ઉત્સવ

સરદાર પટેલના સ્વપ્નનું ભારત

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

૩૧, ઓક્ટોબર સરદાર પટેલ જયંતી છે ત્યારે તેમનું જીવન અને આચરણ, તેમના વિચારો, રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિષ્ઠા, મહેનત અને સંકલ્પ દેશની જનતા માટે અનુકરણીય છે.

રાજગોપાલાચારી જેવા નેતાઓએ લખ્યું છે કે “આપણે સૌથી મોટી ભૂલ એ કરી કે, આપણે સરદાર પટેલને વડા પ્રધાન ન બનાવ્યા. જો સરદાર પટેલ વડા પ્રધાન અને નહેરુ વિદેશ મંત્રી બન્યા હોત તો ઘણું સારું થાત. જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદી નેતાઓએ કહ્યું કે, અમે સરદાર પટેલને વડા પ્રધાન ન બનાવીને મોટી ભૂલ કરી છે. (પટેલ, બાબુભાઈ જશભાઈ વ્યાખ્યાન)

સરદાર પટેલના રાજકીય વિચાર
સરદાર પટેલના મતે વ્યક્તિગત હિત કરતાં રાષ્ટ્રીય હિત ઉપર હતું. પટેલ રાષ્ટ્રીય હિતના મજબૂત રક્ષક અને રાષ્ટ્રીયતા તેમના જીવનનું અંતિમ ધ્યેય હતું તેથી ગાંધીજીના કહેવાથી તેમણે વડા પ્રધાનનું મહત્ત્વનું પદ જવાહર લાલ નેહરુ માટે છોડી દીધું. સરદાર પટેલે ગૃહમંત્રી તરીકે કહ્યું હતું કે, “જે ભારતીય છે તેઓએ ભારતમાં જ રહેવું જોઈએ, કારણ કે ભારતના લોકોને ભારતીયોની જરૂર છે, પછી ભલે તે કોઈપણ ધર્મ કે જાતિના હોય. (પટેલ, દિલવાર, નવેદિત ભારતના નિર્માતા સરદાર)

ઈ.સ. ૧૯૪૬માં ભારતીય નૌકાદળે બોમ્બેમાં પ્રતિરોધ કર્યો ત્યારે સરદારે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને સમાજવાદીઓની કડવી ટીકા કરી. તેઓ હૃદયરોગથી બીમાર હોવા છતાં ડાકોટા એરક્રાફ્ટથી દેશભરમાં પ્રવાસ કરી અને સરકારની નીતિઓની જાણકરી આપી હતી. તેમને રાષ્ટ્ર નિર્માણનાં કાર્યો પર ભાર મૂક્યો અને દેશની પ્રગતિ માટે જરૂરી શરતો દર્શાવી. સરદાર પટેલનાં ઉપરોક્ત કાર્યોમાંથી પ્રેરણા લઈને આપણે ભવિષ્યમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ. કાશ્મીર સમસ્યા, નાગાલેન્ડ સમસ્યા, બોડો સમસ્યા, ખાલિસ્તાન સમસ્યા, વનાચલ સમસ્યા વગેરે જેવી અનેક પ્રાદેશિક સમસ્યાઓનો ઉકેલ તેમના વિચારો અને કાર્યો થકી લાવી શકીશું.

વી.પી. મેનને લખ્યું છે કે “નેતૃત્વ બે પ્રકારનું હોય છે. એક નેપોલિયન જેવા નેતા, જે નીતિના નિર્માતા અને વ્યાખ્યાતા બંને હતા અને તેમના આદેશ મુજબ તેનો અમલ કરવા માગતા હતા. આવી સર્વોચ્ચ વ્યક્તિ દરરોજ ઊભી થતી નથી. સરદારનું નેતૃત્વ બીજા પ્રકારનું છે. તેમણે પોતાના અધિકારીઓને કાળજીપૂર્વક પસંદ કર્યા અને દખલ કર્યા વિના નીતિ ઘડવાનું કામ તેમના પર છોડી દીધું. તેમણે ક્યારેય ખોટો દાવો કર્યો નથી કે, તે દુનિયાની દરેક વસ્તુ જાણે છે. તેમણે ક્યારેય એક નીતિની સ્પષ્ટરૂપે પોતાના અધિકારીઓની સલાહ/ભલામણ વગર સ્વીકાર કર્યો નથી. વાસ્તવિકતા એ છે કે, સરદાર પટેલે જે પણ પગલું ભર્યું તે તેમણે સંપૂર્ણ ચર્ચા, વિમર્શ અને સંતુષ્ટિ પછી જ લીધું. પછી ભલે તે પગલું વહીવટીતંત્રના નીતિગત નિર્ણય, સંઘર્ષ કે સત્યાગ્રહ સંબંધિત હોય. બારડોલી સત્યાગ્રહનો અંતિમ નિર્ણય એ જ રીતે લેવાયો હતો. સરદાર પટેલના નિર્ણય હંમેશાં સંતુલિત, દ્રઢ તથા દેશહિતમાં હતા.

સરદાર લોકશાહીના મહાન હિમાયતી હતા. લેવાયેલા નિર્ણયોનો અમલ કરવાની ક્ષમતા હતી તેમ છતાં તમામ નિર્ણયો લોકશાહી ઢબે લેવાના પક્ષમાં હતા. દાખલા તરીકે ટંડનજીએ કૉંગ્રેસના પ્રમુખપદ માટે નામાંકન ભર્યું હતું અને તેઓ ચૂંટાય પણ આવતે તેવી સ્થિતિ હતી, પરંતુ ત્યારે કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વને તે પસંદ ન હતું. તેઓ માનતા હતા કે, ટંડનજી હિંદુઓ તરફ ઝુકાવ ધરાવે છે. ત્યારે સરદાર પટેલે નેતૃત્વને સમજાવતા કહ્યું કે, કૉંગ્રેસ અને કૉંગ્રેસનું બંધારણ સર્વોપરી છે. નાસિક સત્રમાં કૉંગ્રેસ જે દરખાસ્તો પસાર કરશે તે પ્રમુખ માટે બંધનકર્તા રહેશે જો તેઓ તેનો સ્વીકાર નહીં કરે તો તેમણે રાજીનામું આપવું પડશે. જે અધિકાર કૉંગ્રેસ અધિવેશનના છે તેને તમે કેમ લઇ રહ્યા છો? આખરે ટંડન પ્રમુખ તરીકે ચૂંટાયા. (ગુપ્તા, ડૉ. કૃષ્ણા, ભારતીય રાજનીતિ અને સરદાર પટેલ)

સરદાર પટેલ નાનાં રાજ્યોની રચનાના વિરોધી હતા. ડિસેમ્બર, ૧૯૪૯માં ભાષાકીય આધાર પર આંધ્ર પ્રદેશના વિભાજન માટે પાસ કરાયેલા ઠરાવનો વિરોધ કરતાં તેમણે કહ્યું હતું કે, “કેટલાક લોકો ભાષાકીય આધાર પર આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળની રચનાની વાત કરે છે, પરંતુ તેઓ એ નથી માનતા કે વિચારતા નથી કે, ઉત્તર અને પશ્ર્ચિમી પ્રદેશો પર શું અસર થશે? આપણે વિવિધ રાજ્યોને બદલે ભારતની એકતા અને અખંડિતતા વિશે વિચારવું જોઈએ. આપણે ભારતીય છીએ તે વિચારવું જોઈએ. પ્રદેશ કે રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવો જરૂરી બને તો ભૌગોલિક, વહીવટી સગવડ અને લક્ષ્યોને ધ્યાનમાં રાખીને રાજ્યની રચનામાં ફેરફાર કરવો જોઈએ. કમનસીબે સરદાર પટેલના વિચારો વિરુદ્ધ પછીના કેટલાંક વર્ષોમાં જ ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠન કરીને પ્રદેશવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું. દેશની એકતામાં અડચણરૂપ બનેલા પ્રાદેશિકવાદના ઝેરને દૂર કરવા માટે સરદાર પટેલે બતાવેલા માર્ગે ચાલવું જરૂરી છે.

