ઉત્તર અમેરિકાના આર્કટિકનું વતની રાજહંસ પક્ષી કચ્છનું મહેમાન બન્યું…

ભુજઃ આગવી વન્યજીવ સૃષ્ટિ ધરાવતું ભાતીગળ કચ્છ રૂપકડાં પક્ષીઓ માટે જાણે સ્વર્ગ સમાન છે. કચ્છમાં રણ,દરિયો અને ડુંગર સહીત અનેક જૈવિક વૈવિધ્યતાઓ છે અને ૩૭૫ થી વધુ પ્રજાતિઓના પક્ષીઓ અહીં નોંધાયેલા છે. છારીઢંઢ વિસ્તારમાં શિયાળાની ઋતુ દરમ્યાન મહેમાન બનતું રાજ હંસ નામનું પક્ષી વર્ષાઋતુના આગમન ટાંકણે જોવા મળતાં પક્ષીવિદો રોમાંચિત બન્યા છે.
નખત્રાણા વન વિભાગના વન રક્ષક ધીરજ વાઘેલાએ જવલ્લે જોવા મળતાં રાજ હંસ પક્ષી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ રૂપાળું પક્ષી ઉત્તર અમેરિકાના આર્કટિકના મૂળ વતની છે ત્યાંથી કચ્છમાં આવે છે. મધ્ય એશિયામાં પર્વતીય સરોવરો પાસે હજારોની વસાહતોમાં પ્રજનન કરે છે અને દક્ષિણ એશિયામાં તે જમીનના માળામાં એક સમયે ત્રણથી આઠ ઇંડા મૂકે છે. હિમાલયમાં સ્થળાંતર કરતી વખતે તે જે અત્યંત ઊંચાઈએ પહોંચે છે તેના માટે તે જાણીતું છે. આ પક્ષી વિશ્વના સૌથી ઊંચા ઉડતા પક્ષીઓમાંના એક તરીકે જાણીતું છે.
તે ૨૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે, જ્યારે હિમાલય ઉપર સ્થળાંતર કરે છે જ્યાં ઓક્સિજન અને તાપમાનનું સ્તર અત્યંત ઓછું છે. પક્ષી જ્યારે સાયબેરીયાથી એશિયામાં આવતું હોય ત્યારે હિમાલયના પહાડ ઉપરથી થઈને આવે એ એમનો માર્ગ છે, અને જે આ પક્ષી નખત્રાણાના તાલુકાના છારીઢંઢમાં શિયાળાની ઋતુ દરમ્યાન જોવા મળતુ હોય છે. અન્ય કોઈ જગ્યાએ ભાગ્યે જ આ પક્ષી જોવા મળતુ હોય છે. આ રાજ હંસ પક્ષી તાજેતરમાં છારીઢંઢના મથલ ડેમ વિસ્તારમા જોવા મળ્યું છે તેની તસ્વીર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નખત્રાણા દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો : આર્કટિકથી સીધું ગુજરાતનું અતિથિ! નળ સરોવરમાં દેખાયું દુર્લભ ‘સબાઇન ગલ’ પક્ષી