થાણેમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: નરાધમને 20 વર્ષની કેદ

થાણે: 2022માં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવા બદલ થાણે જિલ્લાની કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ ફટકારી હતી.
વિશેષ કોર્ટના જજ ડી.એ. દેશમુખે શુક્રવારે આરોપી અનવર બાબુ શેખને ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની કલમો હેઠળ દોષી ઠેરવ્યો હતો અને તેને સજા ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
આ પણ વાંચો: સગીરા સાથે દુષ્કર્મના કેસનો આરોપી કલ્યાણ કોર્ટ બહારથી ફરાર
વિશેષ સરકારી વકીલ સંધ્યા એચ. મ્હાત્રેએ કોર્ટને જણાવ્યું હતું કે 6 એપ્રિલ, 2022ના રોજ છ વર્ષની બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે પડોશમાં રહેતો આરોપી તેની પાસે આવ્યો હતો અને તેને પોતાના ઘરે લઇ ગયો હતો, જ્યાં બાળકી સાથે તેણે દુષ્કર્મ આચર્યું હતું.
આરોપીને દોષી ઠેરવતી વખતે કોર્ટે તબીબી અહેવાલો, પીડિતા અને પડોશીઓ સહિત ફરિયાદ પક્ષના અન્ય સાક્ષીદારો પર આધાર રાખ્યો હતો. (પીટીઆઇ)