ડબલ મની, ઝટપટ મનીના ખેલને મળ્યો ટેક સપોર્ટ સોશિયલ મીડિયા માર્ગે રોકાણકારોના શિક્ષણના નામે ભક્ષણ
જો તમે સોશ્યલ મીડિયા મારફત અપાતી સ્ટોકસની સલાહ, લે-વેચની સલાહ કે વિવિધ રીતે રોકાણ કરવાની એડવાઈઝથી અંજાઇ જતા હો તો ચેતી જજો. શા માટે? આ રહ્યાં કારણો..
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
છેલ્લા અમુક સમયથી સમાજમાં મોટિવેશનલ સ્પિકર્સની ડિમાંડ વધતી ગઈ છે, મોટિવેશનલ પ્રવચનકારો-ઉપદેશકોને સાંભળવા સભાગૃહમાં અને ઓનલાઈન પણ ભીડ થાય છે. સોશ્યલ મીડિયામાં આ ટ્રેન્ડ વધુ જોરમાં છે. જેમનું પોતાનું જ્ઞાન ઉધાર છે તેવા અનેક લોકો સમાજને જીવન જીવવાની જડીબુટ્ટીથી માંડી સફળતાના મંત્રો-સૂત્રો-સિદ્ધાંંતો-ચાવીઓ વગેરે સમજાવવા નીકળી પડયા છે.
આમાંથી ઘણાંનો પ્રભાવ પણ ખુબ પડે છે, કારણ કે તેમની પાસે બોલવાની કળા-વાકચાતુર્ય ગજબનું છે. તમને થશે કે અમે અહી આર્થિક વિષયને બદલે મોટિવેશન વિશેની વાતો કેમ કરી રહયા છીએ? પરંતુ આગળ વધો, તમને અમારી આ ભુમિકાનું મહત્વ પણ સમજાઈ જશે અને ખરું કહેવાનું પણ કહેવાઇ જશે.
છેલ્લા અમુક સમયથી ઈન્વેસ્ટમેન્ટ-ફાઈ. જગતમાં જુદાં પ્રકારના મોટિવેશનલ વકતાઓ ઊભરી રહ્યાં છે. જેમને આજની ભાષામાં ફિનઈન્ફલ્યુન્સર કહે છે (ઈન્ફલ્યુન્સર-પ્રભાવ પાડનાર). જેઓ ઈન્વેસ્ટમેન્ટ બાબતે લોકો પર પ્રભાવ પાડીને તેમને રોકાણ માટે આકર્ષે છે. આમાં ૧૦માંથી ૭ થી ૮ જણાં બોગસ કે લેભાગુ હોય છે. બાકી બે-ત્રણ જણાં સાચી સલાહ-માર્ગદર્શન આપનારા પણ હોય છે, જોકે રોકાણકારો મોટેભાગે ઊંચા અને કથિત ગેરન્ટેડ વળતરના મોહમાં લેભાગુઆની વાતોમાં અટવાઈને છેતરાઈ જાય છે. આવા લેભાગુઓને ટેક્નોલોજીના આ યુગમાં સોશ્યલ મીડિયાનો મોટો સહારો મળી રહ્યો છે, જેની પહોંચ વ્યાપક તેમ જ અસરકારક પણ હોય છે. આ કથિત પ્રભાવશાળી (ફિનઈન્ફલ્યુન્સર) સામે હવે નિયમન તંત્ર સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સક્રિય થઈ રહ્યું છે.
