સ્પોર્ટસ

સ્ટીવ સ્મિથની ટચલી આંગળી તૂટતાં બવુમાનો કૅચ છૂટ્યો ત્યારે જ ઑસ્ટ્રેલિયાના હાથમાંથી ટાઇટલ છીનવાઈ ગયું હતું

લૉર્ડ્સઃ અહીં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં શુક્રવારના ત્રીજા દિવસે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટીવ સ્મિથની જમણા હાથની ટચલી આંગળીમાં ફ્રૅક્ચર થતાં તે ફાઇનલની બહાર થઈ ગયો હતો. જોકે તેની આ ઈજા ઑસ્ટ્રેલિયાને ખૂબ ભારે પડી. તેનાથી કૅચ છૂટી ગયો અને સાઉથ આફ્રિકાને ઐતિહાસિક લાભ મળી ગયો.

સાઉથ આફ્રિકનો કૅપ્ટન ટેમ્બા બવુમા (TEMBA BAVUMA) માત્ર બે રન પર હતો એ સમયે પ્રથમ સ્લિપમાં સ્મિથ તેનો કૅચ પકડવા ગયો ત્યારે બૉલ તેને ટચલી આંગળી પર વાગ્યો હતો અને ગંભીર ઈજા થઈ હતી. શુક્રવારે ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે બવુમા 65 રને રમી રહ્યો હતો અને સાઉથ આફ્રિકાએ જીતવા માટે ફક્ત 69 રન કરવાના બાકી હતા. બવુમા અને ઓપનર એઇડન માર્કરમ વચ્ચે ત્રીજી વિકેટ માટે 143 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. શનિવારના ચોથા દિવસે એ પાર્ટનરશિપ 147 રન સુધી લંબાઈ હતી અને ત્યારે બવુમાએ વિકેટ ગુમાવી હતી. જોકે માર્કરમે (136 રન, 383 મિનિટ, 207 બૉલ, 14 ફોર) બાજી સંભાળી લીધી અને જૉશ હૅઝલવૂડના બૉલમાં વિકેટ ગુમાવતાં પહેલાં ટીમને વિજયના દ્વાર સુધી પહોંચાડી દીધી હતી. આઠમી સદી ફટકારનાર માર્કરમનો ટ્રૅવિસ હેડે અફલાતૂન ડાઇવિંગ કૅચ ઝીલ્યો હતો.

આ પણ વાંચો: સાઉથ આફ્રિકાએ રચ્યો ઇતિહાસ, ટેસ્ટમાં બન્યું ચૅમ્પિયનઃ `ચૉકર્સ’ની દાયકાઓ જૂની છાપ ભૂંસી નાખી

સદનસીબે શનિવારે સાઉથ આફ્રિકાનો ધબડકો ન થયો અને બાકીના 69 રન હેમખેમ પૂરા થઈ ગયા અને સાઉથ આફ્રિકાના ક્રિકેટ ઇતિહાસમાં આ બહુ જ મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી.

સ્મિથથી છૂટેલો બવુમાનો કૅચ ઑસ્ટ્રેલિયાને મોંઘો પડ્યો અને એ જીવતદાને સાઉથ આફ્રિકાને પહેલી વાર મોટી આઇસીસી ટ્રોફી અપાવી દીધી.

ટેમ્બા બાવુમાનો કેચ છોડ્યા બાદ પીડામાં સ્ટીવ સ્મિથ

બવુમાનો બે રને કૅચ છૂટ્યો ત્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર બે વિકેટે 76 રન હતો અને ત્યાર પછી બવુમા અને માર્કરમ દિવસની રમતના અંત સુધીમાં ટીમના સ્કોરને 213/2 સુધી લઈ ગયા હતા અને 217 રનના સ્કોર પર બવુમાની વિકેટ પડી હતી.

આ પણ વાંચો: એમસીસીએ કહ્યું, બાઉન્ડરી લાઇન નજીકના આ પ્રકારના કૅચ હવે કાયદેસર નહીં ગણાય

શુક્રવારે સ્મિથ સામાન્ય રીતે પ્રથમ સ્લિપમાં સ્ટમ્પ્સથી જેટલો દૂર ઊભો રહેતો હોય છે એટલો દૂર નહોતો. તે સ્ટમ્પ્સની નજીકમાં હતો. તેણે હેલ્મેટ પણ પહેરી હતી. બવુમાથી તે થોડો જ દૂર હતો અને મિચલ સ્ટાર્કે કલાકે 138 કિલોમીટરની ઝડપે શૉર્ટ બૉલ ફેંક્યો જેમાં બવુમાના બૅટની કટ લાગ્યા બાદ બૉલ સ્મિથ તરફ આવ્યો હતો જે ખભા જેટલો ઊંચો કૅચ ઝીલવામાં ઝડપી નહોતો. તે બૉલ ઝીલવામાં નિષ્ફળ ગયો હતો અને એ તેને આંગળી પર વાગ્યો હતો. ફિઝિયોથેરપિસ્ટ અને ડૉક્ટર મેદાન પર આવે એ પહેલાં જ સ્મિથ આંગળીમાં ખૂબ દુખાવો થવાને કારણે ઝડપથી ચાલવા લાગ્યો હતો.

સ્મિથને તાત્કાલિક એક્સ-રે માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સ્મિથ હવે કેટલા દિવસ નહીં રમી શકે એ તો સ્પષ્ટ નહોતું થયું, પરંતુ ડબ્લ્યૂટીસીની વર્તમાન ફાઇનલ બાદ વેસ્ટ ઇન્ડિઝમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમવા તે શરૂઆતથી કદાચ નહીં જઈ શકે. ઑસ્ટ્રેલિયાની વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ-સિરીઝ પચીસમી જૂને શરૂ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button