ઉત્સવ

સોરી મધુ, મેં આ શું કર્યું?

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

૭૬વર્ષીય ચંદ્રકાંત વોરા બેંક ઓફ ઈંડિયામાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે નિવૃત થયા છે. બે દીકરાઓ યુ.એસ.માં સેટ થયા છે. તેમના પત્ની મધુરીબેન એજયુકેશન ડિપાર્ટમેન્ટમાં ઓફીસર તરીકે કામ કરીને હવે નિવૃતિનો આનંદ માણી રહ્યાં છે.

અમદાવાદમાં ઈસ્કોન મંદિરની નજીક આવેલા ભદ્રવિસ્તારમાં એક માળના બેઠા ઘાટના બંગલામાં આ સ્વીટ સિનિયર સિટિજન કપલ રહે છે. સાત વર્ષ પહેલાં માતાનું અવસાન થયું, આ આઘાત ચંદ્રકાંતભાઈ ઝીરવી ન શકયા. બે વર્ષ પહેલાં તેમનો એકનો એક નાનો ભાઈ મુકુંદ પણ પોતાના દીકરા સાથે રહેવા સિંગાપુર જતો રહ્યો. સ્વજનોથી એકલા પડી જવાની વેદના ચંદુભાઈથી જીરવી શકાઈ નહીં.

એકલતા એમને સાલવા લાગી. છોકરાઓનાં ફોન કોઇ રવિવારે ન આવે તો સતત ચિંતા કરતા રહેતા. સંતાનોની અકારણ ચિંતામાં હોય ત્યારે ખૂબ બબડયા કરે, માતાની યાદ આવતા જૂના ફોટાના આલબમ જોયા કરે, પછી બાળક પેઠે રડે. મધુબેન સમજાવા જાય તો કહે – તું આઘી ખસ.

કોઈ સગાસંબંઘીને મળવાનું પણ તેમને ગમે નહીં.

આવી પરિસ્થિતિમાં મધુબેન પણ ઘણી વાર મૂંઝાઈ જતાં. વૃદ્ધાવસ્થાની એકલતા, શારીરિક તકલીફો, યુવા સંતાનોનો વિરહ આ બધું જીરવવું અસહ્ય હોય છે. આવા સંજોગોમાં મોટેભાગે લોકો થોડા સમય માટે અસ્વસ્થ થાય, પછી પાછા સ્વસ્થ થઇ જાય. પણ ચંદ્રકાંતભાઈ સ્વસ્થ થઇ ન શક્યા. એ બધું ભૂલી જવા લાગ્યા.

તે દિવસે ગાર્ડનમાં વેવાઈ મળ્યા તો કહેવા લાગ્યા – તમને હું ઓળખતો નથી. પોતે શું કહ્યું હતું તે થોડી વારમાં ભૂલી જાય અને એકની એક વાત બે-ત્રણ વાર કહ્યા કરે. મધુબેન ખૂબ કાળજી રાખે છતાં ચંદુભાઈ ગોટાળા કરે અને અકળાય.

ચંદુભાઈને ફેમીલી ડોકટર એક જ સલાહ આપતા, તમારી ગમતી પ્રવૃતિ કરો, ખુશ રહો. થોડું મેડિટેશન કરો.

પણ, ચંદુભાઈ એટલે ચંદુભાઈ.

તે દિવસે ચંદુભાઈ સલૂનમાં ગયા હતા.

હજામે સલૂનમાં આજે હેરકટ કરતાં, ચહેરા પર મસાજ કર્યું અને પરફયુમ છાંટયું. ચંદુભાઈ તો ખુશ થઈ ગયા.

સલૂનમાંથી બહાર નીકળતા તેઓ બાજુમાં જ આવેલા રિલાયંસ મોલમાં ઘૂસી ગયા. મનગમતા ત્રણ શર્ટ ખરીધા. કોફી શોપમાં ગયા અને કોફી પીતા હતા, ત્યાં જ સામે ગેમઝોનમાં બે કોલેજીયનો થ્રો બોલ રમતા હતા. ચંદુભાઈએ રમતના ગેમને વધારીને તેમની સાથે થ્રો બોલ રમ્યા. આજે ચંદુભાઈ ખૂબ ખુશ હતા.

મોલમાંથી બહાર નીકળીને ચંદુભાઈ કાર પાર્કીંગ એરીયા તરફ ગયા, ખિસ્સામાં હાથ નાંખ્યો, અરે- ગાડીની ચાવી કયાં?

ચંદુભાઈ હાંફળા-ફાંફળા થઈ ગયા. તરત મોલમાં પાછા ગયા. ગેમઝોનમાં તો ચાવી નથી પડીને. ગોતવા લાગ્યા. ચાવી મળી નહીં. પછી કોફીશોપમાં શોધી, કોફી શોપના માણસોએ પણ મદદ કરી પણ ચાવી મળી નહીં, આખરે શર્ટ ખરીધા હતા ત્યાં પણ શોધ્યું પણ ચાવી કશે મળી નહીં. હવે કદાચ સલૂનમાં પડી ગઈ હશે.

ચંદુભાઈના ધબકારા વધી ગયા. સલૂનમાં ગયા, પણ ચાવી ન હતી.

