ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં બીજા દિવસે પણ 14 વિકેટ પડી: ટેસ્ટનો મુકાબલો ટી-20 જેવો બન્યો
ઑસ્ટ્રેલિયાના લીડ સહિત 218 રન, બે વિકેટ બાકી: આજકાલમાં જ પરિણામ આવી શકે

લંડનઃ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (FINAL)માં બુધવારના પ્રથમ દિવસે 14 વિકેટ પડ્યા બાદ ગુરુવારે બીજા દિવસે પણ વિકેટો પડવાનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો અને ફરી 14 વિકેટ પડી હતી. ફાઇનલની પહેલા બે દિવસની રમતના છ સત્ર દરમ્યાન કુલ મળીને 28 વિકેટ પડી જે ડબલ્યૂટીસીના ઇતિહાસમાં વિક્રમ છે.
ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)એ ટેસ્ટના આ વર્લ્ડ કપની ફાઈનલના પ્રથમ દાવમાં 74 રનની સરસાઈ (74 run Lead) લીધા બાદ બીજા દાવમાં બીજા દાવમાં 73 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી અને બીજા દિવસની રમતને અંતે એનો સ્કોર 8 વિકેટે 144 રન હતો. સરસાઈ સહિત ઑસ્ટ્રેલિયાના 218 રન હતા. ટી-20ના સ્કોર્સ જેવી આ લૉ-સ્કોરિંગ ફાઈનલ ટેસ્ટનું આજકાલમાં પરિણામ આવવાની પાક્કી સંભાવના છે.
ઑસ્ટ્રેલિયાને ડબલ્યૂટીસીનું ટાઈટલ જાળવી રાખવાનો અને સાઉથ આફ્રિકાને પહેલી વખત આઇસીસીની મોટી ટૂર્નામેન્ટ જીતીને ‘ ચોકર્સ’ની છાપ દૂર કરવાની સુવર્ણ તક છે.
ગુરુવારે વિકેટકીપર ઍલેક્સ કૅરીએ લડત આપીને 43 રનના પોતાના સ્કોરે વિકેટ ગુમાવી હતી. મિચલ સ્ટાર્ક 16 રને અને નેથન લાયન એક રને રમી રહ્યા હતા.
સાઉથ આફ્રિકા (SOUTH AFRCA)ના પેસ બોલર કૅગિસો રબાડાએ પહેલા દાવમાં પાંચ વિકેટ લીધા બાદ બીજા દાવમાં ત્રણ વિકેટ લીધી હતી. ત્રણ વિકેટ બીજા પેસ બોલર લુન્ગી એન્ગીડીએ લીધી હતી.
પ્રથમ દાવમાં 72 રન કરનાર બ્યૂ વેબસ્ટર બીજા દાવમાં ફક્ત નવ રન અને પ્રથમ દાવમાં 66 રન કરનાર સ્ટીવ સ્મિથ 13 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. બન્નેને લુન્ગી ઍન્ગિડીએ એલબીડબ્લ્યૂ કર્યા હતા.
એ પહેલાં, સાઉથ આફ્રિકાની પ્રથમ ઇનિંગ્સ 138 રનના સ્કોર પર પૂરી થઈ હતી. પહેલા દાવમાં 212 રન કરનાર ઑસ્ટ્રેલિયાએ 74 રનની લીડ લઈને પોતાનો હાથ ઉપર રાખ્યો હતો.
પૅટ કમિન્સે (18.1-6-28-6) હરીફ સુકાની ટેમ્બા બવુમા સહિત કુલ છ વિકેટ લીધી હતી. બે વિકેટ મિચલ સ્ટાર્કે લીધી હતી. તેણે ડબ્લ્યૂટીસી ફાઇનલ્સમાં સૌથી વધુ વિકેટ લેવાનો મોહમ્મદ શમીનો વિક્રમ બુધવારે પહેલા દિવસે જ તોડી નાખ્યો હતો. સાઉથ આફ્રિકાની એક વિકેટ જૉશ હૅઝલવૂડે મેળવી હતી.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં જે 212 રન કર્યા હતા.
આ પણ વાંચો…કૅપ્ટન કમિન્સે છેવટે હરીફ સુકાની બવુમાની વિકેટ લીધી