સરદાર પટેલ હંમેશાં નૈતિકતા અને પ્રામાણિકતાની રાજનીતિ કરતા હતા તેઓ જાતિવાદમાં માનતા ન હતા. સરદાર પટેલની નૈતિકતાનો સૌથી મોટો પુરાવો ગાંધીજીને નહેરુના સંબંધમાં આપવામાં આવ્યો હતો જેના કારણે તેઓ નહેરુને જીવનભર પોતાના નેતા માનતા હતા. તેમની પ્રામાણિકતાનો પુરાવો તેમના પુત્ર ડાયાભાઈને તેમના સરકારી નિવાસસ્થાનમાં રહેવાની મંજૂરી ન આપવી તેમ જ પુત્ર કે પુત્રીને તેમના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જાહેર ન કરવા. તેઓ આર્થિક રીતે કેટલા પ્રમાણિક હતા તેનો પુરાવો તેમના મૃત્યુ પછી માત્ર રૂ. ૨૮૭ રોકડા અને બે ધોતી અને એક કુર્તા અંગત મિલકત તરીકે મળી આવ્યા હતા. (પટેલ, દિલવાર, નવેદિત ભારતના નિર્માતા સરદાર)

સરદાર પટેલના સામાજિક વિચારો
૧૨ ઓક્ટોબર, ૧૯૪૮ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર સમાજના અભિનંદન સમારોહના પ્રસંગે આપેલા પ્રવચનમાં સરદાર પટેલે શાંતિ અને સહઅસ્તિત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે “ભારતમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષાના લોકો વસે છે, પરંતુ તેમની સંસ્કૃતિ એક છે. અને તે ભારતીય સંસ્કૃતિ છે. આપણે ભારતીય છીએ તેથી આપણે પરસ્પર સંવાદિતા, પ્રેમ અને ભાઈચારાના આધારે સ્વચ્છ અને મજબૂત સમાજ બનાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે. (ભારતની એકતા નિર્માણ, સરદાર પટેલ ભાષણ ૧૯૪૭થી ૧૯૫૦)

જાન્યુઆરી, ૧૯૪૮માં કલકત્તા ક્લબમાં આપેલા પ્રવચનમાં સરદાર પટેલે સ્વચ્છ સમાજના નિર્માણમાં ન્યાય અને સમાનતાને મહત્ત્વનાં પરિબળો ગણાવ્યા અને કહ્યું કે, પહેલા ઉત્પાદન કરો અને પછી સમાનતાના આધારે વિતરણ કરો. સરદારનું માનવું હતું કે, સમાનતા અને ન્યાયના આધારે વહેંચણી નહીં થાય તો સમાજમાં વર્ગવિભાજનના ફળસ્વરૂપ અસંતોષની લાગણી ઝડપી ગતિએ વધશે જે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને અવરોધશે અને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં પણ અવરોધરૂપ બનશે. (ભારતની એકતાનું નિર્માણ, સરદાર પટેલ ભાષણ ૧૯૪૭થી ૧૯૫૦)
સમુદાયિકતા વિના માનવ જીવનની કલ્પના કરી શકાતી નથી. માનવ જીવનનો આધાર સમુદાયિકતાની લાગણી છે. સમુદાયની લાગણી સંકુચિત ન હોવી જોઈએ, પરંતુ વ્યાપક હોવી જોઈએ, જેમાં વિવિધ વિભાવનાઓને સમાવી શકવાની ક્ષમતા હોવી જોઈએ. સરદાર પટેલના મતે, સુખી જીવન માટે સમુદાય નહીં, પરંતુ સમુદાયિકતાની ભાવના જરૂરી છે, જેના દ્વારા માત્ર આપણે વિવિધ સમુદાયો વચ્ચે સહઅસ્તિત્વની કલ્પના કરી શકીએ છીએ.

સરદાર પટેલે જાતિવાદ, સામ્રાજ્યવાદ, કોમવાદ અને અસ્પૃશ્યતા જેવાં સામાજિક દૂષણો સામે સતત લડત આપી હતી. તેઓ “અસ્પૃશ્યતાને હિંદુ ધર્મ પર એક કલંક તરીકે જોતા હતા. એક સમાજ સુધારક તરીકે તેમણે સામાજિક અન્યાય, અત્યાચાર અને જુલમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેઓ સામાજિક ન્યાયના આદર્શો સાથે તેમને લાગણી જોડાયેલી હતી, પરંતુ તેમનું પ્રથમ કાર્ય અન્યાયી આર્થિક અને રાજકીય શોષણને ઉજાગર કરવાનું હતું. તેમણે બ્રિટિશ સામ્રાજ્યવાદની ટીકા કરી કેમ કે તેના કારણે ભારત આર્થિક અને રાજકીય પતન તરફ જઈ રહ્યું હતું. સરદાર પટેલે બાળલગ્નના સામાજિક કુરિવાજનો વિરોધ કર્યો અને કહ્યું, છોકરાઓ- છોકરીઓના બાળ લગ્નનો બોજ એ પોતાના સંતાનોને મારવા સમાન છે. જો મારામાં શક્તિ હોત તો હું બાર-તેર વર્ષની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓને ફાંસી કે ગોળી મારીને સજા કરત. (પરીખ નરહરિ, સરદાર પટેલ ભાષણ-૧૯૧૮-૧૯૪૭)

સરદાર પટેલે દહેજ પ્રથાનો પણ વિરોધ કર્યો હતો. સમાજમાં પ્રચલિત બલિ પ્રથાનો પ્રબળ વિરોધ કર્યો. વિધવા પુન:લગ્નનું સમર્થન કરતા કહ્યું કે, વિધવા માટે કેટલા કઠોર નિયમ, બંધન, ક્રૂરતા તે તપસ્યા બની જાય છે. સરદાર પટેલ આંતરજ્ઞાતિય લગ્નના સમર્થનમાં કહેતા હતા. “પુખ્ત છોકરા-છોકરીઓએ તેમની ઈચ્છા મુજબ લગ્ન કરે તો માતા-પિતા કે સંબંધીઓએ તેમને અવરોધ ન કરવો જોઈએ. તેઓ પડદા-પ્રથાના વિરોધી હતા. ઉપરોક્ત સમસ્યાઓના ઉકેલ માટે તેમણે શિક્ષણને યોગ્ય માધ્યમ માનીને પુરુષો અને સ્ત્રીઓ માટે સામાજિક શિક્ષણ પર ભાર મૂક્યો હતો. (પટેલ, દિલવાર, નવેદિત ભારતના નિર્માતા સરદાર)

વર્તમાન સમયમાં ભારત એવા સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહ્યું છે જેમાં એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતા જેવી વિચારધારાઓ ગૌણ બની રહી છે અને તેની જગ્યાએ પ્રદેશવાદ, જાતિવાદ અને ધાર્મિક કટ્ટરતા જેવી વિચારધારાઓ પ્રબળ બની રહી છે.

સરદાર પટેલના આર્થિક વિચારો : આઝાદી પછી તરત જ રાજ્યોના વિલીનીકરણનું વિશાળ કાર્ય પૂર્ણ કરીને સરદાર પટેલે આર્થિક વિકાસની દિશામાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યોને જોડ્યા પછી તમારી શક્તિ અને સમયનું રોકાણ દેશના આર્થિક વિકાસને હાંસલ કરવા લગાવવું જોઈએ. આર્થિક વિકાસ અંગે સરદાર પટેલનું પોતાનું સ્પષ્ટ વિઝન હતું. સંતુલિત આર્થિક વિકાસ અને સમાન વિતરણ, મૂળભૂત જરૂરિયાતોની પરિપૂર્ણતા અને આત્મનિર્ભરતા તેમના આર્થિક વિચારોનાં લક્ષ્યો હતાં. અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આ ત્રણ નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો છે તેથી સરદારે ઉદ્યોગપતિઓ, વેપારી વર્ગ અને મજૂરોને તેમનું ઉત્પાદન વધારવા અનુરોધ કર્યો જે બધા માટે સમાન મૂળભૂત મંત્ર હતો. ‘બને તેટલું ઉત્પાદન વધારવું’ (નંદુરકર, સરદાર પટેલ બર્થ સેન્ચુરી વોલ્યુમ-૨) ૨૬ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પટનામાં નાગરિકોને આપેલા ભાષણમાં રાજકારણીઓ, મૂડીવાદીઓ, ખેડૂતો, મજૂરોએ દરેકને
વિનંતી કરી કે, તેઓ ધર્મનું પાલન કરી ઉત્પાદન વધારે અને સંકુચિત હિતોનો રાષ્ટ્રીય હિત માટે ત્યાગ કરે તો જ રાષ્ટ્ર વિકાસના પથ પર આગળ વધશે અને આત્મનિર્ભર બનવા માટે સક્ષમ બનશે.

(ભારતની એકતાનું નિર્માણ, સરદાર પટેલ ભાષણ ૧૯૪૭ થી ૧૯૫૦)

૨૦, ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ બોમ્બેમાં એક સભાને સંબોધતા સરદાર પટેલે લોકોને મહત્તમ ઉત્પાદન માટે અપીલ કરી હતી. તેમણે એવી પણ હિમાયત કરી હતી કે, સરકાર, મજૂરો અને ઉદ્યોગપતિઓએ સાથે મળીને કામ કરવું જોઈએ. સરદાર પટેલે ઔદ્યોગિક ઉત્પાદનની સાથે સાથે કૃષિ ઉત્પાદન પર ભાર મૂક્યો હતો. તેઓ હંમેશાં કૃષિ ઉત્પાદન વધારવા, કૃષિને પ્રાથમિકતા અને યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવવાના હિમાયતી હતા.

૧૧ નવેમ્બર, ૧૯૪૮ના રોજ વ્યાપારિઓ, ઉદ્યોગપતિઓ અને મજૂર, નેતાઓની એક બેઠકમાં તેમણે આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે કહ્યું “આપણા આર્થિક વિકાસની ચાવી ઉત્પાદન વધારવામાં રહેલી છે. તેમણે કહ્યું કે, ઉત્પાદન વધારવા માટે બે અભિગમ અપનાવવા જોઈએ. પ્રથમ, આપણી ઔદ્યોગિક ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને બીજું, આપણે ઔદ્યોગિક વિકાસ માટે વધુ મૂડી રોકાણની જરૂર પડશે. મૂડી રોકાણમાં વધારો થવાથી એક તરફ આપણે ઉપભોક્તાઓની માંગનો સામનો કરી શકીએ છીએ અને બીજી તરફ આપણે આયાત પર પ્રતિબંધિત પણ કરી શકીએ છીએ. (એમ.સી. ભટ્ટ, સરદાર-આઈડીયાઝ ઓન ઈકોનોમી પોલિસી)

સરદાર પટેલ ભારતની આર્થિક મુશ્કેલીઓ પ્રત્યે સભાન હતા. તેઓ હંમેશાં વિચારતા નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવી? તેમનું જીવન સુખદ કેવી રીતે બનાવવું? દેશને આત્મનિર્ભર કેવી રીતે બનાવવો? આર્થિક, પુન:નિર્માણ અને મોંઘવારી નિયંત્રણ પર વિશેષ ભાર મૂક્યો હતો. વધુ ઉત્પાદન અને ન્યાયી વિતરણ તેમની આર્થિક નીતિનો આધાર હતો. તેમના મતે સરકારી ક્ષેત્ર અને ઉદ્યોગના કામદારોએ રાષ્ટ્રના સંતુલિત વિકાસ માટે એક થઈને સક્રિય થવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button