દિવાળી ટાણે જ ત્રીજા વિશ્ર્વ યુદ્ધના ધડાકા ભડાકા
કવર સ્ટોરી -વિજય વ્યાસ
ભારતમાં દિવાળી નજીક આવી ગઈ છે અને ફટાકડાની મોસમ શરૂ થઈ ગઈ છે. અતિ ઉત્સાહી લોકો તો અત્યારથી ફટાકડા ફોડવામાં પડી જ ગયા છે. આપણે ત્યાં શરદ પૂનમ પતે એ સાથે જ રાસ-ગરબાની સીઝન પૂરી થઈ જતી હોય છે ને લોકો વહેલી આવજો આવતી નવરાત્રિ કરીને દિવાળીની તૈયારીમાં લાગી જતા હોય છે. દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે તેથી લોકો ધામધૂમથી તેની ઉજવણી કરે છે પણ લોકોને અસલી મજા ફટાકડા ફોડવામાં આવે છે. ધાર્મિક મહાત્મ્ય સાથે જોડાયેલી પૂજા કે સામાજિક સૌજન્યના ભાગરૂપે લોકોને મળવું ને એ બધું લોકો કરે છે પણ દિવાળીનો અસલી આનંદ ફટાકડા ફોડવામાં છે.
ભારતમાં લોકો આ અસલી આનંદ માણવાની તૈયારીમાં લાગેલાં છે ત્યાં વૈશ્ર્વિક સ્તરે દિવાળી ટાણે જુદા જ ધડાકા-ભડાકા થાય એવાં એંધાણ છે. આપણે દિવાળીમાં ફટાકડા ફોડીને નકલી ધડાકા-ભડાકા કરીને ઉજવીશું ત્યારે આખી દુનિયામાં દિવાળી ‘હમાસ’ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધનો વ્યાપ વધે ને અસલી ધડાકા-ભડાકા વચ્ચે તો નહીં ઉજવવી પડે ને એવો ફફડાટ છે.
‘હમાસ’ના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયલમા હુમલા ને તેના જવાબમાં ઈઝરાયલે કરેલી કાર્યવાહીના કારણે ‘હમાસ’ અને ઈઝરાયલ વચ્ચે જંગ જામ્યો છે. ‘હમાસ’ અને ઈઝરાયલ વચ્ચેના આ જંગમાં બીજા વૈશ્ર્વિક ખેલાડીઓ પણ ભાર રસ દાખવી રહ્યા છે એ જોતાં આ જંગ ત્રીજા વિશ્ર્વ યુદ્ધમાં તો નહીં પરિણમે ને એવો ડર લોકોને સતાવી રહ્યો છે.
આ ડર સાવ અકારણ પણ નથી.
હમાસના આતંકીઓના હુમલા પછી ઈઝરાયલે વળતો જવાબ આપીને બેફામ બોમ્બમારો કરીને હમાસનું શાસન છે એ ગાઝા સ્ટ્રીપની ઈમારતોને ખંડેર બનાવી દીધી છે. હવે ઈઝરાયલે ગાઝા સ્ટ્રીપમાં લશ્કર ઉતારીને ‘હમાસ’નો સંપૂર્ણ સફાયો કરવાનું અભિયાન આદર્યું છે. સ્ટેટ ઓફ પેલેસ્ટાઈનના બીજા ભાગ એટલે કે વેસ્ટ બેંકમાં ઈઝરાયલ સાથે સમાધાન કરનારા યાસર અરાફતના ફતહનું શાસન છે પણ વેસ્ટ બેંકમાં પણ હમાસના આતંકી તો છે જ. મોકાનો લાભ લઈને તેમણે પણ ઈઝરાયલ સામે મોરચો માંડી દીધો છે તેથી ઈઝરાયલે વેસ્ટ બેંકમાં પણ સફાઈ અભિયાન શરૂ કરવું પડ્યું છે.
‘હમાસ’ પણ કમ નથી.
હમાસ ઈઝરાયલનો મુકાબલો કરવા માટે ગાઝા સ્ટ્રીપમાં પહેલેથી લશ્કરી સંરજામનો ખડકલો કરીને બેઠું જ હતું તેથી ઈઝરાયલના ધાર્યા કરતાં જંગ વધારે ખેંચાઈ રહ્યો છે. લેબેનોન અને યમન હમાસની મદદે આવ્યાં છે. લેબેનોન અને યમને પણ ઈઝરાયલ પર આક્રમણ શરૂ કરતાં ઈઝરાયલે લેબેનોન અને યમન સામે પણ મોરચો ખોલવો પડ્યો છે.
