશે એના પર ભાર મૂકવામાં આવ્યો છે.
બે દિવસ પહેલાં વિમેન્સ વન-ડે વિશ્વ કપની જાહેરાત કરાઈ જેમાં ભારત-પાકિસ્તાન (India-Pakistan)ની મૅચ કોલંબોમાં પાંચમી ઑક્ટોબરે રમાશે.

હવે મહિલાઓના ટી-20 વિશ્વ કપની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ ભારત-પાકિસ્તાનની ટક્કર 14મી જૂને (14 June) થશે અને એ મૅચ એજબૅસ્ટન (Edgbaston)માં રમાશે.
આ ટી-20 વર્લ્ડ કપ આવતા વર્ષે જૂનમાં ઇંગ્લૅન્ડમાં યોજાશે અને એમાં ભારત-પાકિસ્તાનની પોતપોતાની પ્રથમ મૅચ 14મી જૂને રમાશે. મુખ્ય ટૂર્નામેન્ટ 12મી જૂને શરૂ થશે.

ક્રિકેટની કોઈ પણ આઇસીસી ટૂર્નામેન્ટ (પુરુષ કે મહિલા વર્ગ)માં ભારત-પાકિસ્તાનની મૅચ પર સૌથી વધુ લોકોની નજર હોય છે અને યજમાન દેશને સ્ટેડિયમમાં તેમ જ બ્રૉડકાસ્ટિંગ કંપનીને ટીવી પ્રસારણ દરમ્યાન આ મૅચ વખતે જ સૌથી વધુ કમાણી થતી હોય છે.

મહિલાઓના જૂનના ટી-20 વર્લ્ડ કપમાં 12 ટીમ ભાગ લેશે. 24 દિવસની એ ટૂર્નામેન્ટનો આરંભ 12મી જૂને યજમાન ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા વચ્ચેની એજબૅસ્ટન ખાતેની મૅચથી થશે અને પાંચમી જુલાઈએ લૉર્ડ્સમાં ફાઇનલ રમાશે.

12 ટીમને બે જૂથમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ-1માં છ વખત ચૅમ્પિયન બનનાર ઑસ્ટ્રેલિયા, રનર-અપ સાઉથ આફ્રિકા તેમ જ ભારત, પાકિસ્તાન તેમ જ બે ક્વૉલિફાઇંગ ટીમનો સમાવેશ છે. ગ્રૂપ-2માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યૂ ઝીલૅન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ તેમ જ યજમાન ઇંગ્લૅન્ડ અને બે ક્વૉલિફાઇંગ ટીમ સામેલ છે. બન્ને ગ્રૂપની ટોચની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે.

આ પણ વાંચો -‏‏‎ સ્મૃતિ મંધાનાએ વન-ડેમાં છ વર્ષે ફરી મેળવી અનેરી સિદ્ધિ

મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતની મૅચો, નૉકઆઉટ મૅચો ક્યારે રમાશે

(1) ભારત વિરુદ્ધ પાકિસ્તાન, 14 જૂન, એજબૅસ્ટન
(2) ભારત વિરુદ્ધ ક્વૉલિફાઇંગ ટીમ, 17 જૂન, હેડિંગ્લી
(3) ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા, 21 જૂન, ઑલ્ડ ટ્રેફર્ડ
(4) ભારત વિરુદ્ધ ક્વૉલિફાઇંગ ટીમ, 25 જૂન ઑલ્ડ ટ્રેફર્ડ
(5) ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, 28 જૂન, લૉર્ડ્સ
(6) પ્રથમ સેમિ ફાઇનલ, 30 જૂન, ઓવલ
(7) બીજી સેમિ ફાઇનલ, 2 જુલાઈ, ઓવલ
(8) ફાઇનલ, 5 જુલાઈ, લૉર્ડ્સ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button