
મુંબઈ : ભારતીય શેરબજારની આજે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ફ્લેટ શરૂઆત થઇ હતી. સેન્સેક્સ 73 પોઈન્ટના વધારા સાથે 81869 પર ખુલ્યો. જ્યારે નિફ્ટીએ 31 પોઈન્ટના વધારા સાથે 24977 ના સ્તરે શરૂઆત કરી હતી. જોકે, તેની તરત બાદ સેન્સેક્સ 270 પોઈન્ટના ઘટાડા સાથે 81526 પર પહોંચી ગયો. જ્યારે નિફ્ટી 88.35 પોઈન્ટના ઘટાડા સાથે 24858.15 ના સ્તરે આવી ગયો. જેમાં સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેંક, સન ફાર્મા, ટાઇટન, અલ્ટ્રા ટેક અને બજાજ ફાઇનાન્સના શેરોમાં ઘટાડો જોવા મળ્યો.
એશિયન બજારોમાં મિશ્ર વલણ
મંગળવારે બેંક ઓફ જાપાનના નીતિગત નિર્ણય પહેલા એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી 225 0.21 ટકા વધ્યો જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ સ્થિર રહ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.29 ટકા વધ્યો છે. જ્યારે કોસ્ડેક 0.17 ટકા ઘટ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ મજબૂત શરૂઆતનો સંકેત આપે છે.
સોમવારે યુએસ શેરબજાર ઊંચા સ્તરે બંધ થયા
ઇઝરાયલ-ઇરાન યુદ્ધમાં તણાવ ઓછો થવાના સંકેતો વચ્ચે સોમવારે યુએસ શેરબજાર ઊંચા સ્તરે બંધ થયા હતા. જ્યારે ઇરાને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધવિરામ માટે દબાણ કરવાની અપીલ કરી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 317.30 પોઇન્ટ વધીને 42,515.09 પર બંધ થયો. જ્યારે S&P 500 56.14 પોઇન્ટ વધીને 6,033.11 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 294.39 પોઇન્ટ વધીને 19,701.21 પર બંધ થયો.