ઈન્વેસ્ટમેન્ટ એજયુકેશનના નામે
તાજેતરમાં નિયમન તંત્ર સેબીએ એક એવો અજબગજબનો કિસ્સો પકડ્યો છે, જે ચોંકાવનારો તો છે જ, કિંતુ રોકાણકાર વર્ગ માટે તો બહુ મોટા સબક સમાન ગણી શકાય. સેબીએ નોંધ્યું છે કે આમાંની અમુક હસ્તીઓ રોકાણકારોને મહિને ત્રણ લાખથી છ લાખ સુધીની કમાણીની ગેરન્ટી આપે છે, તેઓ સ્ટોકસની ભલામણ કરે છે, તેઓ લાઈવ ટ્રેડિંગ કલાકોમાં પણ લે-વેચની સલાહ આપે છે. મજાની વાત એ છે કે આવા એડવાઈઝર્સ સિકયોરિટીઝ -સ્ટોક માર્કેટના શૈક્ષણિક કોર્સના નામે લોકોને આકર્ષે છે અને શિક્ષણના નામે રોકાણકારોનું ભક્ષણ કરે છે. આમ જોવા જઈએ તો સામાન્ય લાગે, પણ હવેના સોશ્યલ મીડિયાના માધ્યમથી રોકાણકારો-ટ્રેડર્સને આકર્ષતા, ઊંચા વળતરની ખાતરી આપતા અને ઈન્વેસ્ટમેન્ટ એજયુકેશનના નામે લોકોને ગેરમાર્ગે દોરતા કેટલાંક લેભાગુઓ અને કથિત રોકાણ સલાહકારો-એનાલિસ્ટસના કારનામા ધ્યાનમાં આવતા સેબીએ તેમની સામે પગલાં લેવાનું શરૂ કયુર્ં છે. આમાંના અમુક પોતાને એકસપર્ટ ગણાવે છે, ઘણાં પોતાને ચાર્ટ કા બાપ નામે ઓળખાવે છે. અહીં એ નોંધવું જરૂરી છે કે શેરબજારમાં ચાર્ટમાં માનનારાઓની સંખ્યા પણ મોટી છે.
પ્રાઈવેટ ગ્રૂપના નામે પથરાતી જાળ આ લોકો પોતાને શેરબજારની ચાલની ઊંડી સમજ હોવાનો દાવો કરી રોકાણકારોને ટુંકસમયમાં નાણાં ડબલ કરવાની ઓફર આપતા હોય છે. આ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ સેબીમાં રજિસ્ટર્ડ હોતા નથી, તેઓ પ્રાઈવેટ ગ્રૂપ બનાવી આ પ્રવૃતિ કરે છે. જેઓ ચાલાકીભરી વાતોથી રોકાણકારોને લલચાવીને પોતાની જાળમાં લે છે. અલબત્ત, ઢગલાબંધ લાલચુઓ તેમને મળી પણ જાય છે. કહેવત તો જાહેર છે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. જયારે આ મામલે તો ધુતારા લાખોપતિ -કરોડપતિ બને છે. સેબી નિયમન તંત્ર તરીકે ભલે પોતાનું કામ કરે, કિંતુ રોકાણકારો પોતે નહીં જાગે અને સમજ્યાં વિના લાલચમાં આવતા રહેશે તો તેમના હાલ બૂરાં થવાનું નકકી છે. સેબીએ આવા અમુક લેભાગુઓ પાસેથી હાલમાં જ રૂ. ૧૭ કરોડની તેમની કમાણી જપ્ત કરી અલગ એકાઉન્ટમાં જમા કરાવી છે. કેટલાંકને સિકયોરિટીઝ માર્કેટમાં સોદા કરવાથી રોકી દીધા છે, અર્થાત તેમના પર માર્કેટમાં સોદા કરવાનો પ્રતિબંધ મૂકી દીધો છે.