ઈરાને તો તમામ મુસ્લિમ રાષ્ટ્રોને હમાસની મદદે આવવા હાકલ કરી હતી. બીજા મુસ્લિમ દેશોએ બહુ ઉત્સાહ ના બતાવ્યો પણ ઈરાન પોતે જંગમાં કૂદ્યું છે તેથી ઈઝરાયલે ઈરાન પર પણ હુમલા શરૂ કર્યા છે. ઈરાન વિશ્વના સૌથી મોટા શિયા મુસ્લિમોના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને પોષે છે. હિઝબુલ્લાહે પણ હમાસના સમર્થનમાં ઈઝરાયલ પર હુમલા શરૂ કરતાં ઈઝરાયલે હિઝબુલ્લાહના કમાન્ડરોને પણ શોધી શોધીને સાફ કરવા માંડ્યા છે.
ઈરાને સીરિયા અને લેબેનોનમાં પોતાનું લશ્કર મોકલેલું છે. ઈરાનના પાલતુ હિઝબુલ્લાના આતંકવાદીઓ લેબેનોન અને સીરિયામાંથી ઉત્તર ઈઝરાયલમાં આક્રમણ કરી રહ્યા છે. યમનમાં આંતરિક વિગ્રહ ચાલે છે ને તેમાંથી હુથી બળવાખોરો હમાસની મદદે આવ્યા છે. હુથી બળવાખોરો પણ ઈઝરાયલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કરી રહ્યા છે. ઈઝરાયલ સામાન્ય રીતે બધાંને પહોંચી વળે છે પણ આ વખતે અચાનક ચોતરફથી શરૂ થયેલા હુમલાઓને કારણે ઈઝરાયલ થોડું બઘવાયું છે.
ઈઝરાયલને તૈયારી માટે પૂરતો સમય મળ્યો નથી તેથી ઈઝરાયલ જબરદસ્ત આક્રમકતા નથી બતાવી રહ્યું પણ અમેરિકા તથા તેના સાથી દેશો ઈઝરાયલને પડખે આવી ગયા છે, યમનના હુથી કટ્ટરવાદીઓના હુમલાને અમેરિકન નેવીએ ખાળ્યો છે. ઈઝરાયલ સામે બીજું કોઈ અટકચાળું થાય તો તેને રોકવા માટે ઈઝરાયલની મદદ માટે અમેરિકાએ ભૂમધ્ય સાગરમાં બે વોર શિપ પણ ફરતાં કરી દીધાં છે.
અમેરિકાએ ઈઝરાયલને મદદ કરી એ નવી વાત નથી પણ અમેરિકા પહેલી વાર યુદ્ધમાં સીધું સામેલ થયું એ નવી વાત છે. યુક્રેન વિરુદ્ધ રશિયાના યુધ્ધમાં અમેરિકા યુક્રેનને તન,મન, ધનથી મદદ કરી રહ્યું છે પણ પોતે સીધી કઈ લશ્કરી કાર્યવાહી નથી કરી રહ્યું. ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં અમેરિકા સીધું મેદાનમાં આવ્યું છે એ મોટી વાત છે.
અમેરિકાએ રાજદ્વારી રીતે પણ ઈઝરાયલ ફરતે સુરક્ષા કવચ બનાવ્યું છે. યુનાઈટેડ નેશન્સ સીક્યુરિટી કાઉન્સિલમાં ઈઝરાયલને ગાઝા સ્ટ્રીપમાં લશ્કરી કાર્યવાહી કરતું રોકવા માટેના બ્રાઝિલના ઠરાવ સામે વીટો વાપર્યો છે. અમેરિકાએ ખુલ્લેઆમ ઈઝરાયલની લશ્કરી કાર્યવાહીનું સમર્થન કર્યું છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેન પોતે ઈઝરાયલ ગયા ઈઝરાયલને અમેરિકા તેમની સાથે હોવાનો અહેસાસ કરાવ્યો. અમેરિકાના ખાસ સાથી યુનાઈટેડ કિંગડમ (યુકે)ના વડા પ્રધાન ઋષિ સુનકે પણ ઈઝરાયલ જઈને ઈઝરાયલને સંપૂર્ણ ટેકો આપ્યો છે.
અમેરિકા યુદ્ધમાં સામેલ થતાં બીજા દેશો પણ સક્રિય થઈ ગયા છે. રશિયા અને ચીન જેવા દેશો પણ ખાંડાં ખખડાવવા માંડ્યા છે. રશિયાએ કાળા સમુદ્ર એટલે કે બ્લેક સીમાં મિસાઈલોથી સજજ ફાઈટર વિમાન તહેનાત કરી દીધાં છે. ઈરાન અને રશિયા અત્યારે સાથે છે તેથી રશિયા ઈરાનના કહેવાથી હમાસને શસ્ત્રો આપી રહ્યું છે. ચીને પણ પોતાનાં છ વોર શિપ રવાના કર્યાં છે કે જેથી પ્રસાદ વહેચાતો હોય ત્યારે પોતે રહી ના જાય.
