નેશનલ

સરકારી બેંક કર્મચારીઓના પગારમાં વધારો અને પાંચ દિવસ કામનો IBAનો પ્રસ્તાવ

ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ સરકારી બેંકના કર્મચારીઓ માટે 15 ટકા પગાર વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે સાથે સાથે અઠવાડિયામાં પાંચ દિવસ કામનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ગુરુવારે, કર્મચારીઓના પગારમાં વધારો કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી, પરંતુ ઘણા યુનિયનો અન્ય ફેરફારો સાથે પગારમાં વધુ વધારાની માંગ કરી રહ્યા છે.
કેટલાક અહેવાલો મુજબ PNB જેવી બેંકોએ પગાર વધારા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ બેંકો પગારમાં 10 ટકાનો વધારો કરવા માટે અલગ બજેટ બનાવી રહી છે.

યુનિયનો અને કર્મચારીઓનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2024 ના સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન બેંકોએ સારો નફો મેળવ્યો હતો અને કોવિડ દરમિયાન, કર્મચારીઓએ સરકારી યોજનાઓને આગળ વધારવામાં સારું કામ કર્યું હતું. આવી સ્થિતિમાં કર્મચારીઓ વધુ સારા વળતરને પાત્ર છે અને તેમના પગારમાં 15 ટકાથી વધુ વધારો થવો જોઈએ.

આવતા વર્ષે લોકસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને નાણા મંત્રાલય સાથે વાતચીત પર નજર રાખવામાં આવી રહી છે. યુનિયનોને એવી અપેક્ષા છે કે સામાન્ય ચૂંટણી પહેલા કર્મચારીઓના પગારમાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. અગાઉ સરકાર સાથે ત્રણ વર્ષની લાંબી વાટાઘાટો બાદ છેલ્લી વખત 2020માં બેંક કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો.

બેંક કર્મચારીઓ માટે અઠવાડિયામાં પાંચ દિવસ કામનો નિયમ લાગુ કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ મંજુર થશે તો કર્મચારીઓના કામના કલાકો વધશે અને પછી તેમને અઠવાડિયામાં બે દિવસની રજા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button