ઉત્સવ

વહેલો તે પહેલોનાં ધોરણે માર્કેટ લીડર બનો

બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી

જો તમને પૂછવામાં આવે કે ચંદ્ર પર પહેલો પગ કોણે મૂક્યો હતો તો બધાની પાસે જવાબ હશે અને જો એમ પૂછવામાં આવે કે બીજો પગ તો? આ નિયમ બધે લાગુ પડે છે, પ્રથમને બધા યાદ કરે છે પછી તે સ્કૂલમાં પ્રથમ આવતો વિદ્યાર્થી હોય કે પછી એવરેસ્ટ પર્વત સર કરવા વાળી વ્યક્તિ હોય. આ વાત વેપારમાં પણ લાગુ પડે છે પણ આજે વાત પ્રથમ આવવા કરતા પ્રથમ રહેવામાં, પ્રથમ કહેવામાં અને કહેવડાવવાની કરવી છે. બ્રાન્ડ માટે કે વેપારમાં પણ પ્રથમને ઘણું મહત્ત્વ છે જેને અંગ્રેજીમાં આપણે “ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ કહીએ છીએ. ફર્સ્ટ મૂવરમાં જે ચીજ માર્કેટમાં નથી તેને પહેલીવાર લાવવી અને લોકો સમક્ષ મૂકવી. આમ એક અંશે તે યુનિક છે કે નવું કૈંક આપવું છે પણ પહેલી વખત આવ્યું છે તેને કિંમત છે, કારણ ઉપર જણાવ્યા મુજબ તે લોકોને યાદ રહી જાય છે. અમુક ઉદાહરણો જેણે પહેલી વખત પ્રોડક્ટ કે સર્વિસ પ્રસ્થાપિત કરી ધરમૂળથી ઇંડસ્ટ્રીના સમીકરણો બદલી નાખ્યા. એટીએમ મશીન, ઓનલાઇન શોપિંગ, ઓન કોલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, કુરિયર સર્વિસ.

તો શું આનો અર્થ તે થયો કે જે માર્કેટમાં પહેલો પ્રવેશે તે હંમેશાં બાજી મારી જાય? આનો જવાબ હા અને ના બંનેમાં હોઈ શકે. સફળતાનો માપદંડ ફક્ત પહેલા લોન્ચ કરવામાં નથી, લોન્ચ કર્યા બાદ તમે શું કરો છો તેના પર આધારિત છે. મારી પાસે યુનિક કોન્સેપ્ટ છે અને કારણકે તે યુનિક છે, આજ સુધી કોઈએ વિચાર્યું નથી તો તે સફળ થશે જ તેમ વિચારવું ભૂલ ભરેલું હશે. હા, એમ કહી શકાય કે તેની સફળતાની શક્યતા વધુ છે જો તેને વ્યવસ્થિત વ્યુહરચના સાથે લોન્ચ કરવામાં આવે. બ્રાન્ડ અને માર્કેટિંગ આમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો બીજો પ્રશ્ર્ન આવે કે શું ફોલોઅર બ્રાન્ડ જે પાછળથી તે જ કેટેગરીમાં આવે તે ક્યારેય સફળ થશે જ નહીં? એક સર્વે અનુસાર નવા કોન્સેપ્ટ સાથે આવનાર ફર્સ્ટ મૂવર કંપનીની નિષ્ફળતાની ટકાવારી ફોલોઅર બ્રાન્ડની નિષ્ફળતા કરતા ઘણી મોટી હોય છે. આનું કારણ ફોલોઅર બ્રાન્ડ હંમેશાં વધુ તૈયારી સાથે અને ફર્સ્ટ મૂવરના અનુભવે શીખી પોતાની બ્રાન્ડ લોન્ચ કરશે. ઉદાહરણ તરીકે, યાહૂ સર્ચ પહેલા આવ્યું પણ વધુ પ્રચલિત ગૂગલ થયું.

