ઉત્સવ

પોતાના ગાંઠના ખર્ચે જર્મની જઈને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી આવ્યા હતા કે જેથી એમના પોતાના પ્રત્યે કોઈ આંગળી ચીંધે નહીં

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

રઘુનાથરાવ ધોન્ડ કર્વે

(૬૬)
ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને મરણોત્તર ‘ભારતરત્ન’ પદવીથી નવાજ્યા છે. એમાં કેન્દ્ર સરકારની રાજકીય વ્યૂહનીતિની ગંધ આવે છે. આજથી ૭૧ વરસો પહેલાં ઈ. સ. ૧૯૨૧માં શ્રી રઘુનાથરાવ ધોન્ડ કર્વેએ ‘સંતતિ નિયમન – કુટુંબ નિયોજન’ની પહેલ કરી હતી ત્યારે સરકાર અને સમાજે તેનો પ્રચંડ વિરોધ કર્યો હતો અને જીવનભર એમને સંઘર્ષ કરવો પડ્યો હતો. એમની જિંદગી વ્યથામય બની ગઈ હતી. આજે આપણે પરિવારનાં આબાલવૃદ્ધ સભ્યો સમક્ષ ટેલિવિઝન ઉપર કુટુંબ નિયોજનની વિવિધ અને આકર્ષક જાહેરાત નિ:સંકોચ સાંભળી-નિહાળી શકીએ છીએ; ત્યારે ભારતમાં સર્વપ્રથમ ૭૧ વર્ષ પર કુટુંબ નિયોજનની પહેલ કરનાર પ્રોફેસર રઘુનાથરાવ ધોન્ડુ કેશવ કર્વેને ‘ભારત રત્ન’ બનાવવા જોઈએ. એવું નહિ કરવામાં આપણે આપણું કર્તવ્ય ભૂલી ગયા છે એવું વર્તાઈ રહ્યું છે.

આજથી ૭૦-૭૫ વર્ષ પહેલાંનો સમય એવો હતો કે ‘બર્થ-ક્ધટ્રોલ’ વિશેના પ્રચારનો જબ્બર વિરોધ બ્રિટન જેવા આગળ વધેલા દેશમાં બ્રિટિશ મેડિકલ જનરલ ‘ધી લાન્સેટ’માં ઉઠાવવામાં આવ્યો હતો. એવા સમયે ભારતમાં ‘બર્થ-ક્ધટ્રોલ’નો પ્રચાર કરવો એટલે બંડ, તે છતાં વ્યાપક વિરોધની પરવા કર્યા વિના સ્ત્રી-શિક્ષણના હિમાયતી અને સમાજસુધારક ધોન્ડુ કેશવ કર્વેના આ વડા પુત્ર રઘુનાથે કુટુંબ નિયોજનનો પ્રયોગ પ્રથમ પોતાની ઉપર કર્યો. પોતાના ગાંઠના ખર્ચે જર્મની જઈને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી આવ્યા હતા કે જેથી એમના પોતાના પ્રત્યે કોઈ આંગળી ચીંધે નહિ.

શ્રી રઘુનાથ કર્વે મુંબઈની વિલ્સન કોલેજમાં ગણિતના પ્રોફેસર હતા. વિલ્સન કોલેજ ખ્રિસ્તી મિશનરીઓ તરફથી ચલાવવામાં આવતી હતી અને તેમણે રઘુનાથને સંભળાવી દીધું કે કુટુંબ નિયોજનનું આંદોલન પડતું મૂકો; નહિ તો નોકરીથી હાથ ધોવા પડશે. રઘુનાથ અણનમ રહ્યા અને વિલ્સન કોલેજની ખાસ્સી એવી નોકરી ગુમાવવી પડી. તે રઘુનાથનું સમર્થન કરવા કોઈ આગળ આવ્યું નહિ.
એ સમયે અગ્રગણ્ય સેક્સોલોજીસ્ટ ડૉક્ટર મેરી સ્ટોપ્સે ઇંગ્લેન્ડમાં પોતાનું પ્રથમ ક્લિનિક સેક્સ સંબંધ સમસ્યા વિશે સલાહ આપવા શરૂ કર્યું હતું; પરંતુ મુંબઈના અગ્રગણ્ય અંગ્રેજી અખબાર ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’એ રઘુનાથની કુટુંબ નિયોજન વિશેના પેમ્ફલેટની જાહેરાત સ્વીકારવાનો પણ સાફ ઈન્કાર કરી દીધો હતો. રઘુનાથે એ પેમ્ફલેટનું શીર્ષક રાખ્યું હતું ‘મોરાલિટી એન્ડ બર્થ ક્ધટ્રોલ’ (સદાચાર અને કુટુંબ નિયોજન). રઘુનાથરાવે આ પેમ્ફલેટ અંગ્રેજી ભાષામાં પ્રગટ કર્યું હતું અને એનો અનુવાદ ગુજરાતી, મરાઠી, હિન્દી વગેરે પ્રાદેશિક ભાષાઓમાં પ્રગટ થયો હતો.
રઘુનાથરાવ માત્ર પેમ્ફલેટ પ્રગટ કરીને બેસી રહ્યા નહોતા. તેમણે મુંબઈમાં નોકરીએ જનારા વર્ગના ભીડભર્યા પરિસરમાં ૧૯૨૨માં બર્થ ક્ધટ્રોલ ક્લિનિક શરૂ કર્યું હતું. આ ક્લિનિકમાં અત્યંત વાજબી ભાવે ક્ધટ્રોલનાં સાધનો પૂરાં પાડવામાં આવતાં હતાં. જે કોઈ વ્યક્તિ કુટુંબ નિયોજન વિશે જે કંઈ જાણવાની ઈચ્છા ધરાવતી તો તેમને ક્લિનિકમાં સંકોચ વિના વિસ્તૃત માહિતી આપવામાં આવતી હતી.

