ડબ્લ્યૂટીસી ફાઇનલઃ સાઉથ આફ્રિકાને 282 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો
મૅચમાં રબાડાની કુલ નવ વિકેટ, સ્ટાર્ક-હૅઝલવૂડની 59 રનની ભાગીદારીએ ઑસ્ટ્રેલિયાની આબરૂ સાચવી

લૉર્ડ્સઃ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં શુક્રવારના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાનો બીજો દાવ 207 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો અને સરસાઈ સાથે પૅટ કમિન્સની ટીમના 281 રન થતાં સાઉથ આફ્રિકાને જીતવા માટે 282 રનનો પડકારરૂપ લક્ષ્યાંક (TARGET) મળ્યો હતો.
ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)ના ઑલરાન્ડર મિચલ સ્ટાર્કે 190 મિનિટ સુધી ટેમ્બા બવુમાની ટીમના બોલર્સનો સામનો કર્યો હતો અને પાંચ ફોરની મદદથી 136 બૉલમાં 58 રન કર્યા હતા અને અણનમ રહ્યો હતો. જોકે સામા છેડે વિકેટ પડતી રહી અને છેવટે 65મી ઓવરના છેલ્લા બૉલમાં જૉશ હૅઝલવૂડ (101 મિનિટમાં 53 બૉલની મદદથી 17 રન)ની વિકેટ પડી હતી અને આ લૉ-સ્કોરિંગ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમની લડતનો અંત આવ્યો હતો. સ્ટાર્ક-હૅઝલવૂડ વચ્ચે 135 બૉલમાં 59 રનની લડાયક ભાગીદારી થઈ હતી.
આ પણ વાંચો – ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં અને ભારતની પ્રૅક્ટિસ-મૅચ પહેલાં વિમાન હોનારતના મૃતકોને અંજલિ
સાઉથ આફ્રિકા (SOUTH AFRICA) વતી પેસ બોલર કૅગિસો રબાડાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. પ્રથમ દાવની પાંચ વિકેટ સહિત આખી મૅચમાં તેણે નવ વિકેટ લઈને સાઉથ આફ્રિકાને જીતવાનો માર્ગ બતાવ્યો હતો. બીજા પેસ બોલર લુન્ગી ઍન્ગિડીએ બીજા દાવમાં ત્રણ તેમ જ એઇડન માર્કરમ, માર્કો યેનસેન અને વિઆન મુલ્ડરને એક-એક વિકેટ મળી હતી. હૅઝલવૂડની છેલ્લી વિકેટ માર્કરમે લીધી હતી.
પ્રથમ દાવમાં ઑસ્ટ્રેલિયાના 212 રન અને સાઉથ આફ્રિકાના 138 રન હતા. કાંગારૂઓએ પહેલા દાવમાં 74 રનની સરસાઈ લીધી હતી.