આમચી મુંબઈ

’20 કરોડ નહીં, હવે 200 કરોડ આપો’ મુકેશ અંબાણીને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી

મુંબઇઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીને ફરી એકવાર ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ઈમેલ મોકલીને કહ્યું છે કે જો અંબાણી 200 કરોડ રૂપિયા નહીં આપે તો તેને ગોળી મારી દેવામાં આવશે. અગાઉ અંબાણીને 20 કરોડ રૂપિયા આપવાની ધમકીભર્યો મેલ આવ્યો હતો.

મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ 200 કરોડ રૂપિયાની માંગણી કરતો ઈમેલ મોકલ્યો છે. અગાઉ તેણે 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ફરી એક વાર એ જ ઈમેલ એકાઉન્ટમાંથી બીજો મેલ આવ્યો છે. ઈમેલ કરનારે કહ્યું છે કે તેણે હજુ સુધી અમારા ઈમેલનો જવાબ આપ્યો નથી. તેથી હવે 200 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.


જો આમ ન કરવામાં આવે તો ધ્યાન રાખો કે ડેથ વોરંટ પર સહી થઈ ચૂકી છે. તેણે ઈમેલમાં લખ્યું હતું કે, “તમે અમારા ઈમેલનો જવાબ આપ્યો નથી, તેથી હવે રકમ 200 કરોડ છે, નહીં તો તમારા ડેથ વોરંટ પર હસ્તાક્ષર થઇ ગયા છે.”

અગાઉ ધમકી આપનાર વ્યક્તિએ 27મી ઓક્ટોબરે એક મેઈલ પણ મોકલ્યો હતો. મુકેશ અંબાણીની કંપનીના ઈમેલ આઈડી પર મોકલવામાં આવેલા ઈમેલમાં લખ્યું હતું કે, ‘જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે’. આ ઈમેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદ પર મુંબઈની ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.


ગયા વર્ષે પણ મુકેશ અંબાણીની સર હરકિશન દાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ પર ફોન કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે બિહારના દરભંગામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી.


નોંધનીય છે કે મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેની બે વર્ષ પહેલા દક્ષિણ મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયા બિલ્ડિંગ પાસે વિસ્ફોટક ભરેલી SUV સ્કોર્પિયો પાર્ક કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ જ્યારે આ કેસ વેગ પકડ્યો ત્યારે રાજ્યના તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખને પણ અન્ય એક કેસમાં લગભગ દોઢ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. હાલ તેઓ જામીન પર જેલની બહાર છે, પરંતુ સચિન વાઝે હજુ પણ જેલમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button