રૂઢિવાદીઓ રઘુનાથરાવ જાણે અછૂત હોય તેવું વર્તન તેમની સાથે કરતા હતા. સરકાર તથા સમાજના વિરોધ અને આપત્તિનાં વંટોળિયા વચ્ચે ડગ્યા વિના રઘુનાથરાવ નિષ્ઠાથી કાર્ય કરતા રહ્યા. ઈ. સ. ૧૯૨૭ના જુલાઈમાં તેમણે ‘સમાજ સ્વાસ્થ્ય’ નામનું મરાઠી સામયિક શરૂ કર્યું. એમાં બર્થ-ક્ધટ્રોલ, સેક્સ, વેશ્યાવૃત્તિ, ગુપ્ત રોગો, ગર્ભપાત વગેરે વિષયો સંબંધી અભ્યાસપૂર્ણ લેખો રજૂ કરવા લાગ્યા. એમણે પોતાના સમકાલીન બુદ્ધિવાદીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી સેક્સ સંબંધી ચર્ચા કરવા અનુરોધ કર્યો, પણ કોઈએ ઝાઝો રસ ધરાવ્યો નહિ.

મુંબઈની ગોરી સરકારે બર્થ ક્ધટ્રોલ સંબંધી ચર્ચાને અશ્ર્લીલ અને સમાજને હાનિકારક લેખાવી રઘુનાથ સામે ત્રણ કેસો કર્યા. બે કેસોમાં એમને દંડ કરવામાં આવ્યો અને એક કેસમાં એમને નિર્દોષ ઠરાવવામાં આવ્યા હતા.

શ્રી રઘુનાથરાવ કર્વે તરફથી સમાજમાં સ્ત્રી-પુરુષ વચ્ચે મુક્ત જાતિ વ્યવહાર એટલે કે ‘ફ્રી સેક્સ’ની હિમાયત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે સ્ત્રી-પુરુષે એકબીજાની સંમતિથી કરેલો જાતિય સહવાસ (સેક્સ સંબંધ) એ અનીતિ નથી; પણ એક અનિવાર્ય આવશ્યકતા છે. એમણે એવી પણ સ્પષ્ટતા વ્યક્ત કરી હતી કે સ્ત્રીઓને પોતાની કુદરતી ઈચ્છાઓ સંતોષવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પુરુષસત્તાના કારણે સ્ત્રીઓ ઉપર વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. પુરુષ પત્નીને પતિવ્રતા ઈચ્છે; પણ પોતે કેટલા પ્રમાણમાં એકપત્નીવ્રત પાળે છે, તે ઉપર કોઈ પ્રતિબંધ નથી. સ્ત્રીને પુરુષ પોતાની અંગત સંપત્તિ માનીને વર્તે છે. લગ્ન એક ફાંસો કે જેલ માત્ર છે. આ વિચારોથી રૂઢિવાદીઓ ભડકી ઊઠયા અને રઘુનાથરાવના મેગેઝિન ‘સમાજ સ્વાસ્થ્ય’ને અર્ધ અશ્ર્લીલ તરીકે ઓળખાવવા લાગ્યા. ત્યારે એમણે એટલું જ કહ્યું કે એ લોકો મુક્તતા અને સ્વૈરાચાર વચ્ચેનો ફરક સમજતા નથી.

શ્રી રઘુનાથરાવને મદદ કરવા એક મહિલા આગળ આવી અને તે શકુન્તલા પરાંજપે એમણે બર્થ ક્ધટ્રોલનાં સાધનો અને તેના વેચાણ માટે વ્યાપક પ્રચાર કર્યો.

