થાણે પાલિકાનું કચરો પ્રક્રિયા કેન્દ્ર ૧૪ વર્ષ પછી કાર્યાન્વિત
કચરામાંથી બાયો ગૅસ અને વીજળીનું ઉત્પાદન કરાશે
થાણે: મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્રામજનોને આપેલા વચન મુજબ, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને આખરે ગુરુવારથી ભંડાર્લી ગાર્બેજ પ્લાન્ટ બંધ કરી દીધો છે અને આ પ્રોજેક્ટમાંથી આવતો કચરો હવે સંપૂર્ણ ક્ષમતાએ દાઈઘર ગાર્બેજ પ્લાન્ટમાં મોકલવાનું શરૂ કર્યું છે. અહીં કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરીને ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે. આગામી કેટલાક મહિનામાં અહીં કચરામાંથી બાયો ગૅસ અને વીજળીનું ઉત્પાદન શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટના કારણે ૧૪ વર્ષ પછી, થાણે નગરપાલિકાનું કચરો પ્રક્રિયા કેન્દ્ર કાર્યવંત થયું છે.
થાણે મ્યુનિસિપલ વિસ્તારમાં દરરોજ લગભગ એક હજાર મેટ્રિક ટન કચરો પેદા થાય છે. તેમાં ૬૦ ટકા ભીનો કચરો અને ૪૦ ટકા સૂકો કચરો હોય છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પોતાનો ડમ્પિંગ ગ્રાઉન્ડ ન હોવાને કારણે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દિવા વિસ્તારમાં કચરો ફેંકી રહી હતી. અહીં કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થતો ન હતો, ઉપરાંંત આગને કારણે વિસ્તારમાં કચરા અને ધુમાડાની દુર્ગંધ ફેલાતી હોવાથી અહીંના નાગરિકોએ ગાર્બેજ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. આ પછી, નગરપાલિકાએ દિવા વેસ્ટ ગ્રાઉન્ડને બંધ કરી, મ્યુનિસિપલ વિસ્તારની બહાર એટલે કે ભંડારલી ખાતે કામચલાઉ કચરો પ્રોજેક્ટ સ્થાપ્યો હતો. આ પ્રોજેકટને એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં દોઢ વર્ષ પછી પણ તે ચાલુ જ હતો.
આ પ્રોજેકટના કારણે ખેતીને નુકસાન થવાની સાથે શહેરીજનોના આરોગ્યનો પણ પ્રશ્ર્ન થયો હતો. જેના કારણે શહેરીજનોએ આ પ્રોજેકટ બંધ કરવાની માગ કરી હતી. જેના પગલે ભંડાર્લી ગાર્બેજ પ્લાન્ટ પણ બંધ કરી દેવાયો અને આ પ્રોજેક્ટમાંથી આવતો કચરો સંપૂર્ણ ક્ષમતા એ દાઇઘર ગાર્બેજ પ્લાન્ટમાં મોકલવાનું શરૂ કરાયું છે.
છેલ્લા ૧૪ વર્ષથી નગરપાલિકા ડાઇઘર ખાતે ગાર્બેજ પ્રોજેક્ટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સ્થાનિક વિરોધ અને કેટલાક ટેકનિકલ કારણોસર પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો નથી. બાદમાં સાંસદ સંજીવ નાઈકે દાઈઘર વિસ્તારના સ્થાનિકો સાથે કમિશનર અભિજિત બાંગરને મળ્યા અને તેમની સાથે ચર્ચા કરી. આ પછી, ૧૫ ટન કચરાને વૈજ્ઞાનિક રીતે ટ્રીટ કરીને પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તબક્કાવાર આ સ્થળે કચરો લાવી સંપૂર્ણ ક્ષમતા સાથે પ્રોસેસ કરવામાં આવ્યો હતો.