ચૉકર્સ’ છેક 9722 દિવસે બન્યા વિનર્સ’
સાઉથ આફ્રિકાએ બે ક્વૉર્ટર ફાઇનલ, બાર સેમિ ફાઇનલ અને એક ફાઇનલ બાદ મેળવ્યું ટેસ્ટના વર્લ્ડ કપનું ચૅમ્પિયનપદ

લૉર્ડ્સઃ ટેમ્બા બવુમાના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાએ ઓપનર એઇડન માર્કરમની ઐતિહાસિક બૅટિંગના જોરે શનિવારે ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સમાં ઑસ્ટ્રેલિયાને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પાંચ વિકેટે હરાવીને જે અપ્રતિમ સિદ્ધિ મેળવી એ માટે તેમના દેશે 9,722 દિવસ સુધી રાહ જોવી પડી હતી.
સાઉથ આફ્રિકા 1998માં (27 વર્ષ પૂર્વે) આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું. એ ચૅમ્પિયનપદથી માંડીને શનિવારના ડબ્લ્યૂટીસી ટાઇટલ વચ્ચે 9,722 દિવસ વીતી ગયા અને છેવટે સાઉથ આફ્રિકા માટે બવુમા ઇલેવનના પર્ફોર્મન્સ સાથે સોનાનો સૂરજ ઊગ્યો.

1998ની વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી (જે આઇસીની નૉકઆઉટ સ્પર્ધા તથા વિલ્સ ઇન્ટરનૅશનલ કપ તરીકે પણ ઓળખાતી હતી)ની ઢાકા ખાતેની ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ હન્સી ક્રૉન્યેના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટ હરાવ્યું હતું. ત્યારે બ્રાયન લારા કૅરિબિયન ટીમનો સુકાની હતો. સાઉથ આફ્રિકાની ટીમમાં ડેરિલ કલિનન, માર્ક બાઉચર, જૅક કૅલિસ, જૉન્ટી રહોડ્સ, નિકી બૉયે, પૅટ સિમકૉક્સ અને સ્ટીવ એલવર્ધી જેવા જાણીતા ખેલાડીઓ હતા.

એ જીત બાદ સાઉથ આફ્રિકાએ કુલ બે ક્વૉર્ટર ફાઇનલ, 12 સેમિ ફાઇનલ અને એક ફાઇનલ (ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં)માં પરાજય જોયા બાદ છેવટે ટેસ્ટના વર્લ્ડ કપની ટ્રોફી (ગદા) જીતી લીધી અને એ સાથે સાઉથ આફ્રિકાના માથેથી ચૉકર્સ’ની (CHOKER’S) છાપ ભૂંસાઈ ગઈ અને હવે તેઓવિનર્સ’ તરીકે ઓળખાશે. ગઈ કાલે લોર્ડ્સમાં જીત્યા પછી ટેમ્બા બવુમા, માર્કરમ અને કેશવ મહારાજ તેમની પત્ની સાથે હાજર હતા.

સાઉથ આફ્રિકાના આઘાતમય પરાજયો
(1) 1992 વર્લ્ડ કપઃ ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ સાત બૉલમાં બાવીસ રન કરવાના બાકી હતા. બ્રાયન મૅકમિલન અને ડેવિડ રિચર્ડસન ક્રીઝમાં હતા. વરસાદ પડવાનો શરૂ થયો અને છેવટે સમીકરણ બન્યું જેમાં તેમણે એક બૉલમાં બાવીસ રન કરવાના આવ્યા હતા. જોકે સુધારેલા લક્ષ્યાંક વિશે માહિતીની આપ-લેમાં થયેલી ગેરસમજ જવાબદાર હતી.
(2) 1999 વર્લ્ડ કપઃ ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ ડેમિયન ફ્લેમિંગની અંતિમ ઓવરમાં જીતવા માત્ર નવ રન કરવાના હતા. લાન્સ ક્લુઝનરના પ્રયાસથી સમીકરણ એવું બન્યું જેમાં ચાર બૉલમાં એક રન બાકી હતો. જોકે બે ડૉટ બૉલ બાદ સિંગલ દોડવાના પ્રયાસમાં અંતિમ બૅટ્સમૅન ઍલન ડોનાલ્ડ રનઆઉટ થઈ ગયો હતો. મૅચ ટાઇ થઈ અને સુપર સિક્સમાં સાઉથ આફ્રિકા સામે વિજય મેળવ્યો હોવાથી ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી ગયું હતું જેમાં એણે પાકિસ્તાનને હરાવ્યું હતું.
(3) 2015 વર્લ્ડ કપઃ ન્યૂ ઝીલૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ 281 રન કર્યા હતા. વરસાદને કારણે મૅચ 43-43 ઓવરની થઈ ગઈ. કિવીઓએ છેલ્લી ત્રણ ઓવરમાં 30 રન કરવાના હતા. જોકે કિવી પ્લેયર ગ્રાન્ટ ઇલિયટે ડેલ સ્ટેનના અંતિમ બૉલમાં સિક્સર ફટકારીને સાઉથ આફ્રિકાની આશા પર પાણી ફેરવી દીધું હતું.
(4) 2024 ટી-20 વર્લ્ડ કપઃ ભારત સામેની ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ 29 બૉલમાં 26 રન કરવાના હતા. છ વિકેટ પડવાની બાકી હતી. ક્લાસેન અને મિલર ક્રીઝમા ંહતા. જોકે હાર્દિકે પહેલાં ક્લાસેનને પૅવિલિયનમાં મોકલ્યો અને છેલ્લી ઓવરમાં હાર્દિકના બૉલ પર સૂર્યકુમાર યાદવે બાઉન્ડરી લાઇનની આરપાર જઈને ડેવિડ મિલરનો અફલાતૂન કૅચ પકડ્યો હતો. એ થ્રિલરમાં સાઉથ આફ્રિકા સાત રનથી હારી ગયું હતું.