સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ: અમરેલીમાં ST બસ પાણીમાં ફસાઈ, ભાવનગર જળબંબાકાર

રાજકોટ: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદે ખાસ કરીને કહેર વર્તાવ્યો છે.
લીલીયામાં ST બસ પાણીમાં ફસાઈ
અમરેલીના લીલીયા તાલુકામાં વરસાદી પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે મોટા લીલીયાના ભોરિંગડા ગામે એક ST બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ગામ પાસે બની રહેલા કોઝવે પરથી પસાર થતી વખતે બસ અચાનક પાણીના પ્રવાહમાં સપડાઈ હતી. જોકે, સદનસીબે, પાણીનો પ્રવાહ વધે તે પહેલા જ ડ્રાઈવર, કંડક્ટર સહિત તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ બસ અમરેલીથી ગારીયાધાર તરફ જઈ રહી હોવાનું અનુમાન છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: ભાવનગરમાં આભ ફાટ્યું, જેસરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર!
અમરેલી અને ભાવનગરમાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લાના ધારી શહેર અને તેના આસપાસના વિસ્તારો જેવા કે ઝર, મોરજર, ખીચા, વીરપુર, દૂધાળા, પાતળા, તેમજ બગસરાના મોટા મુંજિયાસર, નાના મુંજિયાસર, માણેકવાડા, હળીયાદ, શાપર, સુડાવડ અને ખાંભાના ડાઢીયાળી, દિવાના સરાકડીયા, કોદીયા, નાના કણકોટ, નાના રાજકોટમાં ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, સાવરકુંડલાના ઘોબા, પીપરડી, ફિફાદ, નાના ભમોદ્રા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝવેની રેલિંગ ધોવાઈ ગઈ
જો કે આજે પડેલા વરસાદમાં ભાવનગર જિલ્લો સૌથી વધુ પ્રભાવીત થયો છે. ભારે વરસાદને કારણે બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝવેની રેલિંગ ધોવાઈ ગઈ છે. પાલીતાણા, મહુવા અને વલ્લભીપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદીઓ બે કાંઠે વહેતી થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ પણ વાંચો: દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે આપ્યું વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના…
રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોંધાયો
આજે સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 78થી વધુ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં નોંધાયો છે, જ્યાં પાલીતાણામાં 7.28 ઇંચ, મહુવામાં 6.93 ઇંચ, તળાજામાં 3.31 ઇંચ અને ગારીયાધારમાં 3.03 ઇંચ વરસાદ વરસ્યો છે. આ વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનજીવનમાં ખુશીની લહેર પ્રસરી છે, જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે થોડી હાલાકી પણ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.