મુંબઈ મેટ્રોપોલિટન રિજન બનશે વૈશ્વિક શિક્ષણ કેન્દ્ર પાંચ વિદેશી યુનિવર્સિટીઓને એલઓઈ આપવામાં આવ્યા છે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજનને વૈશ્વિક શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભારવા માટે નવી મુંબઈમાં 250 એકરના પ્લોટ પર પાંચ વિદેશી યુનિવર્સિટીઓ કેમ્પસ સ્થાપશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું.
દિવસ દરમિયાન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) તરફથી લેટર્સ ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઈ) ઇટાલીની ઇસ્ટિટ્યુટો યુરોપિયો ડી ડિઝાઇન (આઈઈડી), યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, યુનિવર્સિટી ઓફ યોર્ક, યુનિવર્સિટી ઓફ એબરડીન અને યુએસએના ઇલિનોઇસ ટેકને કેમ્પસ સ્થાપવા માટે સોંપવામાં આવ્યા હતા.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સાથે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે વિદેશી યુનિવર્સિટીઓ સાથે સહયોગ કરવાની વાત 2004થી ચાલી રહી હતી પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)2020 ને કારણે આ શક્ય બન્યું છે.
‘નવી મુંબઈને એજ્યુસિટીમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે. વિશ્ર્વ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવા માટે દસ યુનિવર્સિટીઓ 250 એકર વિસ્તારમાં કેમ્પસ સ્થાપશે. વૈશ્વિક શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે સુલભતા અને પોષણક્ષમતા મુખ્ય સમસ્યાઓ છે. વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસ આપણા બાળકોને 25 ટકા ખર્ચે વૈશ્વિક શિક્ષણ મેળવવામાં મદદ કરશે,’ એમ તેમણે કહ્યું હતું.
‘ભારત જેવી વિકસતી અર્થવ્યવસ્થાને વૈશ્વિક સ્તરના કાર્યબળની જરૂર છે. અહીં વિદેશી કેમ્પસ સ્થાપવાનો નિર્ણય આ ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને વિદેશી હૂંડિયામણ પણ બચાવશે. મુંબઈ અને તેનો મહાનગર પ્રદેશ વૈશ્વિક શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી આવશે,’ એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે દેશમાં નવ વિદેશી યુનિવર્સિટીઓ કેમ્પસ સ્થાપી રહી છે, જ્યારે છ વધુ પાઇપલાઇનમાં છે.
‘અમે ગુણવત્તાયુક્ત વિદેશી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ,’ એમ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું.
ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે ગઢચિરોલીમાં ગોંડવાના યુનિવર્સિટીએ યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સાથે જોડાણ કર્યું છે, જે ખાણકામમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે અમારું ખાણકામનું કેન્દ્ર ગઢચિરોલી છે.
આ પણ વાંચો: મનસે-સેના (યુબીટી) ગઠબંધનની ચર્ચા વચ્ચે રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત
એનઈપી 2020ની પ્રશંસા કરતા ફડણવીસે કહ્યું હતું કે તે દેશની યુનિવર્સિટીઓને વૈશ્વિક સંસ્થાઓ સાથે જોડાણ કરવામાં અને વિદેશમાં પણ કેમ્પસ ખોલવામાં મદદ કરી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી દિલ્હી, સિમ્બાયોસિસ વગેરેએ આફ્રિકા, અબુ ધાબી, દુબઈમાં કેમ્પસ સ્થાપ્યા છે.