સ્પેશિયલ ફિચર્સ

આધારકાર્ડમાં ફોટો અપડેટ કરાવવા બાબતે આવી મહત્ત્વની માહિતી…

આજના સમયમાં તમે ભારતીય નાગરિક છો એ પૂરવાર કરવા માટેનો સૌથી મહત્ત્વનો દસ્તાવેજ બની ચૂક્યો છે આધાર કાર્ડ કે જે યુઆઈડીએઆઈ (UIDAI) દ્વારા આપવામાં આવતો 12 અંકનો એક વિશેષ નંબર છે. આ ડોક્યુમેન્ટ માત્ર સરકારી યોજનાઓ, બેંક એકાઉન્ટ ખોલાવવા વગેરેમાં ખૂબ જ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. પરંતુ આ આધાર કાર્ડને લઈને જ હવે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આ માહિતી પણ આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવા સંબંધિત છે.

શું કરવા જરૂરી છે ફોટો અપડેટેશન?

આધાર કાર્ડ પર વ્યક્તિની પર્સનલ ઈન્ફોર્મેશનની સાથે સાથે તેનો ફોટો પણ જોવા મળે છે. સમયની સાથે વ્યક્તિના ચહેરામાં ફેરફાર થાય એ સ્વાભાવિક છે. જો તમારા આધાર કાર્ડમાં પણ જૂનો ફોટો છે તો ઘણી વખત તે આઈડેન્ટિફિકેશનમાં પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. તમારા કામ આને કારણે વિલંબમાં પડી શકે છે.

આ પણ વાંચો: તમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને? આ રીતે તપાસો…

આટલા સમયે અપડેટ કરાવવો જોઈએ ફોટો

વાત કરીએ આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવા અને તેની ડેડલાઈન વિશે વાત કરીએ તો યુઆઈડીએઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવાની કોઈ અનિવાર્યતા નથી પણ 10 વર્ષમાં એક વખત પોતાનો ફોટો અપડેટ કરાવવો જોઈએ.

શું છે ફોટો બદલાવવાની પ્રક્રિયા?

આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો તે ખૂબ જ સરળ છે. આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માટે કોઈ ખાસ પ્રક્રિયાની જરૂર નથી હોતી. અહીં જણાવેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને તમે ચપટી વગાડતામાં જ આધાર કાર્ડમાં રહેલો તમારો ફોટો બદલાવી શકો છો. તમારા નજીકના આધાર સેવા કેન્દ્રમાં જઈને તમારે ફોટો બદલાવવા માટે એક ફોર્મ ભરવું પડશે. ફોર્મ ભર્યા બાદ તમારો નવો ફોટો ક્લિક કરવામાં આવશે અને બાયોમેટ્રિક ડિટેઈલ્સ લેવામાં આવશે.

આ પણ વાંચો: આધારકાર્ડના સાથીદાર ‘Aadhaar Mitra’થી થઈ શકશે અનેક મહત્ત્વના કામ…

ફોટો અપડેટ માટે કેટલો ચાર્જ આપવો પડશે?

આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે એ વિશે વાત કરીએ તો તેની માટે આશરે 100 રૂપિયાનો એક નોમિનલ ચાર્જ લેવામાં આવે છે અને આ ફી પણ તમારે એ સેન્ટર પર જ ચૂકવવી પડે છે.

કેટલો સમયમાં અપડેટ થશે ફોટો?

ફોટો અને બાયોમેટ્રિક અપડેટેશન બાદ તમારી રિક્વેસ્ટ યુઆઈડીએઆઈની સિસ્ટમમાં ફ્રોસેસ કરવામાં આવે છે. સામાન્યપણે 90 દિવસમાં તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જાય છે અને તમે એને ઓનલાઈન યુઆઈડીએઆઈની વેબસાઈટ પર જઈને ડાઉનલોડ કરી શકો છો કે પછી નવા આધાર કાર્ડની હાર્ડ કોપી માટે અરજી કરી શકો છો.

ઓનલાઈન કેમ ફોટો અપડેટ ના કરી શકાય?

આજકાલ મોટાભાગના કામકાજ ઓનલાઈન જ થઈ જતાં હોય છે તો પછી આધાર કાર્ડમાં ફોટો કેમ ઓનલાઈન ના અપડેટ કરી શકાય એની વાત કરીએ તો ફોટો અને બાયોમેટ્રિક ડિટેઈલ્સ માટે તમારે ફિઝિકલી આધાર કેન્દ્ર જવું પડે છે કારણ કે ફોટો ક્લિક અને બાયોમેટ્રિક વેરિફિકેશન ત્યાં જ કરી શકાય છે. યુઆઈડીએઆઈ દ્વારા સુરક્ષાના કારણોસર આ સર્વિસ ઓનલાઈન ઉપલબ્ધ નથી કરાવી આપી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button