ઉત્સવ

મમ ગુરુ: કૂપે પતિત: ધાવન્તુ લોકા:

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

શાસ્ત્ર અને ધર્મ સંબંધી અનેક વ્યાખ્યાઓ કે આજ્ઞાઓ હોય એ ખરું, પણ દેશ, કાળ કે પરિસ્થિતિ અનુસાર વર્તન કરવાનો અપવાદ એમાં સામેલ જ હોય છે. જેવો દેશ એવો વેશ ભજવવાનું વ્યવહારુ જ્ઞાન ગાંઠે બાંધેલું હોવું જ જોઈએ. માત્ર કહેલું કે ચીંધ્યું કામ કરનારા લોકોની કારણ વગરની ચોકસાઈ ક્યારેક મોટી મુશ્કેલીમાં મૂકી દે છે. એક પ્રસંગ કથા પરથી આ વાત સુપેરે સમજાય છે. ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા આવેલો શિષ્ય હોશિયારીથી સંસ્કૃત ભાષા સારી રીતે શીખી વિદ્વતા પ્રાપ્ત કરી લીધી. અસલના વખતમાં ગુરુ બોધ આપતા કે બોલચાલની ભાષાનો વ્યવહાર ગિરવાણ ભાષામાં (ગીર્વાણ ભાષા એટલે સંસ્કૃત ભાષા) રાખવો કારણ કે એ દેવવાણી છે. પ્રાકૃત ભાષા તો નિષેધ છે, કારણ કે એમાં યાવની ભાષા (અપભ્રષ્ટ ભાષા)ની ભેળસેળ હોય છે. યાવની ભાષા તો કંઠે પ્રાણ આવ્યો હોય તો પણ બોલવી નહીં. બ્રાહ્મણના દીકરાએ કાયમ સંસ્કૃત ભાષા જ વાપરવી એવું ઠસાવી દેવામાં આવ્યું હતું. શિષ્યએ ગુરુની આજ્ઞા માથે ચડાવી લખવા ઉપરાંત બોલચાલમાં પણ સંસ્કૃતનો જ ઉપયોગ કરવા લાગ્યો. ગુરુ સિવાય અન્ય લોકો સાથે ભાગ્યે જ કામ પડતું એટલે પ્રાકૃત ભાષાની જરૂર જ નહોતી પડતી.

કોઈ કારણસર ગુરુને બહારગામ જવાનું થયું ત્યારે શિષ્યને સાથે લીધો. રસ્તામાં તરસ લાગી એટલે કૂવો દેખાતા પાણીની તપાસ કરવા જતા ગુરુ કૂવામાં પડી ગયા. આ જોઈ શિષ્ય ગભરાઈ ગયો અને સંસ્કૃત ભાષામાં બૂમ પાડવા લાગ્યો કે ‘મમ ગુરુ: કૂપે પતિત: ધાવન્તુ લોકા:’ એની બૂમ ખેતરમાં કામ કરતા લોકોએ સાંભળી, પણ અર્થ સમજાય નહીં તો શું કામ મદદ માટે દોડી આવે? શિષ્ય તો ‘પ્રાકૃત ભાષા બોલવાની નહીં’ એવી ગુરુ આજ્ઞાનું આંધળું અનુકરણ કરી રહ્યો હતો. ગુરુ જોકે, તરવાની થોડી આવડતને કારણે ડૂબી ન ગયા અને પાણીની સપાટી ઉપર મોં રાખી શક્યા. શિષ્ય મદદ માટે સંસ્કૃત ભાષામાં બૂમ પાડી રહ્યો હોવાનું તેમણે સાંભળ્યું. એમને ખ્યાલ આવી ગયો કે એ ભાષા સમજાશે જ નહીં તો લોકો મદદ કરવા ક્યાંથી આવશે? એટલે તરત શિષ્યને બૂમ પાડી કહ્યું કે યાવત સમય: તાવત્ વિધિ (સમય અનુસાર ચાલવું કે વર્તવું). ગુરુની સૂચના શિષ્ય તરત સમજી ગયો અને પ્રાકૃતમાં બૂમ મારી કે ‘મારા ગુરુ કૂવામાં પડી ગયા છે તો લોકો દોડતા આવો.’ આ બૂમ સંભળાતા અને સમજાતા ખેડૂતો દોડતા આવ્યા અને તરત ગુરુને બહાર કાઢ્યા. ભણતર જરૂરી છે, પણ ગણતર પણ હોવું જોઈએ જે મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે.

