નેશનલ

કઝાકિસ્તાનમાં કોલસાની ખાણમાં આગ લાગતા ૨૧ કામદારનાં મોત

દુર્ઘટના સમયે ખાણમાં અંદાજે ૨૫૨ લોકો કામ કરતા હતા

લંડન: મધ્ય કઝાકિસ્તાનમાં કોલસાની ખાણમાં આગ લાગવાથી ૨૧ કામદારોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં, તેમ ઓપરેટિંગ કંપની આર્સેલર મિત્તલ ટેમિર્ટાઉએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આગ લાગી ત્યારે કોસ્ટેન્કો કોલસાની ખાણમાં લગભગ ૨૫૨ લોકો કામ કરી રહ્યા હતા. કંપનીના જણાવ્યા મુજબ મિથેન ગેસના લીધે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આર્સેલર મિત્તલ ટેમિર્ટાઉ લક્ઝમબર્ગસ્થિત બહુરાષ્ટ્રીય કંપની આર્સેલર મિત્તલનો એક ભાગ છે. જે વિશ્ર્વની બીજા ક્રમની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે. તે કારાગાંડા પ્રદેશમાં આઠ કોલસાની ખાણો અને મધ્ય અને ઉત્તરી કઝાકિસ્તાનમાં વધુ ચાર કાચા લોખંડની ખાણોનું સંચાલન કરે છે.

નિવદેનમાં કંપનીએ મૃતકો માટે શોક વ્યકત કરી કહ્યું કે હવે પીડિત કર્મચારીઓની વિશેષ સંભાળ અને પુનર્વસન તેમજ સરકારી સત્તધીશોનો ગાઢ સહકાર મળે તે સુનિશ્ર્ચિત કરવાનો તેમનો પ્રયાસ રહેશે. આ અગાઉ આર્સેલર મિત્તલ ટેર્મિટાઉ દ્વારા સંચાલિત ખાણમાં ઓગષ્ટમાં આગ ફાટી નીકળ્યા પછી ચાર ખાણિયા મૃત્યુ પામ્યાં હતાં.

જ્યારે નવેમ્બર-૨૦૨૨માં અન્ય એક સાઇટ પર મિથેન લીક થવાથી પાંચ લોકોનાં મોત થયાં હતાં. કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયવેએ શનિવારે જણાવ્યું હતું કે, તેમનો દેશ આર્સેલર મિત્તલ ટેર્મિટાઉ સાથે રોકાણ સહકાર બંધ કરી રહ્યો છે. કઝાકિસ્તાનના પ્રોસીક્યુટર જનરલના કાર્યાલયે પણ કોલસાની ખાણમાં સંભંવિત સુરક્ષા ઉલ્લંઘનોની તપાસની જાહેરાત
કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button