તો પ્રશ્ર્ન થાય કે શું મારે ફર્સ્ટ મૂવર બનવું જ નહીં? જો બધા આમ વિચારવા લાગે તો ઇનોવેશન માર્કેટમાં આવે જ નહીં, પણ ઉપર જણાવ્યા અનુસાર ફક્ત ફર્સ્ટ મૂવર બની લોન્ચ કરી બેસી જવાથી નહીં ચાલે. મોટા ભાગે ટેક્નોલોજીમાં આપણને ફર્સ્ટ મૂવર વધુ જોવા મળશે પછી તે પ્યોર પ્લે ટેક્નોલોજી હોય કે કોઈ પ્રોડક્ટમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી માર્કેટમાં લાવવાની વાત હોય. ઉદા. તરીકે, બેટરીથી ચાલતાં વાહનો, ઍંટી બેક્ટેરિયલ પેઇન્ટ, અઈં, ઈયર પ્લગ વગેરે. આથી ફર્સ્ટ મૂવર માર્કેટમાં તમે બનો ત્યારે નીચેની વાતોનું ખાસ ધ્યાન રાખો. ફક્ત તમારી પ્રોડક્ટને માર્કેટમાં લાવી થોભી ના જાવ. તમારી પાસે મૂલ્યવાન પ્રોડક્ટ છે તેને બીજી લાગતી વળગતી વાતોનો સહારો આપો જેથી ફોલોઅર બ્રાન્ડ તેની નજીક ના આવી શકે અથવા તમારી નજીક આવતા તેને સમય લાગે અને ત્યાં સુધી તમે તમારું માર્કેટ કેપ્ચર કરી શકો.

સૌપ્રથમ, પ્રોડક્ટ નહીં પણ બ્રાન્ડ લોન્ચ કરો. પ્રોડક્ટ ફક્ત કોમોડિટી તરીકે આવશે જ્યારે બ્રાન્ડ પોતાના વિવિધ પાસાઓ સાથે આવશે. ફક્ત યુનિકનેસ નહીં પણ તેનું નામ અને કેવી રીતે ઓળખાશે તેનો વિચાર લોકો સમક્ષ મુકો. કારણ જો પ્રોડક્ટ લોકોને યાદ રહેશે તો બીજી કોઈ કંપનીનું પ્રોડક્ટ પણ વેચાઈ શકે છે જ્યારે બ્રાન્ડ લોન્ચ થશે તો તે જ બ્રાન્ડ લોકો વર્ષો સુધી માગશે, વાપરશે અને તેઓના મગજમાં સ્થિર કરશે. ફોલોઅર બ્રાન્ડ માટે આ કરવું અઘરું હશે.

બીજુ, તમે માર્કેટ સેન્ટિમેંટને સમજી, માર્કેટમાં પ્રોડક્ટની સ્વીકાર્યતાનો અભ્યાસ કરી જે પણ સુધારા વધારાની જરૂર છે તેનો અમલ તરત કરો. તમારી ભૂલમાંથી શીખી સુધારો અને ક્ધઝ્યુમરને વિશ્ર્વાસ આપો કે તમે ખામીઓને દૂર કરી છે. જ્યારે તમારો પ્રતિસ્પર્ધી ફોલોઅર તમારા જેવું પ્રોડક્ટ બનાવવાનું વિચારતો હશે અને તમારા થકી શીખવા માગતો હશે ત્યારે તમે સુધારા સાથે ફરી માર્કેટમાં રમતા થઈ જશો.

ત્રીજું, ટાર્ગેટ ઑડિયેન્સ અને સેગમેન્ટ બંનેને નિશ્ર્ચિત કરો. શરૂઆતમાં આ ઘણું જરૂરી છે કારણ કોણ તમારા પ્રોડક્ટને કેવી રીતે અપનાવશે એ ખબર નથી. જ્યારે તમે એક ચોક્કસ સેગમેન્ટને કેપ્ચર કરશો ત્યારે તે તમારો લાંબા ગાળાનો ઘરાક બની જશે. ફોલોઅર બ્રાન્ડ પણ આજ સેગમેન્ટને ટાર્ગેટ કરશે, પણ તમે આ સેગમેન્ટમાં પ્રસ્થાપિત થઈ ગયા છો તેથી નુકસાન ઓછું થશે. આ ઉપરાંત જ્યારે ફોલોઅર બ્રાન્ડ આ સેગમેન્ટને ટાર્ગેટ કરશે, તમે નવી સેગમેન્ટમાં પગ પેસારો કરી તેમને તમારા બનાવવાની શરૂઆત કરી દો.