CAN – COULD
અંગ્રેજી ભાષામાં સરખો અર્થ ધરાવતા શબ્દો (Beautiful – Attractive) SYNONYM તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં એવા પણ શબ્દો છે જે સ્પેલિંગમાં સહેજ જુદા પડે છે અને અર્થમાં પણ સૂક્ષ્મ તફાવત ધરાવે છે. જેમ કે CAN and COULD. Both can’ and could’ refer to a possibility’, ability’ or capacity’. આ બંને શબ્દો સંભાવના, આવડત અથવા ક્ષમતા જેવા અર્થ ધરાવે છે. જોકે, અર્થનો એક મુખ્ય તફાવત એ છે કે કોઈ બાબત કે ઘટનાની તીવ્ર સંભાવના – શક્યતા હોય ત્યારે CAN વપરાય છે. A scorpion’s sting can cause intense pain and other unpleasant side effects.વીંછીના ડંખથી ખૂબ બળતરા – પીડા થઈ શકે છે અને ખરાબ આડઅસરની સંભાવના પણ રહેલી છે. શક્યતા કે સંભાવના જ્યારે પાતળી કે નજીવી હોય ત્યારે COULD વપરાય છે. It is 7 PM so my brother could be at home. સાંજના સાત વાગવા આવ્યા છે, મારો ભાઈ ઘરે હોવો જોઈએ.
બીજું ઉદાહરણ છે Wages and Salary. Salary and wages are both used to refer to the money paid to someone regularly for the work they do.. આ બંને શબ્દો કોઈ વ્યક્તિને તેના નિયમિત કામ માટે ચુકવાતા આર્થિક વળતર માટે વપરાય છે. અલબત્ત બંનેના અર્થ વચ્ચે એક નજીવો ફરક છે. નોકરિયાત વર્ગને દર મહિને ચૂકવાતી રકમ (પગાર) અંગ્રેજીમાં SALARY તરીકે ઓળખાય છે. My salary is paid into my bank account at the end of the month. મારો પગાર દર મહિને બૅન્કના ખાતામાં જમા થઈ જાય છે. કામના વળતર તરીકે દરરોજ કે દર અઠવાડિયે ચૂકવાતી રકમ WAGES (મહેનતાણું) તરીકે ઓળખાય છે.His wages are barely enough to feed a family of five. એને જે મહેનતાણું મળે છે એમાં પાંચ જણના પરિવારનો નિર્વાહ કરવો આસાન નથી.
ત્રીજું ઉદાહરણ છે DIFFERENCE and DIFFERENT. Both the words have arrived from the verb To Differ જેનો અર્થ થાય છે જુદું કે ભિન્ન હોવું કે પડવું. The only difference between

DIFFERENCE and DIFFERENT is in its usage in English grammar. Difference is the noun, whereas Different is an adjective. ડિફરન્સ શબ્દનો મુખ્ય અર્થ ફરક – તફાવત છે.Do you think he will notice a difference between the original and the copy? મૂળ અને નકલ વચ્ચેનો ફરક – તફાવત એ ઓળખી જશે ખરો? The difference was remarkable વાક્યમાં ફરક બહુ વધારે હતો એવો અર્થ છે. Different can be defined as not the same as another or each other. ડિફરન્ટ એટલે જુદી જુદી જાતનું કે શૈલીનું, એકમેકથી ભિન્ન પડે એવું. Manufacturing of an electric car is different from that of a petrol / diesel car. You look different today. I have a different opinion.

भरमानेवाले शब्द

ગજબનાક સામ્યને કારણે ભ્રમ પેદા કરી ચોંકાવી દેનારા શબ્દ સમૂહની મજેદાર યાત્રા આગળ વધારીએ. પહેલું યુગ્મ છે ओर – और. ઓર એટલે તરફ, બાજુ. खींचे मुझे कोई डोर तेरी ओर, तेरी ओर तेरी ओर

