સોનામાં ઊંચા મથાળે રોકાણકારોની વેચવાલી અને જ્વેલરોની થોભો અને રાહ જૂઓની નીતિ
દશેરાની જેમ દિવાળીના તહેવારોની માગ પર ઊંચા ભાવની માઠી અસર પડવાની ભીતિ
કોમોડિટી -રમેશ ગોહિલ
આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણકારો અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૩૧ ઑક્ટોબર અને પહેલી નવેમ્બરનાં રોજ યોજાનારી નીતિવિષયક બેઠક પર મીટ માંડીને બેઠા છે ત્યારે ઈઝરાયલ-હમાસ વચ્ચેના તણાવમાં વધારો થવાને કારણે ગત સપ્તાહ દરમિયાન સોનામાં રોકાણકારોની સલામતી માટેની પ્રબળ માગને ટેકે ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી. તેમ જ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સપ્તાહના અંતે શુક્રવારે સોનાના ભાવ આગલા બંધ સામે ૧.૨ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા અને ભાવમાં સાપ્તાહિક ધોરણે વધુ ૧.૪ ટકાની વૃદ્ધિ થઈ હતી. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં મક્કમ ગતિએ સુધારો આગળ ધપ્યો હતો અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૨ની આગેકૂચ જોવા મળી હતી. જોકે, ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક ખાતે જોવા મળેલા ઉછાળાની શક્યત: સ્થાનિક બજાર પર આગામી સોમવારે અસર જોવા મળી શકે છે. એકંદરે સ્થાનિકમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર પ્રવર્તી રહ્યા હોવાથી સાર્વત્રિક સ્તરેથી માગ નબળી રહે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સપ્તાહે દશેરાના સપરમા દહાડે સોનામાં માત્ર શુકન પૂરતી ખરીદી જોવા મળી હોવાથી વેપારી આલમમાં ભીતિ છે કે જો આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં પણ ભાવસપાટી ઊંચી રહી તો માગ પર માઠી અસર પડશે તેમ જ દિવાળી બાદ શરૂ થનારી લગ્નસરાની મોસમની માગ પણ નબળી પડશે. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૦ ઑક્ટોબરના રૂ. ૬૦,૬૯૩ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને રૂ. ૬૦,૬૩૨ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૬૦,૬૦૨ અને ઉપરમાં રૂ. ૬૦,૯૮૪ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૧૩૨ અથવા તો ૦.૨૧ ટકા વધીને રૂ. ૬૦,૮૨૫ના મથાળે બંધ રહ્યા હતા, જ્યારે સોનાના વાયદામાં ગત શુક્રવારે ભાવ વધીને ગત મે મહિનાની ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧,૮૪૫ની સર્વોચ્ચ સપાટીની નજીક રૂ. ૬૧,૦૦૦ના મથાળે રહ્યા હતા. ગત સપ્તાહે દશેરામાં સોનામાં ઊંચા મથાળેથી માગ રૂંધાઈ જતાં ખરીદી ગત સાલની સરખામણીમાં ઓછી જોવા મળી હોવાનું મુંબઈ સ્થિતિ એક ડીલરે જણાવતાં ઉમેર્યું હતું કે રિટેલ ગ્રાહકો તેમ જ જ્વેલરોની ભાવઘટાડાના આશાવાદે માગ શુષ્ક છે. ખાસ કરીને અત્યારના તબક્કે ઊંચા મથાળેથી રોકાણકારો સોનામાં વેચાણ કરી રહ્યા છે અને રિટેલ ખરીદદારો ઘટાડાના આશાવાદે નવી ખરીદી મોકૂફ રાખી રહ્યા છે અને જ્વેલરોએ થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવી હોવાનું જણાઈ રહ્યું છે. એકંદરે ગત સપ્તાહ માગ શુષ્ક રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ પાચ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડિસ્કાઉન્ટ ઔંસદીઠ ચાર ડૉલર આસપાસની સપાટીએ હતું.
વધુમાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ વધ્યા મથાળેથી માગ પાંખી રહેતા ડીલરો સોનાના ભાવ જે આગલા સપ્તાહે વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૪૪થી ૪૯ ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ૨૫થી ૪૧ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હોવાનું ગ્રેટર ચાઈના સ્થિતએમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું. ગત ગુરુવારે જાહેર થયેલા આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં ચીનની વાયા હૉંગકૉંગ સોનાની આયાતમાં ઑગસ્ટ મહિનાની સરખામણીમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વર્ષાનુવર્ષ ધોરણે વધારો થયો છે.
મધ્યપૂર્વના દેશોના તણાવને લીધે વિશ્ર્વ બજારમાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની પ્રબળ માગને ટેકે સતત ત્રીજા સપ્તાહમાં ભાવ વધી આવ્યા હતા. તેમાં પણ ઈઝરાયલી દળોએ ગાઝા પર લશ્કરી હુમલો શરૂ કરતાં સલામતી માટેની માગ વધુ પ્રબળ બની હતી. જોકે, ફેડરલ રિઝર્વ દ્વારા લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં તેજી મર્યાદિત રહી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે અમેરિકામાં ત્રીજા ત્રિમાસિકગાળાનો આર્થિક વૃદ્ધિદર બજારની અપેક્ષા કરતાં વધુ મજબૂત જોવા મળ્યો હોવાથી ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થયો હતો. વધુમાં ગત સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે વ્યાજદર યથાવત્ રાખ્યા હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે મધ્યપૂર્વ દેશોના તણાવને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતા સોનાના વૈશ્ર્વિક ભાવ માટે ઔંસદીઠ ૧૯૬૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯,૨૦૦ની સપાટી ટેકાની અને રૂ. ૬૨,૮૦૦ની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને ધ્યાનમાં લેતાં સોનામાં સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ આગલા બંધ સામે ૧.૨ ટકા ઉછળીને ગત મે મહિના પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૨૦૦૯.૧૯ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૧૯૯૮.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ઈઝરાયલનાં ચીફ મિલિટરી પ્રવક્તાએ ગાઝા પટ્ટી પર જમીની આક્રમણ કરવાની સાથે હવાઈ હુમલા પણ કર્યા હોવાનું જણાવ્યા બાદ સોનામાં તેજી વેગીલી બની હતી અને વેચવાલી અટકી હોવાનું ન્યૂ યોર્ક સ્થિત એક ટ્રેડરે જણાવ્યું હતું. જોકે, સાક્સો બૅન્કનાં કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઑલે હસને જણાવ્યું હતું કે સપ્તાહના અંતે ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની ઉપરની સપાટીએ બંધ રહ્યા હોવાથી ભાવ ઔંસદીઠ ૨૦૫૦ ડૉલર સુધી વધે તેવી શક્યતા નકારી ન શકાય.