ઇજિપ્તમાં ભીષણ અકસ્માત: મૃતક 35 લોકોમાંથી 18 જીવતા ભુંજાયા, 50થી વધુને ઇજા
ઇજિપ્તના બેહેરામાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં હાલ મળેલી વિગતો મુજબ 35 જેટલા લોકો મોતને ભેટ્યા છે જ્યારે 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃત્યુઆંક વધી પણ શકે છે.
બેહેરા પ્રાંતથી લગભગ 132 કિમી દૂર કેરો-એલેક્ઝાન્ડ્રિયા હાઇવે પર જઇ રહેલા અનેક વાહનો પરસ્પર અથડાયા હતા તેમજ એક કારમાંથી ઓઇલ લીક થતા આગ લાગી હતી અને અનેક વાહનો આગની લપેટમાં આવી જતા આ દુર્ઘટના સર્જાઇ હોવાની વિગતો મીડિયા અહેવાલો પરથી મળી રહી છે.
ત્યાંના સ્થાનિક અલ અહરામ ન્યુઝ વેબસાઇટના જણાવ્યા મુજબ આગ લાગવાને પગલે 18 લોકો જીવતા દાઝી ગયા હતા અને મોતને ભેટ્યા હતા. અથડામણમાં કાર સહિત બસ અને લોરીટ્રક જેવા વાહનો પણ હતા. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે.
આગની જ્વાળાઓને કારણે આકાશમાં પણ ધુમાડાના ગોટા જામી ગયા હતા. કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો તેમજ આસપાસ રહેતા લોકો પણ અકસ્માતને પગલે હાઇવે પર એકત્ર થઇ ગયા હતા.