ગીત તમે જરૂર સાંભળ્યું હશે. ઔર એટલે અને, બીજું, વધારે. हम और तुम, तुम और हम खुश है यूं आज मिल के. બીજું ઉદાહરણ છે ओहदा – हौदा. ઓહદા એટલે હોદ્દો જ્યારે હૌદા એટલે હાથીની અંબાડી. હવે શબ્દોનું કનેક્શન જુઓ. ओहदा हो तो हौदा पर बैठने का मौका मिल ही जाता है. હોદ્દો મોટો હોય તો અંબાડી પર બેસવાની તક મળી જાય. હવેની જોડીમાં માત્ર એક અક્ષરનો જ ફરક છે પણ એક રીતે અર્થ જમીન આસમાનનું અંતર છે, પણ સૂક્ષ્મ સ્વરૂપે એમાં નિકટતા જોવા મળે છે. कंकाल – कंगाल જોડીમાં માત્ર ક અને ગનો તફાવત છે, પણ કંકાલ એટલે હાડપિંજર જ્યારે કંગાલ એટલે ગરીબ. જોકે, દારુણ ગરીબીથી શરીર હાડપિંજર થઈ જાય ખરું. कड़ाई – कड़ाही યુગ્મમાં ફરક માત્ર અંત્ય અક્ષરનો છે, પણ અર્થમાં સમૂળગો ફેરફાર છે. કડાઈ એટલે કડકાઈ કે સખ્તાઈ અને કડાહી એટલે કઢાઈ. આ વાતનો સંબંધ એ રીતે જોઈ શકાય કે કઢાઈનું તળિયું કડકાઈભર્યું – જાડું હોય તો એ કામ સારું આપે. ભાષાના કેવા કેવા ખેલ હોય છે. कतरन – कतरनी જોડી તો સગ્ગી બહેન જેવી છે. કતરન એટલે કાતરથી કાપવાને કારણે પડેલો ટુકડો – કટકો કે હિસ્સો. ગુજરાતીમાં કતરણ – કાપલાં કહેવાય છે એ જ. કતરની એટલે કાતર. કાતરથી વેતરવાથી જ કતરણ બનતી હોય છે ને. कलई – कलाई યુગ્મમાં ફરક માત્ર એક કાનાનો છે પણ અર્થનો ફરક જોજનો દૂર છે. કલઈ એટલે ખટાશ ધરાવતા પદાર્થને કારણે તાંબા – પિત્તળના વાસણો કટાઈ ન જાય એ માટે વાસણ પર લગાડવામાં આવતી ધાતુ જ્યારે કલાઈ એટલે કાંડું. ધર્મેન્દ્રની ફિલ્મનું ગીત છે ને बेहना ने भाई की कलाई से प्यार बांधा है.

अर्थपूर्ण म्हणी

ભાષાની દુનિયામાં લાવણ્ય અને માધુર્ય હોવાની સાથે સાથે બોધ પણ હોય છે. ક્યારેક એ વ્યંગ – કટાક્ષ મારફત તો ક્યારેક સરળ જબાનમાં વ્યક્ત થાય છે. આજે મરાઠી ભાષાના એ પ્રકારના કેટલાક ઉદાહરણ જાણીએ અને માણીએ. ओझे उचलू तर म्हणे बाजीराव कोठे? કોઈ જવાબદારી સોંપવામાં આવી હોય કે કોઈ કામ કરવા માટે કહેવામાં આવ્યું હોય એ કરવાનું બાજુએ મૂકી વિનાકારણ પૂછપરછ કરવામાં આવે ત્યારે આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. तुला ओझे उचलू नको म्हणून सांगितले होते तर बाजीराव कोठे काय विचारतोस? તને વજન ઊંચકવાની ના પાડી હતી અને તું નકામા સવાલો કેમ કરી રહ્યો છે? બીજી કહેવત જોઈએ. शेंडी तुटो की पारंबी तुटो કહેવતમાં શેંડી એટલે ચોટલી અને પારંબી એટલે વડવાઈ. ચોટલી અને વડવાઈ બે અંતિમ છેડાના સ્વરૂપ છે અને બંનેમાંથી કોઈ પણ તૂટી જાય તો પણ એટલે કે ગમે તે પરિસ્થિતિ ઊભી થાય તો પણ કામ પૂરું થવું જ જોઈએ એવો ભાવ એમાં છે. पुलाचे बांधकाम वेळेत पूर्ण करण्यासाठी कंत्राटदाराने शेंडी तुटो की पारंबी तुटो चे धोरण अवलंबले. પુલનું કામ કોઈપણ ભોગે સમયસર પૂરું કરવાનો કોન્ટ્રેક્ટરે નિર્ધાર કર્યો હતો. હવે જે કહેવતની વાત આવે છે એનો ભાવાર્થ જાણ્યા પછી તેને સમકક્ષ જાણીતી અન્ય કહેવત જરૂર યાદ આવી જશે. करुन करुन भागला, देवध्यानी लागला કહેવતનો ભાવાર્થ છે અનેક ખરાબ – અનિષ્ટ કામ કર્યા પછી ધર્મમાં – ઈશ્વર ભક્તિમાં ધ્યાન પરોવવું. યાદ આવી ગઈ ને ‘સૌ ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી’ કહેવત. केळी खाता हरखले, हिशेब देता चरकले કહેવતનો શબ્દાર્થ અને ભાવાર્થ લગભગ સરખા છે. કોઈ વસ્તુ – બાબતનો લાભ લેવામાં આનંદ આવે પણ એના પૈસા ચૂકવતી વખતે મોં બગડી જાય એવી વાત છે. અંતિમ મરાઠી કહેવત છે काना मागुन आली आणि तिखट झाली  જેનો ભાવાર્થ છે ઉત્તમની હાજરીમાં વામણાની બોલબાલા થવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button