ગુજરાતમાં આજે ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ: હાલ રાજ્યનાં અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યનાં હવામાન વિભાગે આવતીકાલે સમગ્ર રાજ્યના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 6 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે.
આવતીકાલે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડી શકે છે. 17 જુનના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આવતીકાલે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ તેમજ આણંદ, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે એલો એલર્ટ આપવાંઆ આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી તેમજ કચ્છમાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગઇકાલે 69 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
રાજ્યના હવામાન વિભાગ રાજ્યના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. 16 જૂનના રોજ રાજ્યના 69 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 3.39 ઇંચ નોંધાયો હતો. ડાંગના આહવામાં 2.68 ઇંચ, અમરેલીના ખાંભા અને વલસાડના ઉમરગામમાં 2.56 ઇંચ અને પાલનપુરમાં 2.17 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
19 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, રાજ્યનાં 19 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સુબીરમાં 1.73 ઇંચ, કામરેજમાં 1.65 ઇંચ, વલભીપુર અને માંગરોળ (સુરત)માં 1.42 ઇંચ, મેંદરડા, સિહોર અને વઘઇમાં 1.38 ઇંચ, કેશોદ અને વંથલીમાં 1.26 ઇંચ, વિસાવદર અને કપરાડામાં 1.18 ઇંચ, હાંસોટમાં 1.14 ઇંચ અને જુનાગઢ શહેર અને તાલુકાના 1.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો - સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ: ઉમરપાડામાં 3.39 ઇંચ, 19 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ
15 તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ
ગઇકાલે રાજ્યનાં 15 તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના ભરૂચ, માંડવી, સુરત, ખેરગામ, ડોલવણ તેમજ સૌરાષ્ટ્રના કોડીનાર, સાવર કુંડલા, રાજુલા, ઘોઘા અને માણાવદર તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વિરામ બાદ ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી.