સાથિયામાં એક રંગ ઓછો જીવનની અધૂરી રંગોળી
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ: ચમત્કાર અને ધિક્કારની કોઇ સીમા જ ના હોય.
(છેલવાણી)
શહેરમાં ખૂબ વરસાદ પડ્યો ને ચારેબાજુ પાણી ભરાઈ ગયા.
બચાવ-ટીમના માણસો બોટ લઈને આવી પહોંચ્યા. ત્યારે ત્યાં
એક માણસ કમર સુધી પાણીમાં ઊભો હતો. બચાવ ટુકડી,
બોટ લઈને ગઇ અને પેલાને કહ્યું, “ચાલ ભાઇ, બોટમાં જલ્દીથી બેસ.
પણ પેલાએ કહ્યું, “ના ના. મને તો ભગવાન પર જ વિશ્વાસ છે. એ જ મને ચમત્કારથી બચાવશે.
થોડીવારે પાણી વધવા લાગ્યું. હવે પેલો શ્રદ્ધાળુ તો
મકાનની છત પર ચડી ગયો. ફરી એક રેસ્ક્યુ-ટીમનું હેલિકોપ્ટર
આવ્યું ને પાયલોટે સીડી ફેંકી ને માઈકમાં બરાડીને કહ્યું,
“હવે જીદ ના કર. ફટાફટ સીડી પકડી લે. અહીંથી તરત નીકળવું પડશે!
ફરીથી પેલાએ કહ્યું, ના ના, મને તો ભગવાનમાં જ વિશ્વાસ છે. એ જ કોઇક ચમત્કાર કરશે!
જોતજોતામાં છત પર પાણી ફરી વળ્યું ને પેલો તણાઈને
ડૂબી ગયો. પછી મરીને સ્વર્ગમાં પહોંચ્યો તો એને ભગવાન દેખાયા. પેલાએ તરત જ ફરિયાદ કરી,” શું ભગવાન? એક ભક્ત તરીકે મને કેટલી શ્રદ્ધા હતી કે તમે મને બચાવી લેશો. પણ તમે આવ્યા જ નહીં?
“મૂર્ખ! તારા માટે મેં બોટ ને હેલિકોપ્ટર મોકલ્યાં પણ તું જ એમાં ના બેઠો! હું શું કરું? ભગવાને કહ્યું.
આપણે સૌ મોટા-મોટા ચમત્કારની આશામાં જીવનના નાના-નાના ચમત્કારોને જોવાનું ભૂલી ગયા છીએ. મોટા ભાગનાં લોકો માટે ગિફ્ટનો મતલબ ત્યારે જ હોય છે કે જ્યારે એ ખૂબ કિંમતી હોય કે સરસ ચમકતાં પેપરમાં લપેટેલી હોય.
આપણે પેકિંગમાં, પરચામાં, ચમત્કારને શોધીએ છીએ. દિલ પર હાથ મૂકીને ચપટીભર ઇમાનદારીથી વિચારી જોજો કે તમારા જીવનમાં યે રોજ કોઇને જોઇ ચમત્કાર થતા જ હશે, જેને તમે કદી ધ્યાનથી જોવાની કોશિશ પણ કરી છે? બાળકનાં સ્મિતમાં, સ્નેહીજનની પ્રીતમાં અચાનક તમને કોઇ મસ્ત મિરેકલ
દેખાયો છે? તમને થશે કે આજે અચાનક ડાહી-ડાહી વાત કેમ માંડી છે?
પણ હમણાં વિચિત્ર સમાચાર વાંચ્યા કે જાપાન જેવા સમૃદ્ધ દેશમાં સતત વસ્તી ઘટી રહી છે જેનાં અમુક કારણોમાંનું એક કારણ એ છે કે જાપાનના યંગ કપલ્સ, પૈસા કમાવાની કે બચાવવાની લ્હાયમાં મોડી ઉમ્મરે પરણે છે કે પછી પરણતાં જ નથી કે પછી માંડ પરણે, તો અમુક જ કપલ એકાદ જ બાળક ને માંડ જન્મ
આપે છે.
એ લોકો, બૂઢાપા માટે પૈસા બચાવી રાખવામાં માને છે…પણ સવાલ થાય કે તમે પરણશો જ નહીં, બાળક ના જન્માવો કે પરિવાર ના બનાવો તો જીવનનો અર્થ શું? કવિ હરિવંશરાય બચ્ચન કહે છે: ’જીવન મેરા બીત ગયા જીને કી તૈયારી મેં!’…એ જ રીતે જીવન આખું, મૃત્યુ સુધી ટકી જવાની તૈયારીમાં જ જો વીતી જાય તો એવી લુખ્ખી લાઇફનો શું અર્થ? જે આજની ક્ષણો છે, જે આપણી સામે કે પાસે છે, એને વેડફીને ભાવિ પર જુગાર કઇ રીતે રમી શકાય?
આપણે નરી આંખે જિંદગી નામનો સૂક્ષ્મ ચમત્કાર જોવાનું કદાચ ભૂલી ગયા છીએ. વર્ષો પહેલાં ખાંસી જેવી મામૂલી બીમારીથી કે આંગળી કપાઈ જવાથી લોકો મરી જતા પણ આશરે
૯૦-૧૦૦ વર્ષ અગાઉ એન્ટિબાયોટિક્સની શોધ થઈ
જેથી નાનીમોટી બીમારીથી મરતાં બચી શકાય છે. પણ આજેય દુનિયામાં માત્ર અમુક જ લોકોને એનો લાભ મળે છે પણ શું આપણે માનીએ છીએ કે એ નસીબદાર લોકોમાંના આપણે એક છીએ?
ઈન્ટરવલ:
ચાહ ગઈ ચિંતા મિટી, મનવા બેપરવાહ,
જિનકો કછુ ન ચાહિયે, વે શાહન કે હૈ શાહ! (રહીમ)
એક ધનાઢ્ય શેઠને મહેલ જેવા બંગલામાં એક સુંદર પત્ની કોળિયાં ભરાવીને જમાડી રહી અને બીજી પત્ની એને હાથપંખાથી હવા નાખી રહી હતી. તો પણ શેઠ તો પરસેવે રેબઝેબ, ધૂઆંપૂઆં જીવતરને બેફામ ગાળો ભાંડતો હતો. એવામાં મિત્રએ આવીને કહ્યું,"યાર, તારી પાસે પૈસા, બંગલો છે.. ૨-૨ સુંદર પત્નીઓ જમાડે છે! તારો પ્રોબ્લેમ શું છે?
“કોળિયો ચાવશે કોણ? તારો બાપ?, શેઠે ભડકીને કહ્યું. ઇનશોર્ટ, જેની પાસે બધું જ છે એને કશાયની કિંમત ઉતર્યુ હતું તેની નથી અને જેની પાસે કશું નથી એના માટે દરેક વસ્તુ અનમોલ છે.
એક માણસ બગીચામાં જાય છે. ત્યાં એક સુંદર ફૂલને ચૂંટવા જાય છે, ત્યારે એ ફૂલ પર પતંગિયું બેઠેલું જુવે છે. પછી એ ફૂલને છોડીને પતંગિયાને પકડવા જાય છે.
પતંગિયું તો ત્યાંથી તરત ઉડી જાય છે. પેલો માણસ, પતંગિયાને પકડવા પાછળ પાછળ આમતેમ ખૂબ ભાગદોડ કરે છે, કલાકો સુધી ધમ્મપછાડાં કરે છે પણ પતંગિયું હાથમાં જ નથી આવતું. છેવટે માણસ થાકી-હારીને બગીચાના બાંકડા પર બેસી જાય છે ને થોડીવાર પછી પતંગિયું આપોઆપ એના ખભા પર આવીને બેસી જાય છે!
આપણી ઈચ્છાઓ, માગણીઓનું પણ એવું જ છે. જે સામે છે એ દેખાતું નથી પણ જે નથી એની પાછળ ભાગી ભાગીને,
છેવટે બધાં જ પ્રયત્નો છોડી દઇએ છીએ ત્યારે હળવેકથી આવીને એ સામેથી મળે છે. ચમત્કારનું બીજું નામ જ અણધારી
સોગાત છે.
વિડંબના એ છે કે જે જાપાનની ઘટતી વસ્તીને લીધે આ વાત શરૂ થઇ હતી એ જ જાપાનની એક શોર્ટ ફિલ્મમાં જોયેલી આ પતંગિયાવાળી વારતા હતી! જે ખુદ જાપાનનાં જ યંગ કપલ્સને આજે એ લાગુ પડે છે… લેકિન, કિંતુ, પરંતુ…….સૌના સાથિયામાં એક રંગ ઓછો જ પડે છે!
એંડ-ટાઇટલ્સ: આદમ: ચમત્કારમાં માને છે?
ઈવ: તને મળ્યા પછી તો એકદમ!