સ્પોર્ટસ

શાર્દુલ ઠાકુરની બુમરાહ, સિરાજ, ક્રિષ્ના, અર્શદીપની બોલિંગમાં ફટકાબાજી…

પાલઘરના ઑલરાઉન્ડરે બોલિંગમાં રાહુલ, ગિલ અને નાયરને પરેશાન કર્યા

બેકનહૅમ: શુક્રવાર, 20મી જૂને ઇંગ્લૅન્ડ સામે પહેલી ટેસ્ટ શરૂ થાય એ પહેલાં ભારતીય ટીમ અહીં ઇન્ડિયા ‘ એ’ સામે જે પ્રેક્ટિસ મૅચ (practice match) રમી એમાં શાર્દુલ ઠાકુર (SHARDUL THAKUR) સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેણે આ મૅચમાં અસરદાર બોલિંગ કર્યા બાદ અણનમ સેન્ચુરી (century) ફટકારી હતી જેને પગલે હવે પ્રથમ ટેસ્ટમાં પેસ બોલિંગ ઑલરાઉન્ડર તરીકે નીતીશકુમાર રેડ્ડીને પ્લેઈંગ-ઇલેવનમાં સમાવવો કે શાર્દુલને એ વિશે ટીમ મૅનેજમેન્ટ મૂંઝવણમાં મુકાઈ ગયું છે.

શાર્દુલ આ મૅચમાં ઇન્ડિયા ‘ એ’ ટીમમાં હતો અને તેણે ટીમ ઇન્ડિયાના પેસ બોલર્સ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અર્શદીપ સિંહની બોલિંગમાં જોરદાર ફટકાબાજી કરી હતી. શાર્દુલે ત્રીજા નંબરે બૅટિંગ કરીને ફક્ત 68 બૉલમાં 122 રન કર્યા હતા અને ટેસ્ટ ટીમનો કોઈપણ બોલર તેને આઉટ નહોતો કરી શક્યો.

એ પહેલાં, ટીમ ઇન્ડિયાની બૅટિંગ હતી ત્યારે શાર્દુલે ચાર વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. તેણે ટેસ્ટ ટીમના મુખ્ય બૅટ્સમેનો કે. એલ. રાહુલ, કેપ્ટન શુભમન ગિલ અને કરુણ નાયરને પરેશાન કરી મૂક્યા હતા. જોકે ગિલ અને રાહુલે હાફ સેન્ચુરી ફટકારી હતી.

ચાર દિવસની આ મૅચ વહેલી સમેટી લેવામાં આવી હતી. રવિવારના ત્રીજા દિવસે શાર્દુલની સેન્ચુરીની પહેલાં ઇન્ડિયા ‘ એ’ ટીમના સરફરાઝ ખાને પણ સદી ફટકારી હતી. તેણે 76 બૉલમાં બે સિક્સર અને 15 ફોરની મદદથી 101 રન કર્યા હતા અને રિટાયર આઉટ થઈ ગયો હતો.

શાર્દુલ ઠાકુર 33 વર્ષનો છે અને મુંબઈ નજીક પાલઘરમાં રહે છે. તે ભારત વતી મર્યાદિત ઓવર્સની કુલ 72 મૅચ ઉપરાંત 11 ટેસ્ટ રમ્યો છે, પરંતુ દોઢ વર્ષથી તેને ટેસ્ટ ટીમમાં સ્થાન નથી મળ્યું.

આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસમાં શાર્દુલને અવગણવામાં આવ્યો હતો અને તેના સ્થાને નીતિશકુમાર રેડ્ડીને ટીમમાં સમાવવામાં આવ્યો હતો જેને પાંચેય ટેસ્ટ રમવા મળી હતી. રેડ્ડીએ ત્યારે મેલબર્ન ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી હતી, પણ તેની પેસ બોલિંગ જોઈએ એવી અસરદાર નહોતી. ભારત એ સિરીઝ 1-3થી હારી ગયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button