
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ શાનદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. આજ રાજ્યમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ બોટાદ જિલ્લાના બરવાળામાં 7.01 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઈંચ, બોટાદમાં 5.43 ઈંચ, સુરેન્દ્રનગરના મુળીમાં 5.31 ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં 4.76 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 4.76 ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં 4.53 ઈંચ, જામનગરના જોડિયામાં 4.37 વરસાદ પડ્યો હતો.



ભાવનગરમાં ભારે વરસાદથી શેત્રુંજી ડેમ ઓવરફ્લો
ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનના પ્રથમ વરસાદમાં જ છલકાયો હતો. ડેમના 59 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે પાલીતાણાના 5 ગામ, તળાજાના 12 ગામો હાઈએલર્ટ રાખવામાં આવ્યા છે. ભૂતિયા ગામ નજીક કોઝવે તૂટ્યો છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 95660 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ ડેમ ભાવનગર જિલ્લાના ચાર તાલુકાના ખેતી સાથે સંકળાયેલા 122 ગામોને પાણી પૂરું પાડે છે, જ્યારે પીવા માટે ભાવનગર પાલીતાણા તથા ગારીયાધાર જૂથ પુરવઠા યોજના અંતર્ગત 56 ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડે છે, શેત્રુંજી ડેમ પહેલા જ વરસાદમાં એટલે કે જૂન મહિનામાં ભરાયો હોય તેવું ઘણા વર્ષે બન્યું છે.

ભારે વરસાદને કારણે અમદાવાદ-ભાવનગર હાઈવે બંધ કરવામાં આવ્યો હતું. રંઘોળી નદી પરના પુલ પર પાણી ફરી વળ્યું હતું. આ કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. જિલ્લા તંત્ર દ્વારા કુલ 14 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તળાજામાં 2, પાલીતાણામાં 3, ઉમરાળામાં 1, વલ્લભીપુરમાં 1, મહુવામાં 2, ઘોઘામાં 1, સિહોરમાં 3 અને ગારીયાધારમાં 1 રસ્તો બંધ છે.
આ પણ વાંચો….અષાઢી બીજ પહેલા કચ્છમાં મેઘરાજાની વધામણી; લોકોમાં આનંદની લાગણી