વાકચાતુર્યની ચાલાકી હકીકત એ છે કે છેલ્લા બે-ત્રણ વરસથી સોશ્યલ મીડિયા માર્ગે ફાઈનાન્સિયલ સલાહ આપતા ઈન્ફલ્યુન્સર બિલાડીના ટોપની જેમ ફુટતા ગયા છે. જેઓ સ્ટોકસથી લઈ ફંડસની સ્કિમ કે અન્ય રોકાણ સાધનો-યોજનાઓ વિશે લોકોને પોતાના વાકચાતુર્યથી લલચાવે-આકર્ષે છે, જેમાં અનેક નાના રોકાણકારો ફસાઈ રહ્યાં છે. સેબીએ આ વર્ગને રોકવા રેગ્યુલેશન લાવવાની પ્રોસેસ તો શરૂ કરી છે, પરંતુ ત્યાંસુધીમાં તો લોકોને છેતરવાનું ચાલુ જ રહ્યું છે. બચતકાર-રોકાણકાર વર્ગે સોશ્યલ મીડિયાના આવા પ્લાન્ટેડ-કથિત પ્રભાવશાળી લોકોની સલાહોથી સજાગ નહી રહે તો કમાવાની વાત તો બાજુએ રહી, લુંટાવાનું પાક્કું થઈ જશે. આવા પ્રભાવશાળી-ઈન્ફલુન્સર્સ સ્ટોકસ કે ફંડસ માટે બોલવાનો સ્વતંત્ર બિઝનેસ કરે છે, જેમાં તેઓ સોશ્યલ મીડિયા પર સંબંધિત સ્ટોકસ અથવા/અને ફંડસની સ્કિમ વિશે રોકાણકારોને આકર્ષણ થાય અને તેઓ આ રોકાણ કરવા પ્રેરાય એ મુજબની માહિતી, પ્રેઝન્ટેશન, કોમેન્ટરી, વીડિયો, વગેરેનો પ્રચાર-પ્રસારને વાઈરલ કરે છે. આ લોકો એડયુકેટર, ક્ધટેન્ટ ક્રિએટર અને ટયુટર તરીકે પણ પોતાને ઓળખાવે છે. જેને જોઈ-સાંભળી લાખો લોકો પ્રભાવિત થાય છે અને રોકાણ કરે છે. વાસ્તવમાં આમાં મોટાભાગના પ્લાન્ટેડ હોય છે. સેબી માને છે કે આવા લેભાગુઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી રોકાણકાર વર્ગને ગેરમાર્ગે દોરતા અને રોકાણ કરવા ચાલાકીપૂર્વક લલચાવતા હોવાથી તેમને કોઈરીતે અટકાવવા જરૂરી છે.
ઈન શોર્ટ, લાંબા સમયથી જે કામ ચોકકસ બિઝનેસ ચેનલ્સમાં થતું રહ્યું છે યા હતું તે હવે સોશ્યલ મીડિયા પર ફેલાઈ રહ્યું છે.
આવી સમસ્યા વિદેશોમાં પણ સોશ્યલ મીડિયા ઈન્ફલ્યુન્સર્સની સમસ્યા માત્ર ભારતમાં જ નથી, બલકે વિકસિત અને વિકસતા દેશોમાં પણ છે, તેમના પર નિયંત્રણ લાવવાનું સરળ નથી. ઓસ્ટ્રેલિયા સિકયોરિટીઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશને માર્ચ ૨૦૨૨માં સોશયલ મીડિયા ઈન્ફલ્યુન્સર્સ પાસે ફાઈનાન્સિયલ સલાહ આપવા માટે લાઈસન્સ હોવું જોઈએ અને તેનું ઉલ્લંધન કરનારને જેલની સજા કે આર્થિક દંડની જાહેરાત કરી હતી. સિકયોરિટીઝ કાનૂનના નિષ્ણાંતના મતે સેબી માટે આ કાર્ય કઠિન છે. કેમ કે આ ઈન્ફલ્યુન્સર વર્ગ નિયમન હેઠળ હોતા નથી, તેને બદલે સેબી તેના નિયમન હેઠળના વર્ગને આવા લોકોથી દૂર રહેવાની ફરજ પાડી શકે છે. અલબત્ત, સેબી માટે આ વિષય પણ એક પડકાર છે, તેમ છતાં સેબીની એકશન આવા લેભાગુ વર્ગમાં ભય તો ઊભો કરી શકશે, પરંતુ સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે રોકાણકારોએ પોતે વિશેષ જાગ્રત થવું જોઈશે, લાલસાથી દૂૈર રહેવું જોઈશે. ઝટપટ કમાણીના લોભથી દૂર રહેવું પડશે. અન્યથા સેબી કે સરકાર પણ તેમની રક્ષા કરી શકશે નહી.