નેશનલ

ઇઝરાયલ – હમાસની લડાઇ યુએનના ઠરાવ પર ભારતે મત ન આપ્યો

સંયુક્ત રાષ્ટ્રસંઘ: ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં ઇઝરાયલ – ‘હમાસ’ (હરકત અલ-મુકાવામા અલ-ઇસ્લામિયા)ની લડાઇને લગતા ઠરાવ પર મત નહોતો આપ્યો અને જણાવ્યું હતું કે ત્રાસવાદ ‘કેન્સરની ગાંઠ’ જેવો છે તેમ જ તેને કોઇ સીમાડા, રાષ્ટ્રીયતા કે જાતિ નથી હોતી અને તેને સંયુક્ત રીતે ડામી દેવો જોઇએ.

‘ઇઝરાયલ – હમાસ વચ્ચેની લડાઇમાં તાત્કાલિક યુદ્ધવિરામની, ગાઝા પટ્ટીના વિસ્તારમાં માનવતાના ધોરણે વિના વિઘ્ન મદદ પહોંચાડવાની અને નાગરિકોની સુરક્ષાની’ જોગવાઇ ધરાવતા જોર્ડન દ્વારા તૈયાર કરાયેલા ઠરાવ પર ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં શુક્રવારે મત નહોતો આપ્યો. આમ છતાં, દુનિયાના ૧૯૩ દેશનું સભ્યપદ ધરાવતી સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ આ ઠરાવ પસાર કર્યો હતો અને યુદ્ધવિરામની
તેમ જ માનવતાના ધોરણે જીવનાવશ્યક ચીજોની સહાય કરવાની માગણી કરાઇ હતી.

ઠરાવ પર થયેલા મતદાનમાં ૧૨૧ દેશે તરફેણમાં અને ૪૪ દેશે વિરોધમાં મત આપ્યા હતા, જ્યારે ૧૪ દેશે મત નહોતો આપ્યો.

સંયુક્ત રાષ્ટ્રસંઘમાંના ભારતીય રાજદૂતનાં કાયમી નાયબ (ડેપ્યુટી) પ્રતિનિધિ યોજના પટેલે ભારત દ્વારા ઠરાવ પર મતદાન નહિ કરવાના લેવાયેલા નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા જણાવાયું હતું કે વિવાદ અને મતભેદ મંત્રણા દ્વારા ઉકેલવા પ્રયાસ કરવો જોઇએ. ઇઝરાયલ પર સાતમી ઑક્ટોબરે કરાયેલા હુમલાને ભારતે વખોડી કાઢ્યો હતો. ત્રાસવાદને કોઇપણ સ્વરૂપમાં ચાલવા ન દેવાય.

ત્રાસવાદી હુમલામાં સામાન્ય નાગરિકોના મૃત્યુ ચિંતાજનક બાબત ગણાય.

ભારતના પ્રતિનિધિએ સ્પષ્ટતામાં ‘હમાસ’નો ઉલ્લેખ નહોતો કર્યો.

અગાઉ, ઇરાને પણ આ ઠરાવ પર મતદાન નહોતું કર્યું, પરંતુ બાદમાં ‘ટૅક્નિકલ’ કારણસર આવું થયું હોવાનું જણાવીને ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું.

ઇઝરાયલ અને અમેરિકા જેવા કેટલાક દેશે ઠરાવની વિરુદ્ધમાં મત આપ્યો હતો, જ્યારે ચીન, ફ્રાંસ, રશિયાએ તરફેણમાં મતદાન કર્યું હતું. કેનેડા, જર્મની, જાપાન, યુક્રેન અને યુકે જેવા અમુક દેશે પોતાનો મત નહોતો આપ્યો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button