ચંદુભાઈના મનમાં ઝબકારો થયો. કદાચ, ચાવી હું કારમાં જ ભૂલી ગયો હોઈશ. એ દોડ્યા કાર પાર્કીંગ એરિયામાં-
અરે, અહીં તો મારી કાર પણ દેખાતી નથી- શું મારી કાર કોઈ ઉઠાવી ગયું. હું ચાવી કારમાં ભૂલી ગયો હોઈશ. નક્કી કોઈ ગઠીયો ઉપાડી ગયો. હાય, હાય મારી સાડા નવ લાખની કાર.

ચંદુભાઈને હવે ગભરામણ થવા લાગી.

ફોન કરીને મધુને જણાવું એવો વિચાર ચંદુભાઈને આવ્યો. પછી થયું- ના,ના. એ નાહકની ગભરાઈ જશે. સિકયોરિટીને બોલાવું. એની મદદ લઉં. સિકયોરિટીને બૂમ પાડતાં બે સિકયોરિટીના માણસો તેના હેડ સાથે આવી પહોંચ્યા. પણ ચંદુભાઈને યાદ જ ન આવે કે એમણે સિકયોરિટીને શા માટે બોલાવી હતી. ચંદુભાઈને ચકકર આવવા લાગ્યા. સિકયોરિટીએ તરત ખુરશી મંગાવીને બેસાડ્યા અને પાણી આપ્યું.

થોડી વારે ચંદુભાઈને યાદ આવતાં કહ્યું, “મારી કાર ચોરાઇ ગઇ છે.

“દાદા, ગાડી કયાં ઊભી રાખી હતી? સિકયોરિટીવાળાએ પૂછયું.

ચંદુભાઈએ જમણી બાજુનો ખૂણો ચીંધ્યો.

“તમારી કાર કયા રંગની છે? “ડાર્ક બ્લ્યુ.

“કારનો નંબર શું છે?

કારનો નંબર ચંદુભાઈ બરાબર કહી શકયા નહીં. પણ એમના મોબાઈલની ફોટો ગેલેરીમાંથી એક ફોટા પરથી કારનો નંબર મળ્યો.

‘હવે સી.સી ટી.વી માં છેલ્લા ત્રણ કલાકમાં જે કાર પાર્કિંગ પ્લોટમાં આવી હતી તેનું ચેકિંગ શરૂ થયું.

અડધા કલાકની મથામણ પછી સિકયોરિટીના હેડે કહ્યું-
“દાદા, અહીયાં કઇંયેય તમારી કાર દેખાતી નથી. મને લાગે છે કે તમારે પોલીસમાં કમ્પ્લેઈન કરવી જોઇએ.

“ચંદુભાઈ તો બરાડી ઊઠયા, “મારે પોલીસના લફરામાં નથી પડવું- તમે જ શોધો. મારી કાર અહીંથી જ ચોરાઈ છે.

“જુઓ, દાદા શાંત થાઓ. આપણી પોલીસ સેવા માટે હંમેશાં તૈયાર હોય છે. લો, તમે થોડો નાસ્તો કરો. તમારે ઘરેથી કોઈને બોલાવવા છે? “ના, મારે મારી વાઈફને ટેન્શન નથી આપવું. મારી કાર ગોતો. મારી સાડા નવ લાખની કાર છે.

સિકયોરિટીએ પોલીસને કાર ચોરી થયાની ફરિયાદ કરી.

બપોરના સાડા બાર વાગી ગયા.

આ તરફ મધુબેનને ચિંતા થઇ. એમણે ચંદુભાઈને ફોન કર્યો પણ ફોન લાગ્યો નહીં.

આ દુ:ખીયારા સિનિયર સિટિજનને મદદ કરવા પોલાસ આકાશ પાતાળ એક કરવા મક્કમ થઇ ગઇ હતી. પોલીસે છેલ્લા ત્રણ કલાકના મોલ પાસેના વાહનવ્યવહાર યંત્રણા તપાસી.

ત્યાં જ મોલ નજીકના ડ્યુટી પરના એક પોલીસ કોન્સ્ટેબલે જણાવ્યું કે, કાર મળી ગઈ છે, અને કાર ચોરનાર એક મહિલા છે.

ચંદુભાઈએ કાર મળી ગયાનો હરખ બતાવવા તરત મધુને ફોન કર્યો.

મધુએ કહ્યું- “હા, જલદી આવો, કાર ચોરવાના ગુના બદલ પોલીસે મારી જ ધરપકડ કરી છે. તમે ફરીથી ભૂલી ગયા? આ પોલીસે કાર ચોરવા બદલ મારી ધરપકડ કરી છે. મેં કહ્યું કે આ મારી જ કાર છે. કારની કમ્પલેન કરનાર મારા હસબન્ડ છે.

હું એમની પત્ની છું, પણ એ લોકો મારું કશુંય સાંભળવા તૈયાર નથી. કહે છે – મેડમ કંપલેન આવે એટલે કાર્યવાહી કરવી જ પડે. તમે પણ કેવા ભૂલકડ છો, મેં તમને કહ્યું હતું કે તમારે વાળ કપાવવા છે, એટલે આપણે કારમાં જશું. હું તમને સલૂનમાં લઈ જઈશ, પૈસા આપવામાં તમારી ભૂલ થાય છે, એટલે પૈસા હું ચૂકવી દઈશ. તમારું કામ થઈ જાય એટલે મને ફોન કરજો, હું તમને લેવા સલૂન પાસે આવી જઈશ. તમે બધું ભૂલી ગયા. હવે આવો અને તમારી ચોર પત્નીને પોલીસ ચોકીમાંથી છોડાવો.

ચંદુભાઈએ કહ્યું- “સોરી મધુ, મેં આ શું કર્યુ?

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત