ગોંડલટોપ ન્યૂઝ

ગોંડલમાં 2 કલાકમાં જ 4 ઇંચ જેટલો વરસાદ; રાજ્યના 58 તાલુકાઓમાં થઈ મેઘ મહેર!

અમદાવાદ: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. આજે સાંજે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 2 કલાકમાં જ ગોંડલમાં 3.46 ઇંચ જેટલો વરસાદ ખબક્યો હતો. તે સિવાય રાજકોટમાં 2.32 ઇંચ, લુણાવાડામાં 1.38 ઇંચ અને છોટા ઉદેપુરના કવાંટમાં 1.34 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગોંડલમાં બે કલાકમાં જ ચાર ઇંચ જેટલો વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાતે આઠ વાગ્યા સુધીમાં રાજ્યનાં 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લામાં નોંધાયો હતો. રાજકોટના ગોંડલમાં સાંજના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 3.46 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજકોટમાં 2.32 ઇંચ, લુણાવાડામાં 1.38 ઇંચ, કવાંટમાં 1.34 ઇંચ, કલોલ 1.3 ઇંચ, જાંબુઘોડામાં 1.26 ઇંચ, ધંધુકા અને જેતપુરમાં 1.18 ઇંચ, મુળી અને બોટાદમાં 1.14 ઇંચ, નેત્રંગમાં 1.1 ઇંચ અને લોધિકામાં 1.02 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

12 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ
આજે રાતે આઠ વાગ્યા સુધીમાં રાજ્યનાં 12 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યનાં 13 તાલુકાઓમાં અડધાથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. આજે રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મોસમનો પહેલો ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

દાહોદમાં વીજળી પડતાં બાપ-દીકરાના કરૂણ મોત
બપોર બાદ દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. આ દરમિયાન મુવાલિયા ગામે વીજળી પડતાં બાપ-દીકરાના કરૂણ મોત થયા હતા. 30 વર્ષીય સંજયભાઈ અને તેમનો 7 વર્ષનો પુત્ર આયુષ ઘરની બહાર બેઠા હતા ત્યારે વીજળી તેમના પર પડી હતી. બાપ-દીકરાના મોતથી પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. ઉપરાંત શહેરના દેસાઈવાડામાં વૃક્ષ ધરાશાયી થયું હતું.

રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ અને સુરત તેમજ અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button