ગુજરાતના પાટણમાંથી વધુ ત્રણ બાંગ્લાદેશી મહિલાની ધરપકડ…

પાટણઃ જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતભરમાં પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લા એસઓજી શાખાએ ગેરકાયદેસર રીતે ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટરની ટીમે આ કાર્યવાહી કરી હતી.
મહિલાઓ પાસે પાસપોર્ટ કે કાયદેસરના વિઝા નથી
આ પકડાયેલી મહિલાઓમાં તસ્કુરાનાખાતુન (ઉ.વ.31), પોલીબેગમ (ઉ.વ.40) અને સામસુન્નાહાર (ઉ.વ.35)નો સમાવેશ થાય છે. આ ત્રણેય મહિલાઓ પાસે પાસપોર્ટ કે કાયદેસરના વિઝા નથી. મળતી માહિતી મુજબ તસ્કુરાનાખાતુન જાન્યુઆરી 2024માં સુનાબેરી બોર્ડર થઈને ભારતમાં પ્રવેશી હતી. પોલીબેગમ પાંચ વર્ષ પહેલા બેનાફુલ બોર્ડર થઈને આવી હતી. તે અમદાવાદના વટવામાં રહેતી હતી અને છેલ્લા એક વર્ષથી સુરતમાં રહી રહી હતી. સામસુન્નાહાર 10મી માર્ચ 2024ના રોજ બેનાફુલ બોર્ડર થઈને ભારતમાં આવી હતી અને અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી હતી.
વિદેશી નાગરિકો વિરુદ્ધની ઝુંબેશનો ભાગ
ત્રણેય મહિલાઓ હાવડા થઈને અમદાવાદ આવી હતી અને મજૂરી માટે પાટણ આવી હતી. પોલીસે તેમની સામે ફોરેનર્સ એક્ટ, 1946 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી રાજ્ય સરકારની ગેરકાયદેસર વિદેશી નાગરિકો વિરુદ્ધની ઝુંબેશનો ભાગ છે.
આ પૂર્વે પણ પાટણથી બે બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત
અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ પાટણમાં બે બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં 32 વર્ષીય સુલતાના (ઉ.વ.32) અને બ્યુટી બેગમ (ઉ.વ.37) તરીકે ઓળખ થઇ હતી. આ મહિલાઓ 2022 માં ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશી હતી અને પોતાની મૂળ ઓળખ છૂપાવીને પાટણ શહેરમાં સ્થાયી થઈ હતી. આ બંને પાટણમાં એક હોટલમાં નોકરી કરતી હતી. જેમાંથી સુલતાનાએ ગેરકાયદે રોકાણ દરમિયાન રાજ્યમાં બે વખત લગ્ન પણ કર્યા છે.