મુલુંડમાં અત્યાર સુધી માંડ ૬૮ ટકા કચરા પર પ્રક્રિયા થઈ છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર પડેલા કચરાના ઢગલા પર પ્રક્રિયા કરીને કચરાનો નિકાલ કરીને આ જમીન પુન:પ્રાપ્ત કરવામાં આવવાની છે. અહીં ઑક્ટોબર ૨૦૧૯થી સાયન્ટીફીકલી પદ્ધતિએ કચરા પર પ્રક્રિયા કરવા માટે બાયો-માયનિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આટલા વર્ષો બાદ પણ અત્યાર સુધી ૭૦ લાખ ટન કચરામાંથી માત્ર ૬૮.૭૭ ટકા કચરા પર જ કૉન્ટ્રેકટર પ્રકિયા કરી શક્યો છે ત્યારે ગુરુવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ડમ્પિંગ ગ્રાઉન્ડની મુલાકાત લઈને કામ ઝડપથી પૂરા કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં બાયો-માયનિંગ પ્રોજેક્ટ હેઠળ કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવા માટે જૂન, ૨૦૨૫ સુધીની સમયમર્યાદા કૉન્ટ્રેક્ટરને લંબાવી આપવામાં આવી હતી. છતાં નોંધપાત્ર કામ બાકી હોવાથી પાલિકાએ હવે નાછૂટકે કૉન્ટ્રેક્ટરનો કૉન્ટ્રેક્ટ લંબાવવાની નોબત આવી છે. કૉન્ટ્રેક્ટની મુદત લંબાવવાની સાથે જ તેને હવે પાલિકા દંડ પણ ફટકારવાની છે. અહીં રહેલા ૭૦ લાખ ટન કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવાનો છે. ઑક્ટોબર, ૨૦૧૯થી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, છતાં હજી સુધી માત્ર ૬૮.૭૭ ટકા કચરા પર પ્રક્રિયા થઈ શકી છે.

મુુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરવા માટે અગાઉ ઑક્ટોબર, ૨૦૨૪ની મુદત હતી, પણ તેમાં કોરોના મહામારી કારણે નિર્માણ થયેલા પડકારોને કારણે પાલિકાએ તે સમયે કૉન્ટ્રેક્ટરને મુદત લંબાવી આપી હતી અને તે ઝડપથી કામ કરે તે માટે આકરા પગલા પણ લીધા હતા. છતાં હજી લગભગ ૩૧ ટકા કચરા પર પ્રક્રિયા કરવાની બાકી છે. કોરોના મહામારી દરમ્યાન મુદત લંબાવી આપી છતાં કૉન્ટ્રેક્ટર મુદતમાં કામ પૂરું કરી શકયો નહોતો. તેથી તેને નવ કરોડ રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા પૂરી થયા બાદ તેને ઑક્ટોબર ૨૦૧૮માં બંધ કરી દેવામાં આવ્યું હતું અને પછી ત્યાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કચરા પર પ્રક્રિયા કરીને કચરાનો નિકાલ કરવાનો હતો. જોકે આ પ્રોજેક્ટમાં અનેક અડચણો આવી હતી, જેમાં કોરોના મહામારીને પગલે લાગેલા લોકડાઉનને કારણે જરૂરી મંજૂરીઓ મેળવવામાં વિલંબ ગયો હતો. તેને કારણે વાસ્તવમાં કામ છેક ૨૦૨૧ની સાલથી ચાલુ કરવામાં આવ્યું હતું.
કૉન્ટ્રેક્ટરને વાર્ષિક ૧૧થી ૧૨ લાખ ટન કચરા પર પ્રક્રિયા કરવાની હતી, જે કામ હજી સુધી પૂરું થઈ શકયું નથી. મુંબઈમાં દરરોજ ૬,૩૦૦ મેટ્રિન ટન કચરો નીકળે છેે, તેમાંથી ૫,૫૦૦ મેટ્રિક ટન કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં અને ૧૦ ટકા કચરો દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં મોકલવામાં આવે છે. મુલુંડ એક સમયે દેવનાર પછી મુંબઈનું બીજા નંબરનું સૌથી મોટું ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું, જે લગભગ ૨૪ હેકટરમાં ફેલાયેલું હતું અને ૧૯૬૮થી કાર્યરત હતું.
આ પણ વાંચો…વિકાસ પ્રકલ્પોના ખર્ચને પહોંચી વળવા સુધરાઈ હવે પ્લોટ લીઝ પર આપશે