ચોથું, તમારુ પ્રાઈઝિંગ શરૂઆતમાં ફ્લેક્સિબલ રાખો. કેટેગરી અને પ્રોડક્ટ જો નવા હશે તો ક્ધઝ્યુમર કયા પ્રાઈઝ પોઈન્ટ પર સ્થિર થશે કહેવું મુશ્કેલ છે. તેથી પ્રાઈઝિંગ પર કામ કરો. હું યુનિક છું તેથી મનફાવે તેટલો પ્રોફિટ માર્જિન ચાર્જ કરી શકું આ વિચાર કદાચ ન પણ ચાલે. ફોલોઅર બ્રાન્ડને મોકો નહીં આપો કે તે તમને પ્રાઈઝિંગમાં માત આપે. જો તમારુ પ્રાઈઝિંગ વધુ પ્રોફિટ માર્જિન સાથે હાઇ હશે તો પ્રતિસ્પર્ધી તેનો ફાયદો જરૂરથી ઉપાડશે.

પાંચમું અને અતિ મહત્ત્વનું, બ્રાન્ડ લોન્ચ કરી થોભી ન જાવ. તે પ્રોડક્ટ્માં નવું શું આપી શકો તેનો વિચાર કરો. બ્રાન્ડ એક્સટેન્શન પોસીબલ છે? પ્રોડક્ટ્માં નવું ઇનોવેશન કે વધારો જરૂરી છે જે ક્ધઝ્યુમરને આકર્ષે અને ક્ધઝ્યુમર સાથે તમારો સંબંધ વધુ દૃઢ કરે. ઉદા. તરીકે ગૂગલ ફક્ત સર્ચ ઍંજિન બનાવીને બેસી ના ગયું, તેમણે ગૂગલ મેપ્સ, ઈમેલ, ગૂગલ ટ્રાન્સલેટ, ગૂગલ પેમેંટ વગેરે લોન્ચ કરી ક્ધઝ્યુમરના જીવનના બધા જ પાસાઓને આવરી લીધા. આજે બ્રાન્ડ ગૂગલને ભૂલવી મુશ્કેલ નહીં પણ નામુમકિન છે.

અંગ્રેજીમાં કહેવત છે કે “અર્લી બર્ડ્સ ગેટ્સ ધ વોર્મસ જે પક્ષીઓ જલ્દી ઉઠે છે તેઓને પોતાનો ખોરાક મળે જ છે. એટલું યાદ રાખો કે, જ્યારે ફોલોઅર તમારામાંથી શીખશે ત્યારે તમે સ્વાનુભવે આગળ વધતા હશો. ફોલોઅર બ્રાન્ડ કે પછી સેકેંડ મૂવરને જરૂરથી સફળ થવાના ચાન્સ વધુ છે કારણ તે તમે કરેલી ભૂલો નહીં કરે, તૈયાર માર્કેટ તેમના માટે હશે, ક્ધઝ્યુમરનો અભ્યાસ છે, પણ તે ત્યારે જ સફળ થશે જ્યારે તમે તેને સફળ થવાનો મોકો આપશો.

કહેવાનું તાત્પર્ય આટલું જ છે કે, ફર્સ્ટ મૂવરને સફળ થવા માટે આસમાન છે, પણ ફક્ત પ્રોડક્ટ લોન્ચ કરી નહીં ચાલે. વ્યવસ્થિત બ્રાન્ડ અને ગો ટૂ માર્કેટની વ્યૂહરચના જરૂરી છે, ઉપરના મુદ્દાઓને સમજવા જરૂરી છે. આથી શરત એટલી જ છે કે વહેલો તે પહેલોનાં ધોરણે બજારમાં પ્રસ્થાપિત થાવ અને સાથે માર્કેટ લીડર તરીકે પણ ઓળખાવ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button