મુસ્લિમ રાષ્ટ્રો તો ક્યારનાંય ઈઝરાયલ સામે ભિડાઈ જવાની વાતો કરી જ રહ્યાં છે. દુનિયાના ૫૭ મુસ્લિમ દેશોના બનેલા સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (ઓઆઈસી)એ ઈઝરાયલને ગાઝા સ્ટ્રીપમાં હુમલા રોકવા અલ્ટિમેટમ આપ્યું છે. મુસ્લિમોમાં શિયા અન સુન્ની વચ્ચે બાપે માર્યાં વેર છે પણ અત્યારે શિયા-સુન્ની બધા એક થઈ ગયા છે. હમાસ સુન્નીઓનું સંગઠન છે જ્યારે હિજબુલ્લાહ શિયાઓનું સંગઠન છે પણ ઈઝરાયલ સામે લડવા માટે બંને એક થઈ ગયાં છે.
ઈરાન દુનિયામાં સૌથી મોટો શિયા મુસ્લિમોનો દેશ છે. સામાન્ય સંજોગોમાં ઈરાન અને બીજા મુસ્લિમ દેશો સામસામે હોય છે પણ આ વખતે સાથે છે. ઈરાને તો મુસ્લિમ રાષ્ટ્રોને એક થઈને ઈઝરાયલ પર આક્રમણ કરવા પણ હાકલ કરી છે. સાઉદી અરેબિયા અને યુએઈ જેવા અતિ ધનિક મુસ્લિમ દેશો સમજદારી અને સંયમ બતાવીને મુસ્લિમ
રાષ્ટ્રોને સીધા જંગમાં સામેલ થતાં રોકી રહ્યાં છે તેથી મોટા ભાગના મુસ્લિમ દેશો રાજદ્વારી સ્તરે જ ઈઝરાયલ સામે લડી રહ્યા છે પણ ભવિષ્યમાં સીધા યુદ્ધમાં સામેલ પણ થાય. તેના કારણે જ ત્રીજા વિશ્ર્વ યુદ્ધની વાતો ચાલી રહી છે. સાઉદી અરેબિયા અને યુએઈના ઘોર વિરોધી આરબ દેશ કતારને દુનિયામાં મુસ્લિમોના આગેવાન તરીકે સ્થાપિત થવાની ચળ ક્યારનીય ઉપડેલી છે. સાઉદી ઈઝરાયલ સાથેના સંબધો સુધારવામાં લાગેલું છે તેથી એ યુદ્ધની તરફેણ કદી નહીં કરે. આ તકનો લાભ લઈને કતાર મુસ્લિમ રાષ્ટ્રોને ઈઝરાયલ સામે ભિડાવી દે એવી પૂરી શક્યતા છે.
વૈશ્ર્વિક બાબતોના કેટલાક નિષ્ણાતોના મતે ત્રીજું વિશ્ર્વ યુદ્ધ શરૂ જ થઈ ગયું છે. દુનિયા બે છાવણીમાં વહેંચાઈ જ ગઈ છે. કોલ્ડ વોરના સમયમાં પણ દુનિયા બે છાવણીમાં તો વહેંચાયેલી પણ અત્યારે સ્થિતિ જુદી છે. અત્યારે વિચારધારાની રીતે નહીં પણ આર્થિક હિતોના આધારે બે છાવણી પડી છે. તેના કારણે ત્રીજું વિશ્ર્વયુદ્ધ માણસોને મારવા કે તબાહી સર્જવા નહીં લડાય પણ દુશ્મનને આર્થિક રીતે તબાહ કરી નાંખવા લડાશે.
આ વિશ્ર્લેષકોનો મત છે કે, હવે પછીનું વિશ્વ યુધ્ધ પહેલાં બે વિશ્વ યુધ્ધની જેમ દુનિયાના દેશોનાં લશ્કર એકબીજા સામે આવીને લડે એ પ્રકારનાં નહીં હોય કેમ કે અત્યારે સૈનિક તાકાત બહુ મહત્ત્વની નથી. હવે પહેલાંની જેમ લશ્કરના જોરે પ્રદેશોને જીતી શકાતા નથી કે તેમના પર રાજ કરી શકાતું નથી. આ કારણે યુદ્ધની પેટર્ન બદલાઈ છે કે જેમાં દુશ્મનને આર્થિક રીતે ખતમ કરી નાંખવો વધારે જરૂરી છે.
અમેરિકા, ચીન, રશિયા વગેરે અત્યારે એ જ કરી રહ્યા છે. આર્થિક યુદ્ધમાં પણ લશ્કરી કાર્યવાહી તો થાય જ પણ એ આપણને વિશ્ર્વયુદ્ધની જે કલ્પના છે એટલા મોટા પ્રમાણમાં ના થાય. ભારત, સાઉદી અરેબિયા, યુએઈ સહિતના દેશો આ ચાલને સમજે છે તેથી તેનાથી દૂર છે પણ પાંચ-સાત દેશો દૂર રહે તેનાથી કશું નહીં થાય. દુનિયાના મોટા ભાગના દેશો આ યુદ્ધમાં સામેલ થઈ જ ગયા છે તેથી ત્રીજું વિશ્ર્વયુદ્ધ શરૂ થઈ ગયું છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.