મહાત્મા ગાંધીજીએ બર્થ ક્ધટ્રોલ માટે કૃત્રિમ સાધનો અપનાવવાનો ઉગ્ર વિરોધ કર્યો અને સંયમ તથા બ્રહ્મચર્યની હિમાયત કરી. ગાંધીજી પોતે તો બ્રહ્મચારી નહોતા; પણ શ્રી જયપ્રકાશ નારાયણને પરાણે બ્રહ્મચારી બનાવી દીધા હતા. શ્રી જયપ્રકાશ નારાયણનાં પત્ની પ્રભાવતીદેવી પાસે ગાંધીજીએ જીવનભર બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લેવડાવ્યું હતું. પ્રભાવતીએ આ વાત જયપ્રકાશને કરી હતી અને જયપ્રકાશે એ વાત માન્ય રાખી હતી. પણ; ગાંધીજીના એ વિરોધ સામે એક મહિલા નીકળી. સ્વતંત્ર ભારતના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન રાજકુમારી અમૃત કૌરે બર્થ ક્ધટ્રોલની ઉઘાડી હિમાયત કરી અને સરકારી સમર્થન આપ્યું. કુટુંબ નિયોજનને માન્ય કરતાં સરકારને થોડો સમય લાગ્યો અને ઈ. સ. ૧૯૫૩માં કુટુંબ નિયોજનનો વિધિસર સ્વીકાર કરવામાં આવ્યો. કુટુંબ નિયોજનને રાષ્ટ્રીય નીતિ માનવામાં આવી.

શ્રી રઘુનાથરાવ કર્વે વિવિધ આપત્તિઓ સામે એકલા હાથે જિંદગીભર ઝઝૂમતા રહ્યા અને ૧૯૫૩ના ઑક્ટોબરની ૧૪મી તારીખે એમનું અવસાન થયું. શ્રી રઘુનાથરાવને તો સરકારે કોઈ એવૉર્ડથી નવાજ્યા નહિ; પણ મોડે મોડે શકુન્તલા પરાંજપેને રાજ્યસભાના સભ્ય બનાવી પોતાની ભૂલનું પ્રાયશ્ર્ચિત કરવાનો પ્રયાસ કર્યો.

શ્રી જી. જી. આગરકરે ઈ.સ. ૧૮૮૨માં ‘કેસરી’ વર્તમાનપત્રમાં ‘સ્ત્રીદાસ્ય વિમોચન’ શીર્ષક ધરાવતા લેખમાં જણાવ્યું હતું કે ‘અમે માનીએ છીએ કે થોડાક સમય પછી એવાં કેટલાંક સાધનો શોધી કાઢવામાં આવશે કે જેથી સ્ત્રી-પુરુષ સમાગમથી સંતાન થશે નહિ અને એ રીતે વધુ પડતાં સંતાનોથી મુક્તિ મળશે. સ્ત્રીએ યુવાની દરમિયાન વધુમાં વધુ બે કે ત્રણ જ સંતાનોનો જન્મ આપવો જોઈએ, એથી અધિક નહિ.’

જો કે શ્રી આગરકરે બર્થ ક્ધટ્રોલ શબ્દ વાપર્યો નહોતો, કે મરાઠી શબ્દ ‘સંતતિ નિયમન’ પણ વાપર્યો નહોતો.

મુંબઈ અને મહારાષ્ટ્રીય સમાજમાં સમાજસુધારક મનાતા ન્યાયમૂર્તિ શ્રી મહાદેવ ગોવિંદ રાનડેએ ૧૮૮૯માં મુંબઈ ખાતે ભરાયેલા કૉંગ્રેસ અધિવેશનમાં પોતાની પત્નીને હાજર રહેવાની પરવાનગી આપી નહોતી. શ્રી રાનડે પુરુષોના પ્રભુત્વવાળા કૉંગ્રેસ પક્ષની પ્રવૃત્તિમાં સ્ત્રીઓ સહભાગી બને તે પસંદ કરતા નહોતા.

શ્રી રાનડેના મિત્ર શ્રી ગોવિંદ વાસુદેવ કાનિટકરે પોતાનાં પત્ની કાશીબાઈને કૉંગ્રેસ અધિવેશનમાં સ્ત્રી પ્રતિનિધિમંડળમાં મોકલ્યાં હતાં. પંડિતા રમાબાઈના નેતૃત્વ હેઠળ દસ સ્ત્રીઓના પ્રતિનિધિમંડળે કૉંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો હતો.

આવા રૂઢિવાદી સમાજમાં શ્રી રઘુનાથરાવ કર્વેને કેટલું સહન કરવું પડ્યું હશે તેની કલ્પનાયે આજે કુટુંબ નિયોજનની અને નિરોધની સચિત્ર જાહેરાતના જમાનામાં આપણને આવી શકે એમ નથી. (ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત