112 વર્ષથી કયા ગુના હેઠળ સજા ભોગવી રહ્યું છે આ વડનું વૃક્ષ?
હેડિંગ વાંચીને જો તમે ચકરાઈ ગયા હોવ અને વિચારી રહ્યા હોવ કે આ કઈ રીતે શક્ય છે? આખરે આ વૃક્ષે એવું તે શું કર્યું છે કે તેને આવી સજા સંભળાવવામાં આવી છે અને વર્ષોથી તે આ સજા ભોગવી રહ્યું છે? સાંભળવામાં ભલે તમને આ વિચિત્ર લાગી રહ્યું હોય, પરંતુ આ એક હકીકત છે. આ પાછળની સ્ટોરી સાંભળવા આપણે થોડા ભૂતકાળમાં જવું પડશે.
વાત 1898ની છે, જ્યારે બ્રિટિશ આર્મી ઓફિસર જેમ્સ સ્ક્વોડ તોરખામ બોર્ડર પર સ્થિત લેન્ડી કોટલ ખાતે તહેનાત હતા અને એવું કહેવાય છે કે એક દિવસ જ્યારે ટુકડી આખી નશામાં હતી, ત્યારે તેમને એવું લાગ્યું કે આ વડનું ઝાડ તેમની અને ટુકડીની તરફ આગળ વધી રહ્યું છે, તેમને મારવા માગે છે. બસ આ જોઈને જ જેમ્સે ટુકડીએ તેમના મેસ સાર્જન્ટને ઝાડને પકડીને ઝંઝીરમાં કેદ કરવાનો આદેશ આપ્યો હતો.
બસ એ જ દિવસથી કોઈએ પણ જેમ્સ સ્ક્વોડ દ્વારા આપવામાં આવેલા આદેશને ઉથાપવાનો પ્રયાસ નથી કર્યો અને એને કારણે 122 વર્ષથી આ વૃક્ષ આ જ રીતે સાંકળમાં કેદ ઊભું રહ્યું છે. આ બાબતે માહિતી આપતા એક ઈતિહાસકારે જણાવ્યું હતું કે આઝાદી પછી પણ આ વૃક્ષ સાંકળની કેદમાં ઊભું છે, અને એને એક ઐતિહાસિક મહત્ત્વ પ્રાપ્ત થયું છે.
આજની તારીખમાં પણ આ વડ પર ભારેભરખમ સાંકળો લટકતી જોવા મળી રહી છે. એટલું જ નહીં પણ ધરપકડ કરાયેલાં ઝાડ પર એક બોર્ડ પણ લટકાવવામાં આવ્યું છે અને એના પર મારી ધરકડ કરવામાં આવી છે એવું લખવામાં આવ્યું છે.
છે ને એકદમ વિચિત્ર? પરંતુ આ હકીકત છે અને આ સાંકળથી બંધાયેલા વડના ઝાડના ફોટો પણ તમે ગૂગલ કરીને સરળતાથી જોઈ શકશો. શક્ય છે કે કદાચ તમને આ પાછળની સ્ટોરી કદાચ થોડી અલગ કે અલગ ફેક્ટ્સ સાથે વાંચવા મળે….