
નવી દિલ્હી : દેશના મોટા ભાગના રાજ્યોના ચોમાસાની શરૂઆત થઇ છે. જેમાં હવામાન વિભાગે આજે ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. જ્યારે છત્તીસગઢ અને ઓડિશામાં હળવા વરસાદ સાથે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા છે. જ્યારે આગામી એક અઠવાડિયા સુધી ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. જેના લીધે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કેરળના પાંચ જિલ્લાઓ માટે રેડ એલર્ટ
કેરળના મોટાભાગના જિલ્લાઓમાં રવિવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 18 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે. સોમવારે પાંચ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે છ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
કેરળમાં શાળાઓ બંધ રાખવા આદેશ
આ ઉપરાંત ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને, કેરળના ત્રિશૂર, પલક્કડ, કન્નુર, વાયનાડ, મલપ્પુરમ, કોટ્ટાયમ, કોઝિકોડ, ઇડુક્કી, એર્નાકુલમ, પઠાણમથિટ્ટા અને કાસરગોડના જિલ્લા કલેક્ટરોએ સોમવારે જિલ્લાઓની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. આ જિલ્લાઓ ઉપરાંત, રાજધાની તિરુવનંતપુરમ, કોલ્લમ અને અલાપ્પુઝા માટે યલો એલર્ટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

માછીમારોને 18 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ અને માહીના દરિયાકાંઠાના વિસ્તારોમાં 3.1 મીટરથી 3.4 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. માછીમારોને 18 જૂન સુધી આ દરિયાઈ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હીમાં હળવો વરસાદ પડવાની શક્યતા
હવામાન વિભાગે ઉત્તરપશ્ચિમ, દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 40 થી 50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિની આગાહી કરી છે. રવિવારે સવારે દિલ્હીમાં વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી.