અનુષ્કાની પ્રેગ્નન્સીના મામલે કોહલી સાથે થયેલા ખટરાગ વિશે ખુદ ડિવિલિયર્સે કર્યો આ ખુલાસો…

નવી દિલ્હીઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના બે દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી (VIRAT KOHLI) અને એબી ડિવિલિયર્સ વચ્ચે થયેલા ખટરાગનો મામલો એક વર્ષ જૂનો છે, પરંતુ બન્ને વચ્ચે હવે ફરી પાક્કી દોસ્તી છે અને એ બાબતમાં તાજેતરમાં ખુદ ડિવિલિયિર્સે (DEVILLIERS) ખુલાસો કર્યો હતો.
ત્રીજી જૂને અમદાવાદમાં આઇપીએલની ફાઇનલ રમાઈ અને એ વિજય બાદ ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવા લાખ પ્રેક્ષકોની હાજરીમાં મેદાન પર આરસીબીના ખેલાડીઓ જશન મનાવી રહ્યા હતા ત્યારે કોહલીએ એ ચૅમ્પિયનપદમાં કોઈને કોઈ રીતે મિત્ર ડિવિલિયર્સનું પણ યોગદાન હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આપણ વાંચો: ડિવિલિયર્સે કોહલીના મુદ્દે યુ-ટર્ન લઈને કહ્યું, ‘મેં બહુ મોટી ભૂલ કરી’
ડિવિલિયર્સે પણ ત્યારે કોહલીની ભરપૂર પ્રશંસા કરી હતી. બીજા દિવસે બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક ધક્કામુક્કીની જીવલેણ ઘટના બની એને પગલે આરસીબીના જશનને તત્કાળ બ્રેક લાગી ગઈ, પરંતુ કોહલી સાથેના જૂના ખટરાગની વાત એક જાણીતી વેબસાઇટના રિપોર્ટર સાથે નીકળતાં સાઉથ આફ્રિકાના ક્રિકેટ-લેજન્ડ ડિવિલિયર્સે સ્પષ્ટતા કરી હતી.
ગયા વર્ષે અનુષ્કા શર્મા ગર્ભવતી હતી ત્યારે ડિવિલિયર્સે સોશિયલ મીડિયામાં વિરાટ-અનુષ્કાના પૅરેન્ટિંગ વિશેનું સીક્રેટ ખોલી નાખ્યું હતું. અનુષ્કા ગર્ભવતી હોવા વિશે કોહલીએ જાહેરમાં ક્યારેય નહોતું કહ્યું અને વાત છુપાવી હતી, પરંતુ ડિવિલિયર્સે એક મીડિયા પ્લૅટફૉર્મ પર એ વાત ખુલ્લી પાડી દીધી હતી જે કોહલીને નહોતું ગમ્યું.
આપણ વાંચો: રોહિત લખનઊનો નહીં, પણ આ ટીમનો બનશે કૅપ્ટન? ડિવિલિયર્સે કહી દીધી ‘અંદર કી બાત’
ડિવિલિયર્સે એ ઘટના વિશે કહ્યું, ` કોહલીએ ઘણા મહિનાઓ સુધી મને ઇગ્નોર કર્યો હતો. મારી કોઈ વાતનો તે જવાબ નહોતો આપતો. જોકે હવે મને એ વાતનો બેહદ આનંદ છે કે મારી અને કોહલી વચ્ચે ફરી અગાઉની જેમ વાતચીત થઈ શકે છે.’
વિરાટ-અનુષ્કા ચાહકોમાં વિરુસ્કા તરીકે ઓળખાય છે. તેમને ચાર વર્ષની પુત્રી છે જેનું નામ વામિકા છે અને 2024માં અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ અકાય છે. વિરાટ-અનુષ્કા ક્યારેય પરિવાર વિશેની અંગત વાતો જાહેરમાં શૅર નથી કરતા અને કોઈ કરે તો એ તેમને ગમતું નથી. તેમણે હજી સુધી દીકરી અને દીકરાના એક પણ ફોટો પણ જાહેરમાં શૅર નથી કર્યા.