
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનાના એક દિવસ બાદ ગુજરાત એટીએસ (ATS) ને આજે વિમાનના કાટમાળમાંથી ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) અને બ્લેક બોક્સ મળી આવ્યા છે. આ બંને ઉપકરણો કોઈ પણ વિમાન દુર્ઘટનાના કારણો શોધવામાં અત્યંત મહત્વપૂર્ણ પુરાવા ગણાય છે અને તેમની પ્રાપ્તિથી તપાસમાં મોટી પ્રગતિ થવાની સંભાવના છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એર ઇન્ડિયાનું ‘બોઇંગ 787 ડ્રીમલાઇનર’ વિમાન AI-171, જેમાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા, તે લંડનના ગેટવિક એરપોર્ટ જવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા બાદ તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને નજીકના રહેણાંક વિસ્તારમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં કુલ 265થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં 169 ભારતીય, 53 બ્રિટીશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક તેમ જ 12 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે.
દુર્ઘટનાના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા
પ્રવાસીઓને લઈને ઊડેલું વિમાન થોડી વારમાં જ કાટમાળ બની ગયું હતું અને વિમાનનો હિસ્સો મેઘાણીનગર સ્થિત બી.જે. મેડિકલ કોલેજના UG હોસ્ટેલ મેસ પર પડ્યો હતો, જેના કારણે ઇમારતને ભારે નુકસાન થયું હતું અને તેમાં હાજર 24 મેડિકલ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હોવાની પણ વિગતો છે. આ ઉપરાંત, ઘણા મેડિકલ અને નર્સિંગ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઘટનાસ્થળે હાજર ગુજરાત ATSના એક અધિકારીએ જણાવ્યું કે, “આ એક DVR છે, જે અમે કાટમાળમાંથી શોધી કાઢ્યું છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ ટૂંક સમયમાં અહીં આવશે અને આ ડિવાઇસની તપાસ કરશે, જે દુર્ઘટના તરફ દોરી જતી ઘટનાઓના ક્રમ વિશે મહત્વપૂર્ણ કડીઓ આપી શકે છે.”
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
બ્લેક બોક્સ અને DVR વચ્ચે શું છે તફાવત?
અત્રે એ નોંધવું જરૂરી છે કે DVR અને બ્લેક બોક્સ બંને ડેટા રેકોર્ડ કરવાનું કામ કરે છે, પરંતુ તેમની કાર્યપદ્ધતિ અને રેકોર્ડ કરવામાં આવતા ડેટામાં તફાવત છે. DVR (ડિજિટલ વિડીયો રેકોર્ડર) સામાન્ય રીતે સુરક્ષા કેમેરાથી ફ્લાઇટના વીડિયો રેકોર્ડ કરે છે. તે મોટેભાગે સર્વેલન્સ હેતુઓ માટે વીડિયો ફૂટેજ રેકોર્ડ કરે છે અને રેકોર્ડ કરાયેલ વીડિયો ડેટા સામાન્ય રીતે હાર્ડ ડ્રાઈવ અથવા ક્લાઉડ સ્ટોરેજ પર સંગ્રહિત થાય છે. DVR મુખ્યત્વે વિઝ્યુઅલ ડેટા રેકોર્ડ કરે છે.
બીજી તરફ, બ્લેક બોક્સમાં વિમાનની સ્પીડ, ઊંચાઈ, એન્જિનનો થ્રસ્ટ વગેરે જેવા ફ્લાઇટ ડેટા અને કોકપિટ ઓડિયો રેકોર્ડ થાય છે. બ્લેક બોક્સમાં વિશિષ્ટ રેકોર્ડરનો ઉપયોગ થાય છે જે ભયાનક દુર્ઘટનાની સ્થિતિમાં પણ નુકસાન ન થાય તે રીતે ડિઝાઇન કરાયેલા હોય છે.