
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા સોનાના હાજર અને વાયદાના ભાવમાં તેમ જ ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી 0.2 ટકાનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 128થી 129નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 14 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.
જોકે, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 37 ડૉલરની ઉપરની સપાટીએ જળવાઈ રહેતાં સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 450ની આગેકૂચ જળવાઈ રહી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર તાજેતરમાં વિશ્વ બજારમાં ચાંદીમાં ઝડપી તેજી આવી હોવાથી આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 450ની તેજી સાથે રૂ. 1,09,550ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોની માગ પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 128 ઘટીને રૂ. 98,622 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 129 ઘટીને રૂ. 99,018ના મથાળે રહ્યા હતા.
આજે અમેરિકી ફેડરલ રિઝર્વની મોડી સાંજે સમાપન થતી બે દિવસીય નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ અનુક્રમે 3381.10 ડૉલર અને 3399.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ રહેવાની સાથે ક્રૂડતેલના ભાવમાં પણ મજબૂત વલણ રહ્યું હોવાથી સોનામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ પણ 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 37.14 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવના સંકેતો, અમેરિકાનાં રિટેલ વેચાણ, ગૃહનિર્માણ અને ઔદ્યોગિક ઉત્પાદનના ડેટાઓ નબળા આવ્યા હોવાથી આ વર્ષના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બની હોવાનું એએનઝેડના વિશ્લેષકે એક નોટ્સમાં જણાવ્યું હતું. અમેરિકી પ્રમુખના ઈરાનને બિનશરતી શરણાગતી આહ્વાન છતાં ઈઝરાયલ અને ઈરાને એકબીજા પર નવેસરથી મિસાઈલ હુમલાઓ કર્યાના અહેવાલોને ધ્યાનમાં લેતા અમેરિકા મધ્ય પૂર્વમાં ફાઈટર એરક્રાફ્ટ તથા શસ્ત્ર સરંજામ ગોઠવે તેવી શક્યતા યુએસના ત્રણ અધિકારીઓએ રોઈટર્સ સમક્ષ વ્યક્ત કરી હતી. આમ મધ્ય પૂર્વમાં ભૂરાજકીય કટોકટી વધુ વણસે તેવી શક્યતા પ્રબળ બની છે.
આ પણ વાંચો - ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વકરતા વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો
દરમિયાન આજે ફેડરલ રિઝર્વ બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા હોવા છતાં બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ ભવિષ્યની નીતિ અંગે કોઈ અણસાર આપે છેકે કેમ તેના પર રોકાણકારોની મીટ મંડાયેલી છે.
જોકે, તાજેતરમાં કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં જળવાઈ રહેલી લેવાલી અને સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં વધી રહેલા આંતરપ્રવાહને ધ્યાનમાં લેતા ગોલ્ડમેન સાશે વર્ષ 2025ના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 3700 ડૉલર અને વર્ષ 2026ના મધ્ય સુધીમાં ભાવ આૈંસદીઠ 4000 ડૉલર સુધી પહોંચે તેવો અંદાજ મૂક્યો છે.