સ્પેશિયલ ફિચર્સ

1000 ડિગ્રી તાપમાનમાં પણ કઈ રીતે સુરક્ષિત રહ્યું બ્લેક બોક્સ? શું છે આ પાછળનું કારણ…

એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જઈ રહેલી એઆઈ171 ફ્લાઈટ ગુરુવારે ટેક ઓફ કર્યાના મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ અને ફ્લાઈટમાં સવારે 242માંથી 241 લોકોના મૃત્યુ થયા હતા. આ ફ્લાઈટનું બ્લેક બોક્સ શુક્રવારે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની ટેરેસ પરથી મળી આવ્યું હતું. આ બ્લેક બોક્સની મદદથી જ ફ્લાઈટમાં છેલ્લી ઘડીએ શું થયું એ રહસ્ય પરથી પડદો ઉંચકાશે, પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આટલા ગમખ્વાર અકસ્માતમાં પણ આ બ્લેકબોક્સને કેમ કંઈ ના થયું, 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ આ બ્લેકબોક્સ જેમનું તેમ રહ્યું? ચાલો તમારા આ સવાલનો જવાબ જાણવાનો પ્રયાસ કરીએ…

બ્લોક બોક્સ એટલે શું?

બ્લેક બોક્સ આટલા ગોઝારા અકસ્માતમાં પણ જેમનું તેમ મળી આવ્યું એ પાછળના કારણ વિશે વાત કરીએ એ પહેલાં જાણીએ કે આ બ્લેક બોક્સ આખરે છે શું? બ્લેક બોક્સમાં બે મહત્ત્વના ગેજેટ્સ હોય છે જેમાંથી એક એટલે ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને બીજું એટલે કે કોકપીટ વોઈસ રેકોર્ડર. રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા મંડળની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર ફ્લાઈટ ડેટા રેકોર્ડની મદદથી ફ્લાઈટની સ્પીડ, હાઈટ, એન્જિનની કાર્યપ્રણાલી, ઓટો પાઈલટ મોડ જેવી ટેક્નિકલ ડિટેઈલ્સ મળે છે. જ્યારે કોકપિટ વોઈસ રેકોર્ડરથી પાઈલક અને કો-પાઈવટની વાતચીત, અલાર્મ્સ અને કોકપિટના અવાજનું વિશ્લેષણ કરવામાં આવે છે.

વિમાનમાં બ્લેક બોક્સ ક્યાં મૂકવામાં આવે છે?

બ્લેક બોક્સ વિમાનમાં ક્યાં મૂકવામાં આવે છે એની વાત કરીએ તો તે વિમાનના પાછળના હિસ્સામાં રાખવામાં આવે છે, જેને કારણે દુર્ઘટનામાં પણ આ બ્લેક બોક્સ સુરક્ષિત રહેવાની શક્યતા સૌથી વધુ હોય છે. આ સિવાય બ્લેક બોક્સ મોટો વિસ્ફોટ, આગ અને પાણીનું દબાણ સહન કરી શકે એ રીતે બનાવવામાં આવે છે. ટાઈટેનિયમ કે સ્ટેનલેસ સ્ટીલ જેવા મજબૂત ધાતુમાંથી આ બ્લેક બોક્સ બનાવવામાં આવે છે.

બ્લેક બોક્સ કેવા રંગનું હોય છે?

જો તમે નામ પરથી એવું વિચારી રહ્યા હોવ કે આ બ્લોક બોક્સ એ કાળા રંગનું હશે તો બોસ તમારી આ ધારણા સદંતર ખોટી છે. બ્લેક બોક્સ પીળા કે નારંગી રંગનું હોય છે જેથી એક્સિડન્ટ બાદ સરળતાથી તેને શોધી શકાય.

1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ બ્લેક બોક્સ સુરક્ષિત?

અગાઉ કહ્યું એમ બ્લેક બોક્સ ખૂબ જ મજબૂત હોય છે અને તે કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહે છે. બ્લેક બોક્સ 1100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ જેમનું તેમ એક કલાક સુધી રહી શકે છે. મેઘાણી નગર ખાતે થયેલી આ દુર્ઘટના સમયે તાપમામ 1000 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી હતું. આ સિવાય બ્લેક બોક્સ વોટરપ્રૂફ હોય છે એટલે પાણીમાં પણ તેને કોઈ નુકસાન પહોંચતું નથી. સમુદ્રમાં 6000 મીટરની ઉંડાણમાં તે 30 દિવસ સુધી કામ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button